ઓદ્યોગિકીકરણની આકરી સજા : ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ - Sandesh
  • Home
  • Columnist
  • ઓદ્યોગિકીકરણની આકરી સજા : ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ

ઓદ્યોગિકીકરણની આકરી સજા : ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ

 | 1:45 am IST

ચલતે ચલતે :- અલ્પેશ પટેલ

કેરળ સહિત સાત રાજ્યોમાં પૂરપ્રકોપે હાહાકાર મચાવ્યો છે, તો દેશનાં અનેક રાજ્યોમાં દુકાળનાં ડાકલાં વાગી રહ્યાં છે. તામિલનાડુ, કર્ણાટક,  તેલંગણાના ૯૫ જિલ્લામાંથી ૪૭ જિલ્લામાં વરસાદની ૨૦ ટકાથી વધારે ઘટ છે. ચાલુ વર્ષે દેશમાં સામાન્ય કરતાં સાત ટકા ઓછો વરસાદ પડયો છે જે ચિંતાનો વિષય છે. ઉત્તર-પિૃમમાં ૬૭ ટકા વરસાદા ઓછો પડયો છે. પૂર્વ ભારતમાં ૨૮ ટકા ઓછો વરસાદ પડયો છે. પર્યાવરણનું જતન કરવાની વાત તો દૂર રહી પરંતુ, વિકાસની હરણફાળ અને દ્યોગિકીકરણની આડમાં આવનારા સમયમાં લોકોને આકરી કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. નૈઋત્યનું ચોમાસું તેના અંતિમ પડાવમાં પહોંચ્યું છે ત્યારે દેશના ૪૦ ટકા વિસ્તારમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે જે હવે પૂરી થાય તેવી કોઈ શક્યતા જણાતી નથી. વૃક્ષછેદનની બે-લગામ પ્રવૃત્તિનાં પાપે ગ્લોબલ વોર્મિંગે કુદરતી સાઇકલને વેર-વિખેર કરી નાખી છે જેનું પરિણામ આપણે ભોગવી રહ્યાં છીએ. ચાલુ વર્ષનું ચોમાસું તેનું ઉત્તમ ઉદાહરણ છે. ક્યાંક મુશળધાર વરસાદ તો ક્યાંક વરસાદનાં એક-એક ટીપાં માટે તરસી રહેલાં લોકો પણ છે.

ઉત્તર-પૂર્વનાં રાજ્યો 

ચોમાસા અગાઉ હવામાન વિભાગ દ્વારા ચોમાસાની આગાહી કરવામાં આવે છે, પરંતુ તે દર વખતે સાચી ઠરતી નથી. ચાલુ વર્ષે પણ સારા વરસાદની આગાહી વચ્ચે અનેક રાજ્યોમાં પાણીની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યો બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકમાં વરસાદની ઘટથી ખેડૂતોમાં ચિંતાનું મોજું છે. એકલા દક્ષિણ ભારતમાં વરસાદની ૪૦ ટકા ઘટ છે. તામિલનાડુના ૧૨ જિલ્લામાં માત્ર ૨૦ ટકા વરસાદ પડયો છે. તેલંગણાના ૬ જિલ્લામાં ઓછો વરસાદ પડયો છે.  પુડ્ડુચેરીમાં ૬ જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડયો છે. ઉનાળો તો દૂરની વાત છે પરંતુ શિયાળામાં જ પાણીના પોકાર પડશે એ દિવસો દૂર નથી.

ખરીફવાવણીમાં ઘટાડો   

વરસાદની પેટર્ન બદલાતાં ખેડૂત આલમમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ખેતી કરીને જુગાર ખેલતા ખેડૂતો માટે જાયે તો જાયે કહાં? જેવી સ્થિતિ સર્જાઈ છે. ઓછા વરસાદને લઈ ખેડૂતો રોકડિયા પાકો તરફ વળ્યા છે. દેશમાં ચાલુ વર્ષે ખરીફ વાવેતરમાં ૧૩ લાખ હેક્ટરની ઘટ જણાઈ છે. ડાંગરમાં ૧૨ ટકા, અડદમાં ૧૩ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જંગલોના નાશનાં પાપે દેશના ૭૭ ટકા વિસ્તારમાં વરસાદની ૨૩ ટકા અછત છે. ખેડૂતોનાં માથે ચિંતાનાં કાળાડિબાંગ વાદળો ઘેરાયાં છે. બીજા શબ્દોમાં કહીએ તો આફતના ઓળા ઊતર્યા છે. જે ખેડૂતો માત્ર ખેતી ઉપર જીવન-નિર્વાહ કરી રહ્યા છે તેમની હાલત સૌથી બદતર થશે. દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતોની હાલત દયનીય બની રહી છે.

ગુજરાતની સ્થિતિ  

ગુજરાતમાં ૧૧ તાલુકામાં સરેરાશ માત્ર ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. કચ્છનાં લખપતમાં માત્ર ૦.૪૭ ઇંચ જ્યારે બનાસકાંઠાનાં વાવમાં ૦.૯૮ ઇંચ વરસાદ પડયો છે. શિયાળા કે ઉનાળાની વાત છોડો, ચોમાસામાં જ પાણીના પોકાર પડી રહ્યા છે. પશુપાલકો દ્રવી ઊઠયા છે. જે તાલુકાઓમાં નજીવો વરસાદ પડયો છે તેમાં રાપર-૧.૦૨ ઇંચ, અબડાસા ૨.૦૮ ઇંચ, સૂઈગામ ૨.૦૮ ઇંચ, નખત્રાણા-૨.૫૯ ઇંચ, ભુજ-૩.૦૭ ઇંચ, થરાદ-૩.૪૪ ઇંચ, માંડલ-૩.૫૮ ઇંચ, કાંકરેજ-૨.૬૨ ઇંચ અને જોટાણામાં માત્ર ૩.૭૭ ઇંચ વરસાદ પડયો છે. એકંદરે કચ્છ જિલ્લામાં સરેરાશ ૩.૯૭ ઇંચ અને બનાસકાંઠામાં ૭.૨૦ ઇંચ વરસાદ પડયો છે. ઉત્તર ગુજરાતના છ તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા છે. ચોમાસાના મહત્ત્વના દિવસો પસાર થઈ ગયા છે ત્યારે હવે આવનારા દિવસો કેવા ભયંકર આવશે તે વિચાર માત્ર જ કંપારી લાવી દે તેવો છે.

વિદેશમાં દુકાળ  

દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ દુકાળનાં ડાકલાં વાગી  રહ્યાં   છે, જેમાં ઓસ્ટ્રેલિયા, આફ્રિકાખંડના ઇથિયોપિયામાં, સ્વિડનમાં ભયંકર દુકાળની સ્થિતિ સર્જાઈ છે. ઓસ્ટ્રેલિયા ૭૭ લાખ ચોરસ મીટરમાં પથરાયેલો દેશ છે. જેની ૯૦ ટકા વસતી દરિયાકાંઠે વસવાટ કરે છે. અહીંયાં પણ છેલ્લાં ૧૬ વર્ષથી વરસાદની પેટર્ન બદલાઈ છે. ચાલુ વર્ષે સૌથી ઓછો વરસાદ પડયો છે. અહીંયાં પશુપાલન- ઉદ્યોગ ફૂલ્યોફાલ્યો છે પણ ઓછા વરસાદથી પશુપાલકોની સ્થિતિ દયાજનક બની  છે.  અનાજનાં  પણ   ફાંફાં   પડી રહ્યાં   છે.  આફ્રિકાખંડના ગરીબ દેશ ઇથિયોપિયામાં પણ દુષ્કાળનાં ડાકલાં વાગે છે. અહીંયાં ૨૦૧૫થી દુકાળ ચાલ્યો આવે છે. ચોંકાવનારો અહેવાલ કહે છે કે, અહીંયાં ૮૫ લાખ લોકોને બે ટંક જમવાનું નહીં મળે તો એ દિવસો દૂર નહીં હોય કે જ્યારે આ લોકો હાડપિંજર બનીને રહી જશે. અહીંયાં પાંચ વર્ષથી નાનાં ૧૪ લાખ બાળકો કુપોષણનો શિકાર બન્યાં છે. સ્વિડન બીજા વિશ્વયુદ્વ પછીની સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યો છે. અહીંયાં માત્ર ૧૨ ટકા વરસાદ પડયો છે. આ ઉપરાંત મહાસત્તા તરીકે જેની ગણના થાય છે તે અમેરિકામાં પણ સ્થિતિ સારી નથી. અહીં ૨૯ ટકા જેટલો વિસ્તાર પાણીની ભયંકર અછતનો સામનો કરી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાનાં કેપટાઉન જેવાં શહેરમાં તો પાણીનો રીતસરનો કાપ જ મૂકી દેવાયો છે. દ્યોગિકીકરણની આકરી કિંમત વિદેશમાં પણ લોકોને ચૂકવવી પડી રહી છે.

નક્કર આયોજન નહીં 

દેશમાં હજુ પણ વરસાદી પાણીના સંગ્રહનું કોઈ સુદૃઢ આયોજન જોવા મળતું નથી, જ્યારે સારો વરસાદ પડે છે ત્યારે પાણીનો સંગ્રહ થઈ શકતો નથી. પાણી નદીઓમાં થઈ સમુદ્રમાં ભળી જાય છે. ખેતતલાવડીઓ અને ચેકડેમો પાછળ લાખો નહીં કરોડો રૂપિયાનાં આંધણ મૂક્યાં પછી પણ વરસાદનાં પાણીનું એક ટીપું પણ બચતું નથી એ કડવી વાસ્તિવકતા છે. બેવકૂફ નેતાઓની બુદ્વિ બહેર મારી ગઈ હોય તેમ કાગળ ઉપર પાણી બચાવાનો ઘોડા રમરમાટ દોડાવે છે પણ વાસ્તવિક સ્થિતિ કોઈ જુદો જ ચિતાર રજૂ કરે છે. નેતાઓને દુકાળ ક્યાં સહન કરવો પડે છે? આઝાદીનાં ૭૦ વર્ષના ઇતિહાસમાં ક્યાંય સાંભળ્યું ખરું કે, કોઈ નેતા કે ભ્રષ્ટ સરકારીબાબુ દુકાળમાં મર્યો હોય? આપઘાત કરવો પડયો હોય? એનો જવાબ સ્વાભાવિક પણે ના જ હોય, કેમ કે, ખપ્પરમાં હોમાવાનું તો લોકોનાં લલાટે જ લખાયેલું છે. ભ્રષ્ટાચારના ભોરિંગનાં પાપે જનતાનો મરો થઈ રહ્યો છે અને આ નેતાઓને તો કોઈ જ અસર થતી નથી, કેમ કે, તેમને તો બાર મહિના અને ૩૬૫ દિવસ  દિવાળી  જ  દિવાળી  છે. કરો, તમતમારે જલસા, કોના બાપની દિવાળી?

પર્યાવરણની કોને ચિંતા   

વિકાસની હરણફાળમાં માનવજાતે જંગલોનો સોથ વાળી દીધો છે. એક વૃક્ષ વાવવાની તો ત્રેવડ નથી અને સરેઆમ હજારો વૃક્ષોનું છેદન કરવામાં આવતું હોય ત્યાં પર્યાવરણની શી દશા થાય તે કંપારી છોડાવી દે છે. એસી ઓફિસોમાં બેસીને પર્યાવરણની, વૃક્ષોની ચિંતા કરનારા નેતાઓ અને બાબુઓની મથરાવટી જ મેલી છે. કુદરત તેનો ચમકારો બતાવે છે પણ કોઈ સમજી શકતું નથી. હા, જ્યારે ભાષણો કરવા માટે ઊભા કરવામાં આવ્યા હોય ત્યારે બેટમજી એક પણ નેતા પાછો પડે તેમ નથી. માત્ર થૂંક ઉડાડવાથી કંઈ જ થવાનું નથી. જંગલો બચાવવા પડશે, વૃક્ષો બચાવવા ઉપરાંત નવાં ઉગાડવાં પડશે, પર્યાવરણને નષ્ટ કરનારી કાર્યપદ્ધતિ બંધ કરવી પડશે. વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવું પડશે. પર્યાવરણવિદો ચિંતિત છે પણ કયા માઈના લાલ નેતાને ચિંતા છે? કયા બાબુને ચિંતા છે? કુદરત આટલું તો બતાવે છે પછી શું માથામાં કુહાડા મારે? હજુ જાગી જવાની જરૂર છે, કુદરત જ્યારે પૂરેપૂરી રૂઠશે ત્યારે શું દશા થશે એ જોવા માટે કોઈ નહીં બચ એ દિવસ  બહુ ઝડપથી આવે તો નવાઈ જેવું લાગશે નહીં.