અબજો રૂપિયાની છેતરપિંડી કરનાર બે ભારતીયોને થઇ 517 વર્ષની જેલ - Sandesh
  • Home
  • NRI
  • અબજો રૂપિયાની છેતરપિંડી કરનાર બે ભારતીયોને થઇ 517 વર્ષની જેલ

અબજો રૂપિયાની છેતરપિંડી કરનાર બે ભારતીયોને થઇ 517 વર્ષની જેલ

 | 3:59 pm IST

દુબઇ કોર્ટે રવિવારના રોજ બે ભારતીયોને 200 મિલિયન ડોલર (1305 કરોડ રૂપિયા)ના કૌભાંડમાં 517 વર્ષની જેલની સજા સંભળાવી છે. ગોવાના રહેવાસી સિડની લિમોસ અને તેના સિનિયર એકાઉન્ટ સ્પેશ્યાલિસ્ટ રિયાન ડિસૂઝાનો જબરદસ્ત રૂઆબ હતો. ફૂટબોલની દુનિયામાં તેમની મોટા-મોટા ખેલાડીઓ સાથે ઓળખાણ હતી.

લિમોસ અને રિયાને મળી પોન્ઝી સ્કીમની અંતર્ગત હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરી. આ સ્કીમની અંતર્ગત લિમોસે રોકાણકારોને લાલચ આપી હતી કે તેમની કંપનીમાં 25000 ડોલરનું રોકાણ કરવા પર તેમને 120 ટકા વાર્ષિક રિટર્ન મળશે. શરૂઆતમાં લિમોસની કંપનીએ રોકાણકારોને ખૂબ ફાયદો કરાવ્યો, પરંતુ 2016માં પોન્ઝી સ્કીમનું પતન થયા બાદ આ કંપનીએ રોકાણકારોને પૈસા આપવાનું બંધ કરી દીધું. માર્ચ 2016માં પોન્ઝી સ્કીમ ધરાશાયી થયા બાદ દુબઇ ઇકનોમિક ડિપાર્ટમેન્ટ એ વર્ષે જ જુલાઇમાં કંપનીની ઓફિસપણ બંધ કરી દીધી.

આ કિસ્સામાં લિમોસની પત્નીની વિરૂદ્ધ પણ કેસ નોંધાયા છે. લિમોસની પત્ની પર સીલ ઓફિસમાં ગેરકાયદે ઘૂસી ડોકયુમેન્ટ લેવાનો આરોપ છે.

લિમોસ 2015માં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેની કંપની એફસી પ્રાઇમ માર્કેટ્સ ઇન્ડિયન સુપર લીગમાં ગોવા ફ્રેન્ચાઇઝીની એફસી ગોવાની સ્પોન્સર બની. તેમની ઓળખાણ આ લીગ સાથે જોડાયેલા મોટા ચહેરાઓ સાથે પણ થઇ હતી, તેમાં માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરથી લઇ અભિષેક બચ્ચન અને રણબીર કપૂર સુધી સામેલ છે.

ગોવાના માપૂસાના રહેવાસી સિડની લિમોસની ડિસેમ્બર 2016માં ધરપકડ કરાઇ હતી, પરંતુ ત્યારથી તેને જામીન પર છોડી દેવાયો હતો. ત્યારબાદ ગયા વર્ષે જાન્યુઆરીમાં તેની ફરીથી ધરપકડ કરી લેવાઇ. લિમોસના સિનિયર એરકાઉન્ટ મેનેજર રિયાના ડિસુઝાની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં દુબાઇ એરપોર્ટ પર ધરપકડ કરાઈ, જ્યારે તે ભારત આવી રહ્યો હતો. જ્યારે લિમોસની પત્ની બચી નીકળવામાં સફળ રહી.