DySP Falguni Ben Patel Against ordered a probe
  • Home
  • Gujarat
  • એલફેલ બોલનારા DySP ફાલ્ગુનીબેન પટેલ સામે રેંજ આઇજીએ આપ્યા તપાસનાં આદેશ

એલફેલ બોલનારા DySP ફાલ્ગુનીબેન પટેલ સામે રેંજ આઇજીએ આપ્યા તપાસનાં આદેશ

 | 9:09 pm IST

ખંભીસરમાં વરઘોડા બાદ થયેલ સંઘર્ષમાં મોડાસા ડીવાએસપીએ એક તરફી કામગીરી કરી હોવાના અનુસૂચિત જાતિના લોકોએ આક્ષેપો કર્યા છે. સાથે જ ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલ એલફેલ બોલતા હોય તેવો વીડિયો પણ વાયરલ થતાં રેન્જ આઈજીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસને અંતે ફરજમાં બેદરકારી રાખ્યાનુ જણાઈ આવશે તો કડક પગલાં ભરવામાં આવશે તેમ પણ જણાવ્યુ હતુ. સરકાર તરફે દાખલ કરવામાં આવેલ ફરિયાદને પગલે મંગળવારે રાત્રે પોલીસે ખંભીસરમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતુ અને બે આરોપીઓની ધરપડક કરી હોવાનુ પણ રેન્જ આઈજીએ જણાવ્યુ હતુ.

ખંભીસરમાં અનુસૂચિત જાતિના યુવકનો વરઘોડો કાઢવા મામલે થયેલ ઘર્ષણ બાદ પથ્થરમારો થયો હતો અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. દરમિયાન મોડાસા ડીવાએસપી સામે એક તરફી અને દલિત વિરોધી માનસિકતા હોવાના આક્ષેપ સાથે ગુનો નોંધવામાં આવે તેવી અનુ.જાતિના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે અને આ અંગેની અરજી પણ રૃરલ પોલીસ મથકે આપવામાં આવી છે. ત્યારે આ અંગે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે,ડીવાયએસપી સામેના આક્ષેપોની તપાસ હાથ ધરી દેવાના આદેશ કરવામાં આવ્યા છે. તપાસને અંતે કોઈની પણ ફરજમાં બેદરકારી જણાશે તો કડક પગલાં ભરવામાં આવશે. સરકાર તરફે દાખલ કરવામાં આવેલી ફરિયાદ અંગે તેઓએ જણાવ્યુ હતુ કે,મંગળવારે રાત્રે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ હતુ. જેમાં ભાવેશભાઈ દેવકરણભાઈ પટેલ અને હસમુખભાઈ પશાભાઈ પટેલની રાત્રે ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવી છે.

ગામના મોટાભાગના લોકો ઘર બંધ કરીને જતા રહ્યા

પોલીસે કોમ્બિંગ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે ત્યારે ગામના અનેક લોકો ધરપકડના ડરથી ગામ છોડીને ભાગી ગયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. પોલીસ દ્વારા વીડીયોગ્રાફીની ચકાસણી કરવામાં આવી રહી છે અને સંઘર્ષ કરનારની ઓળખ કરી ધરપકડ માટેના ચક્રોગતિમાન કરી દેવાયા છે.

આઈજી સતત ચોથા દિવસે પણ ખંભીસરમાં

અરવલ્લી અને સાબરકાંઠા પોલીસ સાથે બંને જિલ્લાના એસપીને ખંભીસરમાં ખડેપગે રાખવામાં આવ્યા છે. જ્યારે સતત ચોથા દિવસે પણ રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા ખંભીસરમાં હાજર રહ્યા હતા. જ્યાં સુંધી ગામમાં શાંતિપૂર્ણ માહોલ ન સર્જાય ત્યાં સુંધી બંદોબિત રાખવામાં આવનાર હવાનુ પોલીસે જણાવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન