ઇ-કોમર્સને દુકાનદારો સાથે સાંકળીને રિટેલ બજાર કબજે કરશે રિલાયન્સ - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • ઇ-કોમર્સને દુકાનદારો સાથે સાંકળીને રિટેલ બજાર કબજે કરશે રિલાયન્સ

ઇ-કોમર્સને દુકાનદારો સાથે સાંકળીને રિટેલ બજાર કબજે કરશે રિલાયન્સ

 | 4:44 am IST

અર્થ અને તંત્રઃ અપૂર્વ દવે

ભારતમાં રિટેલ ક્ષેત્ર કેટલા મૂલ્યનું છે ખબર છે? તેનું મૂલ્ય છે ૬૫૦ અબજ ડોલર. આમાં ઈ-કોમર્સનું પ્રમાણ આજની તારીખે કેટલું છે ખબર છે? માત્ર ૩-૪ ટકા. તેનો શું અર્થ થયો? તેનો અર્થ એવો થયો કે ઈ-કોમર્સને રિટેલ વેપારમાં આગળ વધવા માટે ઘણો જ અવકાશ ઉપલબ્ધ છે.

હવે તમે એ કહો કે આજની તારીખે કયું ઔદ્યોગિક ગ્રૂપ નવાં સાહસો કરી રહ્યું છે અને ભારતીય બજારમાં તળિયાઝાટક ફેરફારો લાવી રહ્યું છે? જિયો લાવીને ટેલિકોમ ક્ષેત્રે કટ્ટર સ્પર્ધાનાં મંડાણ કરનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ આજકાલ ઘણું નવું-નવું કામ કરી રહ્યું છે. આથી જ આ નવા વર્ષમાં મુકેશ અંબાણી ઈ-કોમર્સ ક્ષેત્રે બાજી મારવા આવી રહ્યા છે. તેઓ જિયોના નેટવર્કની જેમ જ સ્ફૂર્તિથી ગામેગામ વધવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ઈ-કોમર્સનો દુકાનો સાથે સમન્વય કરાવીને રિટેલ વેપારમાં વ્યાપ વધારવા માગે છે. ૨૦૧૬માં ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશ્યા બાદ રિલાયન્સ જિયોએ લગભગ ૧૫ ટકા માર્કેટ કબજે કરી લીધી છે. હવે એ ઓનલાઇન રિટેલમાં આગળ વધવા માગે છે. કિરાણાની દુકાનોનો વિકલ્પ બનવાનો પ્રયાસ કરવાનું ભારતમાં ઘણું મુશ્કેલ છે. આથી તેમણે કિરાણાની દુકાનોને ઓનલાઇનનું એક્સ્ટેન્શન બનાવવાનું આયોજન કર્યું છે. અને આ કામ રિલાયન્સ જિયોના સથવારે થવાનું છે. રિલાયન્સ જિયોએ હાલ મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદમાં પ્રાયોગિક ધોરણે ડિજિટલ કૂપન મોડેલનો પ્રારંભ કર્યો છે. રિલાયન્સ જિયોના ગ્રાહકોને અલગ અલગ બ્રાન્ડની ડિજિટલ કૂપનો એસએમએસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. પાડોશની કે નજીકની દુકાનોમાંથી આ બ્રાન્ડેડ વસ્તુઓ ડિસ્કાઉન્ટેડ ભાવે મળતી હોય તો ગ્રાહક શું કામ ત્યાં ન જાય! વિવિધ બ્રાન્ડ જાહેરખબરો પાછળ ખર્ચ કરવાને બદલે રિલાયન્સ જિયો સાથે સહયોગ સાધીને સીધેસીધી ગ્રાહકોના મોબાઇલમાં કૂપન દ્વારા પોતાની વસ્તુઓ પહોંચાડે અને ગ્રાહકોએ ખરીદે એવો આ પ્રયોગ છે. આ સેવાના બદલામાં રિલાયન્સ બ્રાન્ડ પાસેથી થોડો ચાર્જ લેશે, જે બ્રાન્ડને વધારે પડતો નહીં લાગે. આમ, રિલાયન્સ જિયોના વધી રહેલા નેટવર્કને બ્રાન્ડ, કિરાણાની દુકાનો કે બીજી દુકાનો તથા ગ્રાહકો વચ્ચે સેતુરૂપ બનાવવાનું શરૂ થયું છે. આ વ્યૂહ દ્વારા રિલાયન્સ જિયો લાખો દુકાનો અને કરોડો ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ થાય છે કે નહીં એ તો આવનારા દિવસોમાં જ જાણી શકાશે.