દુબઇમાં જ્વેલરીની આયાત ઉપર ૫% જકાતથી ભારતની નિકાસને અસર થશે

301

મુંબઈ, તા. ૧૦

દુબઈની સરકારે ભારતથી આયાત થતી ગોલ્ડ અને ડાયમન્ડ જ્વેલરી પર પાંચ ટકા ઈમ્પોર્ટ ડયુટી લાગુ કરી છે. એને પગલે ભારતની નિકાસને અસર થશે. આમ પણ નોટબંધીને પગલે સ્થાનિક બજારમાં જ્વેલરી સેકટરના વેચાણમાં ઘટાડો થયો છે.

દુબઈમાં ગોલ્ડ જ્વેલરીનો જે કુલ વપરાશ થાય છે એમાં ભારતથી નિકાસ થતી જ્વેલરીનો હિસ્સો ૪૫થી ૫૦ ટકા જેટલો છે. આ ડયુટીને કારણે ભારતના મોટા એક્સ્પોટરોના બિઝનેસને અસર થશે. તો ભારતમાંથી નિકાસ થતી ૩૨ ટકા જેમ્સ એન્ડ જ્વેલરીની યુએઆઇ ખાતે એક્સ્પોર્ટ કરાઇ છે. ભારત જેમ્સ- જ્વેલરીનો લાર્જેસ્ટ સપ્લાયર્સ છે. છઈ ખાતે આયાત થતી જ્વેલરીમાં ભારતનો હિસ્સો વર્ષ ૨૦૧૧માં ૬૨ ટકા હતો. જે વર્ષ ૨૦૧૬માં ઘટીને ૩૪ ટકા થઇ ગયો છે.

દુબઈ સરકારે ગોલ્ડ અને ડાયમન્ડ જ્વેલરી ઉપર પાંચ ટકાની આયાત જકાત લાગુ કરી છે એ રિએક્સપોર્ટ માટેની જ્વેલરીને લાગુ નહીં પડે. સ્થાનિક વપરાશ માટે જે જ્વેલરી હશે એના પર જ ડયુટી લાગશે. દુબઈથી મોટા પાયે જ્વેલરીની રિએક્સપોર્ટ પણ થાય છે. ભારતમાં બનાવવામાં આવેલી જ્વેલરી દુબઈમાં લોકપ્રિય છે.

દુબઈમાં હવે જ્વેલરી પર પાંચ ટકા ડયુટી લાગશે એટલે જ્વેલરીના ભાવમાં એ પ્રમાણે વધારો થશે. આને પગલે ભારતમાં બ્રાઈડલ જ્વેલરીની ડિમાન્ડ વધશે. કારણ કે અનેક ભારતીયો દુબઈથી મોટાપાયે બ્રાઈડલ જ્વેલરીની ખરીદી કરે છે. કારણ કે ભારત કરતાં ત્યાં આ જ્વેલરી સસ્તી હોય છે અને ક્વોલિટી પણ સારી હોય છે. છેલ્લા કેટલાંક વર્ષમાં બ્રાઈડલ જ્વેલરીનો મોટો બિઝનેસ દુબઈ ખાતે શિફટ થઈ ગયો છે. હવે આમાંથી નોંધપાત્ર બિઝનેસ સ્થાનિક બજારમાં પાછો આવવાની ગણતરી છે.