ઈ-વાહનો ખરેખર કાર્બન ડાયોક્સાઈડ ઘટાડશે? - Sandesh

ઈ-વાહનો ખરેખર કાર્બન ડાયોક્સાઈડ ઘટાડશે?

 | 5:11 pm IST

સમયની આરપાર :- નરેન વઢવાણા

હાલમાં જ નીતિ આયોગે ઈલેક્ટ્રીક વાહનો માટેની પોલિસી જાહેર કરી છે. હજુ થોડા દિવસ પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં ઈલેક્ટ્રીક બસનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન પણ ઈ-વાહનોની એકથી વધુ વખત તરફેણ કરી ચૂક્યા છે ત્યારે વધુ એક વખત પર્યાવરણની જાળવણી માટે ઈ-વાહનોના ઉપયોગનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ઓટો રિક્ષા સહિતનાં વાહનોને ઈલેક્ટ્રીકમાં તબદીલ કરવાની વાત કરી હતી. અમિત શાહની મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે કોર્પોરેશન આ મામલે ગંભીરતાથી વિચારી રહ્યું છે અને આ મામલે ઝડપથી પ્રગતિ થઈ રહી છે. અમે શહેરમાં ફસ્ટ ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરવાનું વિચારી રહ્યાં છીએ. ગુજરાત સરકારનું માનવું છે કે અમદાવાદમાં આ પ્રયોગ સફ્ળ થાય તો આગામી દિવસોમાં રાજ્યનાં અન્ય મોટાં શહેરોમાં પણ ઈ-વાહનો દોડાવવાં.

આ વર્ષના બજેટમાં ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાની વાત થઈ હતી. જેમાં ઈ-વાહન ખરીદનારને ઈન્ક્મટેક્સમાં વધારાની છૂટ આપવાનો પણ ઉલ્લેખ થયેલો. ઉપરાંત ઈ-વાહનની બેટરી ખરીદવા માટે પણ ગ્રાહકોને પ્રોત્સાહન અપાશે. હાલ દેશમાં આ માટે ઈ-વાહનોનું વેચાણ વધારવા અને બેટરીનાં પ્રોડક્શન માટે ફેક્ટરીઓ શરૂ કરવા પ્લાનિંગ ચાલી રહ્યું છે. નીતિઆયોગના અંદાજ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં દેશમાં ઈ-વાહનોના વેચાણમાં સો ટકાનો વધારો થશે. એ માટે સૌ પ્રથમ અમદાવાદ, દિલ્હી, બેંગલુરુ, જયપુર, મુંબઈ, લખનઉ, હૈદરાબાદ, ઈન્દૌર, કોલકાતા, જમ્મુ અને ગુવાહાટીમાં પ્રાથમિક માળખું તૈયાર કરવામાં આવશે. આ શહેરોમાં એક હજાર જેટલાં ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરાશે. આ સિવાય દેશમાં જ આ પ્રકારની બેટરીઓ તૈયાર થાય તેના પર ભાર મૂકવામાં આવશે.

જોકે સરકાર અને ઉદ્યોગો સામે સૌથી મોટો પડકાર ઈ-વાહનોનું ઉત્પાદન અને તેને જાહેરજનતા માટે સુગમ બનાવવાનો છે. આ જ કારણસર સમયાંતરે તેના અમલને લઈને પણ સવાલો ઊઠતા રહે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે ત્યાં ઈ-વાહનો માટે જરૂરી પ્રાથમિક માળખું તૈયાર નથી. જેના કારણે ઈ-વાહનો મોંઘાં પડે છે અને સામાન્ય માણસ તેને ખરીદવા અસમર્થ બની જાય છે. આ તરફ વિશ્વભરમાં ઈ-વાહનો મામલે સ્થિતિ ચિંતાજનક છે. હાલ દુનિયાભરમાં પરંપરાગત વાહનોની સરખામણીએ ઈ-વાહનોની સંખ્યા માંડ એક ટકો છે. એવામાં ૨૦૩૦ સુધીમાં સો ટકા ઈ-વાહનોના વેચાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવો ભારત માટે આસાન નહીં રહે. હાલ મુસાફ્રી માટેનાં વાહનોના પ્રોડક્શનમાં ર્વાિષક ૮ ટકાના દરે થઈ રહેલી વૃદ્ધિનુ બ્રેક લાગી છે એ જોતાં દેશમાં અત્યારથી માત્ર ઈ-વાહનોનું ઉત્પાદન કરવામાં આવે તો પણ વર્ષ ૨૦૩૦ સુધીમાં સો ટકા ઈ-વાહનોનું વેચાણ ન થઈ શકે. આજે ભારતમાં લગભગ ૭૫ ટકા નાની કારો છે જેમને ઈલેક્ટ્રીકમાં ફેરવવી અને તેની કિંમતને વાજબી રાખવી સરકાર માટે સૌથી મોટો પડકાર છે. સામે ઈ-વાહનોમાં બેટરી તરીકે લિથિયમ અયન બેટરીનો સૌથી વધુ ઉપયોગ થાય છે, પણ તે અતિશય મોંઘી છે.

ભલે પ્રદૂષણ ઓછું કરવા માટે ઈ-વાહનોની તરફેણ કરવામાં આવતી હોય, પરંતુ પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહનોની સરખામણીએ તેની જાળવણી, સ્પીડ, કિંમત વગેરેમાં તે ઉણાં ઊતરે છે. ઈ-વ્હીકલની બેટરી ઘણી ભારે હોય છે અને ચાર્જિંગ કર્યા બાદ બહુ ઓછા કિલોમીટર સુધી ચાલી શકે છે. તેને તરત ચાર્જિંગ પણ કરી શકાતી નથી અને આપણે ત્યાં તો ચાર્જિંગ સ્ટેશનો શોધીએ તો પણ મળે તેમ નથી.

જર્મની જેવા વિકસિત અને ઈ-વાહનોના જન્મદાતા દેશમાં પણ માત્ર ૧૪,૩૨૨ ચાર્જિંગ સ્ટેશનો છે. ઈ-વાહનોનાં મોડેલ પ્રમાણે બેટરીને ચાર્જ કરવા માટે ઓછા-વધારે વોલ્ટેજની જરૂર પડે છે. તેનાં સોકેટ અને પ્લગ પણ એકસરખાં ન હોવાથી ચાર્જિંગ સ્ટેશને પહોંચ્યા પછી પણ બેટરી ચાર્જ થશે કે નહીં, તે સવાલ છે. અગાઉ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઓલા સાથે મળીને નાગપુરમાં ૧૦૦થી વધુ ઈ-વાહનો પ્રાયોગિક ધોરણે ચલાવ્યાં હતાં પણ બેટરી, ચાર્જિંગ સહિતની સમસ્યાઓને કારણે આખો પ્રયોગ પડતો મુકાયો હતો.

એક અંદાજ મુજબ એક બેટરી બનાવવામાં લગભગ ૧૫ ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે. વળી ઈ-વાહનના પ્રોડક્શનમાં પેટ્રોલ કે ડીઝલ કારોના ઉત્પાદનની સરખામણીએ અઢી ગણો વધુ કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન્ન થાય છે. આમ, ભલે પ્રત્યક્ષ રીતે ઈલેક્ટ્રીક વાહનોમાંથી ધુમાડો ન નીકળતો હોય, પરંતુ અપ્રત્યક્ષ રૂપે તેના કારણે મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થાય છે. ઈ-વાહનોની બેટરીમાં ઉપયોગમાં લેવામાં આવતા લીથિયમની ઉપલબ્ધતા દુનિયામાં બહુ મર્યાદિત છે. તેનો બે તૃતિયાંશ હિસ્સો લેટિન અમેરિકાના ત્રણ દેશો ચિલી, આર્જેન્ટિના અને બોલિવીયા પાસે છે અને ત્યાં એક ટન લીથિયમ મેળવવા માટે ૨૦ લાખ લિટર પાણી અને જંગી માત્રામાં વીજળી વપરાય છે. આ સિવાય બેટરીના નિર્માણમાં વપરાતા કોબાલ્ટ અને મેંગેનીઝની માત્રા પણ વિશ્વમાં બહુ ઓછી છે. જેના કારણે આ ત્રણેયની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપથી વધી રહી છે. વર્ષ ૨૦૧૫ની સરખામણીએ તેની કિંમતોમાં ચાર ગણો વધારો થઈ ચૂક્યો છે. જે રીતે તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે તે જોતાં અંદાજ લગાવાઈ રહ્યો છે કે આગામી દિવસોમાં તેની કિંમત હજુ પણ વધશે અને તેના કારણે ઈલેક્ટ્રીક વાહનો પણ વધારે મોંઘાં થશે.

આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જોતાં હાલ તો ભારતમાં ઈ-વાહનોનું સપનું સાકાર કરવામાં અનેક અડચણો દેખાઈ રહી છે. સૌથી મોટી સમસ્યા તેના ઉત્પાદન અને સંચાલનનું બેઝિક માળખું તૈયાર કરવાની છે. આ સિવાય કિંમત પણ એક મોટો મુદ્દો છે. જ્યાં સુધી ઈ-વાહનો સસ્તાં નહીં થાય ત્યાં સુધી સામાન્ય માણસ તે ખરીદી શકશે નહીં. ઉત્પાદકો અને સરકારે આ માટે મોટું મૂડીરોકાણ કરવું પડશે. જોકે નીતિ આયોગની ઈ-નીતિમાં આ મામલે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન