નબળા રૂપિયાને કારણે ભારતે વિદેશી દેવાં પેટે વધારાના રૂ.68,500 કરોડ ચૂકવવા પડશે - Sandesh
  • Home
  • Business
  • નબળા રૂપિયાને કારણે ભારતે વિદેશી દેવાં પેટે વધારાના રૂ.68,500 કરોડ ચૂકવવા પડશે

નબળા રૂપિયાને કારણે ભારતે વિદેશી દેવાં પેટે વધારાના રૂ.68,500 કરોડ ચૂકવવા પડશે

 | 8:08 am IST

જાન્યુઆરી મહિનાથી ભારતીય રૃપિયો ડોલર સામે સતત ઘસાઈ રહ્યો છે. ૨૦૧૮માં પહેલા ૮ મહિનામાં ડોલર સામે રૃપિયામાં ૧૧ ટકાનું અવમૂલ્યન થઈ ચૂક્યું છે. ભારત સરકાર માટે રૃપિયામાં ધોવાણને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની વધતી કિંમતો જ માથાનો દુઃખાવો નથી પરંતુ વિદેશી દેવાંની ચુકવણી પણ વિકરાળ બની રહી છે. આગામી મહિનાઓમાં ટૂંકા ગાળાનાં વિદેશી દેવાં ચૂકવવા માટે ભારત સરકારે તેની તિજોરીમાંથી વધારાના રૃપિયા ૬૮,૫૦૦ કરોડ ઢીલા કરવા પડશે. ગુરુવારે રૃપિયાની કિંમત ૭૧.૯૯ પર પહોંચી ગઈ હતી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના મુખ્ય આર્િથક સલાહકાર સૌમ્યકાંતિ ઘોષે એક નોંધમાં જણાવ્યું છે કે જો ચાલુ વર્ષમાં રૃપિયો ૭૩ની સપાટી પર રહે અને ૨૦૧૮ના બાકીના મહિનાઓમાં ક્રૂડતેલની કિંમત ૭૬ ડોલર પ્રતિ બેરલ પર સરેરાશ જળવાઈ રહે તો પણ દેશનું ઓઇલબિલ રૃપિયા ૪૫,૭૦૦ કરોડ જેટલું વધી જશે.

૨૦૧૭માં ભારતનું ટૂંકા ગાળાનું કુલ વિદેશી દેવું ૨૧૭.૬ અબજ ડોલર હતું, જેમાં નોનરેસિડેન્ટ ડિપોઝિટ અને કંપનીઓ દ્વારા વિદેશમાંથી લેવાતાં ધીરાણનો સમાવેશ થાય છે. એમ ધારી લઈએ કે તેમાંથી ૫૦ ટકાની ચુકવણી ૨૦૧૮ના પહેલા ૬ મહિનામાં થઈ ગઈ હોય અથવા તો તેને આગામી વર્ષ સુધી લંબાવી દેવાઈ હોય તો પણ બાકી ચૂકવવાની રકમ ૨૦૧૭ના ડોલરના ૬૫.૧ના સરેરાશ દરે રૃપિયા ૭.૧ લાખ કરોડ પર પહોંચી જશે. ૨૦૧૮ના બાકીના મહિનામાં ડોલર સામે રૃપિયાની કિંમત સરેરાશ ૭૧.૪ પર જળવાઈ રહે તો દેવાંની ચૂકવણીની રકમ ૭.૮ લાખ કરોડ પર પહોંચી જશે, તેનો અર્થ એ થયો કે ભારતે ટૂંકા ગાળાનાં વિદેશી દેવાં ચૂકવવા માટે રૃપિયા ૭૦,૦૦૦ કરોડ વધારાના ફાળવવા પડશે.

૭૨ના સાઇકોલોજી લેવલ પર ડોલરને જાળવી રાખવા આરબીઆઈના ધમપછાડા

ફોરેક્સ માર્કેટના ડીલરોના જણાવ્યા અનુસાર શુક્રવારે ભારતીય રૃપિયાને ૭૨ની પાર નહીં જવા દેવા આરબીઆઈ દ્વારા મોટાપાયે હસ્તક્ષેપ કરાયો હતો. કારોબારના પ્રારંભે રૃપિયો ડોલરની સામે ૭૨.૦૪ની સપાટી પર ગગડી ગયો હતો. સમગ્ર કારોબાર દરમિયાન રૃપિયો ૭૨ની સપાટી પાર કરતો રહ્યો હતો પરંતુ આ સાઇકોલોજી લેવલ પાર થતાં જ આરબીઆઈ દ્વારા હસ્તક્ષેપ કરાતો હતો. શુક્રવારે ડોલર સામે રૃપિયાની કિંમત કારોબાર દરમિયાન મહત્તમ ૭૨.૦૪ અને લઘુતમ ૭૨.૬૫ની સપાટી વચ્ચે ફંગોળાતી રહી હતી. કારોબારના અંતે રૃપિયો ડોલર સામે ૨૬ પૈસા મજબૂત બનીને ૭૧.૭૩ની સપાટી પર બંધ આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.