દૂધસાગર ડેરીએ પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં રૂ. ૨૫નો ઘટાડો કર્યો - Sandesh
  • Home
  • Mehsana
  • દૂધસાગર ડેરીએ પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં રૂ. ૨૫નો ઘટાડો કર્યો

દૂધસાગર ડેરીએ પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં રૂ. ૨૫નો ઘટાડો કર્યો

 | 1:44 am IST

। મહેસાણા ।

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘે પશુપાલકોને વધુ એક ઝટકો આપ્યો છે. કિલો ફેટે દૂધના ભાવ અગાઉ ૬૦૦ હતા. જે રૂ.૨૫ ઘટાડીને ૫૭૫ કરી દેવામાં આવ્યા છે.

ઉનાળામાં દૂધનો ભાવ કિલો ફેટે રૂપિયા ૬૨૫ હતો. ત્યારબાદ દૂધનો ભાવ રૂ. ૬૦૦ કરવામાં આવ્યો હતો. હવે, તેમાં પણ ઘટાડો કરવામાં આવતાં પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી શકે તેમ નથી.

ઉલ્લેખપાત્ર છે કે, ઉ.ગુજરાતના દૂધ ઉત્પાદક સંઘો કરતાં મહેસાણા દૂધ ઉત્પાદક સંઘનો ભાવ સૌથી નીચો છે. દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક થયે ગણતરીના દિવસો પણ થયા નથી એવા સંજોગોમાં દૂધના ભાવમાં રૂ.૨૫નો ઘટાડો કરવામાં આવ્યો છે. દૂધના આ ભાવ ઘટાડાનો અમલ ૧લી સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ જશે. આમ, દૂધના ભાવમાં રૂ. ૨૫નો ઘટાડો કરવામાં આવતાં દૂધ ઉત્પાદકોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે.

ફેડરેશન-દૂધ સંઘનો વિવાદ ઉત્પાદકોને નડશે

અમૂલ ફેડરેશનના ઉચ્ચ અધિકારીઓ અને દૂધસંઘના સંચાલકો વચ્ચે છેલ્લા અનેક વર્ષથી ઘર્ષણ ચાલી રહ્યું છે. દૂધનું એકત્રીકરણ દૂધ સંઘે કરવાનું હોય છે. જ્યારે તેનું વેચાણ ફેડરેશન કરે છે. ક્યા સંઘ પાસેથી કેટલું દૂધ અને દૂધ ઉત્પાદનો ક્યારે ખરીદવા તે ફેડરેશન નક્કી કરે છે. પરંતુ, મહેસાણા દૂધ સંઘના સંચાલકો સાથેના કેટલાક વિવાદોના કારણે ફેડરેશન અને સંઘ વચ્ચે મોટી ખાઈ પડી ગઈ છે. બંને સંસ્થાઓની લડાઈના કારણે દૂધ ઉત્પાદકોનો ખો નીકળી રહ્યો છે.

;