why senxex plunged 1000 points, know the causes
  • Home
  • Business
  • ભારતીય શેરબજાર ઉંધા માથે પછડાયાના આ રહ્યાં કારણો

ભારતીય શેરબજાર ઉંધા માથે પછડાયાના આ રહ્યાં કારણો

 | 2:43 pm IST

આજે શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને બે ટકાથી વધુના ઘટાડા સાથે ખુલ્યા હતા. જો કે ટૂંકા ગાળામાં સેન્સેક્સમાં ઘટાડો થયો છે અને આ આંકડો 1000ના આંકનેપાર કરી ગયો તે જ સમયે, નિફ્ટી 307 પોઇન્ટ પછડાઇ છે. સ્થિતિ એ હતી કે સેન્સેક્સના 31 માંથી 30 શેરો અને નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેરો રેડ ઝોનમાં હતા. આખરે, વૈશ્વિક માર્કેટમાં કડાકા પાછળના કારણો શું છે? ચાલો જાણીએ.

યુએસ માર્કેટની સૌથી મોટો મંદીની અસર વિશ્વભરના બજારો પર જોવા મળી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાજદર વધારવાની યોજનાને ફેડરલ રિઝર્વને ‘પાગલ’ ગણાવતા વોલ સ્ટ્રીટમાં તહેલકા મચાવ્યો હતો. બુધવારે S & P500 3.29 ટકા, નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 4.08 ટકા જ્યારે ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 2.2 ટકા નબળો પડ્યો હતો.

અમેરિકન શેર બજાર ધડાધડ તૂટ્તા સવારે ખૂલતા બજારે એશિયન બજારોમાં પણ ધબડકો વળ્યો. આજે સવારે એશિયન બજારો ખૂલતાની સાથે જ 5 ટકા સુધી તૂટી ગયા હતા. ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 2014ની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે ચીનની દિગ્ગજ કંપનીઓના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો.

એશિયન બજારોમાં તાઇવાનનો મુખ્ય સૂચકાંક 5.21 ટકા સુધી તૂટ્યો હતો. બીજી બાજુ, જાપાનનો નિક્કી 3.7 ટકા, કોરિયાનો કોસ્પી 2.9 ટકા અને શાંઘાઈ સંયુક્ત 2.4 ટકા તૂટયા છે. એશિયન શેરબજારોમાં ઘટાડો થતા તેની સીધી અસર આજે સવારે ખૂલતા બજારે ભારતીય બજારો પર પણ જોવા મળી. સેન્સેક્સ ખૂલતાની સાથે જ ગણતરીની સેકન્ડોમાં 1000 અંક નીચે પહોંચી ગયો હતો.

બીજીબાજુ ગુરૂવારે રૂપિયાએ પણ તૂટવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. અમેરિકન ડોલરની સામે રૂપિયો 10 પૈસા ઘટી રૂ.74.31 પર ખૂલ્યો હતો અને તે પોતાની ઓલટાઇમ નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. શેરબજાર 8 મહિનાની નીચલી સપાટીએ આવતા રોકાણકારોએ અમેરિકન શેરોમાંથી નાણાં ઉપાડી લીધા છે. જેથી ડોલર દુનિયાની કેટલીક પ્રમુખ મુદ્રાઓ સામે મજબૂત બન્યો છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા મૂડી પાછી ખેંચવાથી ભારતીય શેરબજાર પર દબાણ આવ્યું છે. સપ્ટેમ્બરમાં 10 હજાર 824 કરોડ રૂપિયાના શેર વેચ્યા પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં ફક્ત સાત ટ્રેડિંગ સેશનમાં 14 હજાર 97 કરોડ રૂપિયા બજારમાંથી ઉપડી લેવામાં આવ્યા છે. આ પણ એક મોટું કારણ છે.