Astrology During Concoction real estate can be operated?
  • Home
  • Astrology
  • શું પનોતી દરમિયાન સ્થાવર સંપત્તિનું કામકાજ કરાય?

શું પનોતી દરમિયાન સ્થાવર સંપત્તિનું કામકાજ કરાય?

 | 12:00 pm IST

પ્રશ્નોત્તરી

પ્રશ્ન : મારું નામ હાર્દિક (જિ. મહેસાણા) છે. જન્મ તારીખ 17-09-1987 છે. જન્મ સમય રાત્રે 10.30. જન્મ સ્થળ અમદાવાદ છે. નોકરી સારી છે. લગ્નજીવન એકંદરે સુખી છે. માતાપિતા સાથે કૌટુંબિક મતભેદ રહ્યા કરે છે. સ્વભાવમાં ઉગ્રતા વારંવાર આવી જાય છે. માનસિક શાંતિ માટે યોગ્ય માર્ગદર્શન અને ઉપચાર જણાવવા વિનંતી.

ઉત્તર : તમારો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં છે. જન્મસમયની ચંદ્રરાશિ કર્ક છે. નામ રાશિ મુજબ સાચુ છે. કુંડળીમાં કેન્દ્ર સ્થાને મંગળ અને શનિ છે. અન્ય યોગમાં વાણી કારક બુધ દુષિત થયો ગણાય. માનસિક વ્યાયામ તથા સાત્વિક વાંચન વધારવાની સલાહ છે. તમારી પ્રગતિમાં માતા પિતાનું યોગદાન સ્વીકારીને વિવેક બુધ્ધિથી વાણી ઉપર સંયમ રાખવાની જરૂર છે. નજીકના સમયમાં ઓગસ્ટ ૨૦૧૯ થી માર્ચ 2020સુધીનો સમય પ્રગતિસૂચક ગણી શકાય. તેમાં આયોજનપૂર્વક મહેનત વધારવી જોઇએ.

(1) સૂર્ય નારાયણના મંત્રની દરરોજ એક માળા બપોરના ભોજન પહેલા કરવી. ઉપવાસ આવશ્યક નથી..

(2) દરરોજ ગાયત્રી ચાલીસાનો પાઠ અથવા આદિત્ય હૃદયનો પાઠ કરવો.

(૩) દરરોજ રાત્રે તમારા રાશિસ્વામી ચંદ્રના મંત્રની એક માળા કરવાથી અનુકૂળતા રહે.

પ્રશ્ન : મારું નામ મયંક (જિ. સુરેન્દ્રનગર) છે. જન્મ તારીખ 23-07-1982 છે. જન્મ સમય સવારે ક.08-20 છે. જન્મ સ્થળ અમદાવાદ છે. હાલમાં વ્યવસાય ક્ષેત્રે અવરોધ જણાય છે. નવું કાર્ય મેળવવા માટે જ્યાં પણ વાત ચલાવીએ છીએ તેમાં બધેથી નકારાત્મક ઉત્તર મળે છે. આર્થિક પ્રગતિ માટે પ્રયત્નો ચાલે છે. સફ્ળતા ક્યારે જણાય છે?

ઉત્તર : આપના જન્મની વિગતો મુજબ શ્રાવણ સુદ ત્રીજને શુક્રવારે જન્મ છે. જન્મ નક્ષત્ર મઘા છે. તેથી સિંહ રાશિ ઉપર સાચું નામ છે. આર્થિક બાબતે હાલમાં સાધારણ પ્રતિકૂળ સમય ગણી શકાય. જૂના સંબંધીઓ કે મોસાળ પક્ષની વ્યક્તિઓના સાથ સહકારથી સારી સફ્ળતા મળે તેવા યોગ છે. તે દિશામાં વધુ પ્રયત્નો કરવાની સલાહ છે. આગામી જૂન -૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૦ સુધીનો સમય વિશેષ અનુકૂળ ગણી શકાય.

(1) જન્મ કુંડળીમાં સૂર્યનું હકારત્મક બળ મેળવવા માટે દરરોજ સૂર્ય નારાયણની ભક્તિ કરવી.

(2) દર રવિવારે તથા મંગળવારે કૂળદેવી માતાજીની ભક્તિ વિશેષ કરવી.

(3) રવિવારે- સોમવારે- ગુરુવારે વિશેષ પ્રયત્ન કરવા જોઇએ. તેનો પ્રતિભાવ સારો મળે.

(4) સાત્વિક પ્રકૃતિ અંગેનો એકાદ ફેટોગ્રાફ કે તસવીર વ્યવસાયના સ્થળે રાખવાથી હકારાત્મક ઉર્જામાં વધારો થાય.

પ્રશ્ન : મારું નામ નાનજીભાઇ છે. મારી પુત્રી મયુરીનો જન્મ સમય સવારે ક. 5-00 છે. જન્મસ્થળ અમદાવાદ છે. તેના સગપણ માટે ઘણા પ્રયત્નો ચાલે છે પરંતુ સફ્ળતા મળતી નથી. નાના ગામમાંથી વાતો આવે છે, પરંતુ અમદાવાદમાં જન્મ, ભણતર અને ઉછેર થયો હોવાથી મન માનતું નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર : આપની પુત્રીની જન્મ તારીખ મુજબ પોષ વદ ત્રીજને સોમવારે જન્મ છે. જન્મનક્ષત્ર મઘા છે. ચંદ્ર રાશિ સિંહ આવે છે. તેથી નામ રાશિ મુજબ સાચુ છે. આપનો આ પ્રશ્ન હાલમાં સામાજિક રીતે વ્યાપક છે. માનવીને ક્યારેક ગ્રહો કરતાં પૂર્વગ્રહો વધુ નડે છે. આર્થિક તથા શૈક્ષણિક બાબતે સમકક્ષ પરિવાર હોય તો બીજી કોઇ વાતે બાંધછોડ કરવાની સલાહ છે. અભ્યાસમાં ટેકનિકલ ક્ષેત્ર હોય અને ભવિષ્યમાં પ્રગતિની તક હોય તેવા પાત્ર સાથે વિચારી શકાય. હાલમાં આગામી એપ્રિલ થી ડિસેમ્બર 2019 સુધીનો સમય સાનુકૂળ જણાય છે.

(1) દર રવિવારે કૂળદેવી માતાજીની ભક્તિ જાતે કરવી.

(2) વિષ્ણુ સ્વરૂપની ભક્તિ વિશેષ કરવી. વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો.

(3) પિતરાઇ ભાઇ બહેનોના સહકારથી અનુકૂળતા વધે. અવરોધ હળવા થાય.

પ્રશ્ન : મારું નામ મૂળજીભાઇ (જિ. વડોદરા) છે. મારી જન્મ તારીખ 11-02-1961 છે. જન્મ સમય સવારે ક. 9-૦૦ છે. જન્મ સ્થળ રાજકોટ છે. મારું નામ રાશિ મુજબ નથી. હાલમાં શનિની પનોતી ચાલે છે? પનોતી દરમિયાન સ્થાવર સંપત્તિની કામગીરી કરી શકાય?

ઉત્તર : તમારો જન્મ મહા વદ એકાદશીને શનિવારે છે. જન્મનક્ષત્ર મૂળ છે. તેથી ચંદ્રરાશિ ધનુ આવે છે. તમારું નામ જૂની પરંપરા મુજબ નક્ષત્રને આધારે હોઇ શકે છે. અગાઉના સમયમાં મૂળ નક્ષત્રમાં જન્મનારના નામ મૂળજી, મૂળચંદ કે મૂળરાજ સિંહ રાખતા હતાં. તમારે મુહૂર્ત, શનિની પનોતી, રાશિમેળ, લેણાદેણી વગેરેમાં ધનુ રાશિ મુજબ આગળ વધવાની સલાહ છે. હાલમાં ગોચર ભ્રમણમાં શનિ ધનુ રાશિમાં છે. તેથી શનિની મોટી પનોતીનો મધ્ય ભાગનો તબક્કો ચાલે છે. પનોતી હંમેશાં નડતી નથી. તેમાં વ્યક્તિની કસોટી થાય છે. કસોટી માનવીના ઘડતરમાં ભાગ ભજવે છે. તેથી ખોટો ભય રાખવાની જરૂર નથી. કાર્યમાં નાના અવરોધ કે વિલંબ આવી શકે. તે માટે જાગૃતિ રાખવી જરૂરી છે. સાહસ કરી શકાય. સટ્ટો કરવાની સલાહ નથી. સંપત્તિ ખરીદવાની છે કે વેચવાની છે? તે ચોખવટ જરૂરી છે. દસ્તાવેજી કાર્યોમાં ખાસ સાચવવું.

પ્રશ્ન : મારું નામ આશાબેન (બાવળા) છે. મારી બહેન જયશ્રીની જન્મતારીખ 09-10-1981 છે. જન્મસમય સવારે 6.30 છે. જન્મસ્થળ અમદાવાદ છે. તેના લગ્ન અગાઉ થયેલ. પરંતુ મનમેળના અભાવે છૂટાછેડા થયેલ છે. હવે અમે પાત્ર પસંદગી બાબતે પ્રયત્ન શરૂ કર્યા છે. આ બાબતે ક્યારે સફ્ળતા મળશે?

ઉત્તર : આપની બહેનની જન્મ તારીખ મુજબ આસો સુદ એકાદશી ને શુક્રવારે જન્મ છે. જન્મનક્ષત્ર ધનિષ્ઠા છે. ચંદ્ર રાશિ મકર આવે છે. તેથી નામ રાશિ મુજબ સાચુ છે. તેની કુંડળીમાં મંગળદોષ નથી. જીવનયાત્રા દરમિયાન અમુક વળાંક કે ચઢાવ ઉતાર આવતા હોય છે. દરેકની સમજણ અને સહનશક્તિ ઓછીવત્તી હોય છે. આ બાબતે હાલમાં નવેમ્બર 2019 સુધીનો સમય વધુ અનુકૂળ અને યોગકારક બને છે. સારું અને જાણીતું ઘર હોય તો ગુણાંક કે નાડીદોષ જેવી બાબતોમાં બાંધછોડ કરીને ઉદાર વલણ અપનાવી શકાય. રાધાકૃષ્ણની કે શિવપાર્વતીની ભક્તિ કરવાની સલાહ છે.

  • ભૂપેન્દ્ર ધોળકિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન