Earn Money From YouTube, But Remember This 3 Things For Good Content
  • Home
  • Featured
  • યૂ-ટયૂબથી કમાણી કરવા શું ધ્યાનમાં રાખવું? વીડિયો બનાવતા સમયે યાદ રાખવા જેવી ત્રણ બાબતો જાણો

યૂ-ટયૂબથી કમાણી કરવા શું ધ્યાનમાં રાખવું? વીડિયો બનાવતા સમયે યાદ રાખવા જેવી ત્રણ બાબતો જાણો

 | 2:04 pm IST

Cyber Info : મયૂર ભૂસાવળકર

આપણા વડા પ્રધાન દ્વારા પણ સમગ્ર દેશની પ્રજાને આત્મનિર્ભર બનવા આવ્હાન પણ કરાયું છે. હવે જ્યારે “આત્મનિર્ભર બનો” જો એ પથ પર જ ચાલવું હોય તો દરેક વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ પડે. સમગ્ર વિશ્વમાં જો પ્રચલિત અને વિશ્વસનીય ડિજિટલ સ્કૂલ જો કોઈ હોય, જે જ્ઞાન પણ આપે છે અને જ્ઞાનની સાથે સાથે જ્ઞાન આપનારને કમાણી પણ કરી આપે તો તે યૂ-ટયૂબ જ છે. મે ૨૦૨૦માં જાહેર થયેલી આંકડાકીય માહિતીઓ મુજબ યૂ-ટયૂબના વિશ્વભરમાં ૨ અબજ યૂઝર્સ છે. ઇન્ટરનેટ યૂઝર્સના ૭૯ ટકા લોકો પોતાનું યૂ-ટયૂબ        એકાઉન્ટ ધરાવે છે. દસમાંથી લગભગ આઠ માર્કેટિંગ કરનારાઓ યૂ-ટયૂબને સૌથી અસરકારક વીડિયો માર્કેટિંગ પ્લેટફેર્મ માને છે. દુનિયાભરના તમામ યૂ-ટયૂબ યૂઝર્સમાંથી  ૯૪ ટકા યૂઝર્સ અને તે પણ ૧૮-૪૪ વર્ષની વય જૂથ ધરાવતા, મહિનામાં ઓછામાં ઓછા દસ વાર યૂ-ટયૂબનો ઉપયોગ કરે  છે. સાથે જ રોજિંદા યૂ-ટયૂબ પર સબસ્ક્રાઇબર્સ દ્વારા એક અબજ કલાકના વીડિયો જોવાય છે. યૂ-ટયૂબ ચેનલ સબસ્ક્રાઇબર્સ દ્વારા મોબાઈલ ઉપકરણોથી રોજના ૭૦૦ કરોડ જેટલા અધધ… સમયના વીડિયો જોવાય છે. દુનિયાના ૬૨ ટકા વ્યવસાયિકો સામગ્રી પોસ્ટ કરવા માટે એક ચેનલ તરીકે યૂ-ટયૂબનો ઉપયોગ કરે છે. દુનિયાના ૯૦ ટકા લોકો કહે છે કે, તેઓ યૂ-ટયૂબનો ઉપયોગ નવી બ્રાન્ડ અથવા ઉત્પાદનોને શોધવા માટે કરે છે. યૂ-ટયૂબ પર વિશ્વભરમાં યૂ-ટયૂબર દ્વારા દર મિનિટે ૫૦૦ કલાકના વીડિયો અપલોડ થાય છે. ભારતના ડિજિટલ વીડિયો દર્શકોમાંથી ૮૫ ટકા લોકો યૂ-ટયૂબનો ઉપયોગ કરે છે. જો વ્યવસાયિક વીડિયો સામગ્રી પર કામ કરતા દુનિયાના ૧૦ પ્લેટફોર્મના ૨૦૧૯ ના સરવે અનુસાર સમગ્ર વિશ્વમાં વીડિયો સામગ્રી શેર કરતા વ્યવસાયિકો માટે ફેસબુક પછી બીજી સ્થાને યુ ટયુબ છે. જેમાં ૮૧.૨ ટકા ફેસબુકની જ્યારે ૬૨.૯ ટકા યૂ-ટયૂબની પસંદગી કરે છે.

૫૭.૮ ટકા યૂઝર્સ ઇન્સ્ટાગ્રામને પસંદ કરે છે.

કઇ રીતે બનાવવી યૂ-ટયૂબ ચેનલ ?

છેલ્લા ઘણા સમયથી માનવંતા વાંચકો દ્વારા યૂ-ટયૂબ માટે પ્રશ્નો પૂછવામાં આવ્યા કે એક સારા યૂ-ટયૂબર કેવી રીતે બની શકાય ? યૂ-ટયૂબ ચેનલ કેવી રીતે બનાવી શકાય ? યૂ-ટયૂબ દ્વારા આવક કેવી રીતે ઉભી કરી શકાય ? આ બધાજ પ્રશ્નોનો જવાબ આજના લેખ થકી આપવાનો પ્રયાસ કર્યો છે. એક સારા યૂ-ટયૂબર બનવા માટે, સૌથી પહેલા પગથિયાં તરીકે તમારી પાસે તમારું જીમેઈલ એકાઉન્ટ હોવું ખૂબ જ જરૂરી છે. જીમેઈલ એકાઉન્ટને આધારે જ તમે તમારી યૂ-ટયૂબ ચેનલ બનાવી શકો છો. એકવાર જીમેલ એકાઉન્ટ બની જાય, ત્યારબાદ તમે ખાસ કરીને ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી અથવા જો મોબાઈલ  હોય તો મોબાઈલ ફેનમાં યૂ-ટયૂબ એપ્લિકેશનનો ઉપયોગ કરીને યૂ-ટયૂબને સ્ટાર્ટ કરી શકો છો. એક વાર યૂ-ટયૂબ સ્ટાર્ટ થઈ ગયા પછી તમારે તમારી ચેનલ બનાવવા માટે યૂ-ટયૂબમાં આવેલા “માય ચેનલ” ઓપ્શન પર ક્લિક કર્યા બાદની માહિતીઓને અનુસરવું પડશે. જેનાથી તમારી યૂ-ટયૂબ ચેનલની શરૂઆત થઈ જશે. એકવાર ચેનલ બની જાય ત્યારબાદ તમે એ ચેનલ ઉપર વીડિયો બનાવીને અપલોડ કરી શકો છો.

યૂ-ટયૂબથી કમાણી કરવા શું ધ્યાનમાં રાખવું ?

યૂ-ટયૂબ પર વીડિયો કેવી રીતે અપલોડ કરવો અને સારો વીડિયો કેવી રીતે બનાવવો તે તો આપણે જાણી લીધું, પરંતુ વીડિયોને આધારે રૂપિયા કેવી રીતે કમાવી શકાય એ પણ એટલો જ અગત્યનો મુદ્દો છે. જો વીડિયોને આધારે રૂપિયા કમાવવા હોય તો સૌથી પહેલું પગથિયું એ છે કે, તમારે તમારી ચેનલને મોનિટાઇઝેશન કરાવી પડશે અને મોનિટાઇઝેશન કરાવવા માટે બે શરતોનું પાલન થવું ખૂબ જ જરૂરી છે. જેમાં પ્રથમ શરત એ છે કે તમારા યૂ-ટયૂબ ચેનલ ઉપર એક હજાર સબસ્ક્રાઈબર હોવા ખૂબ જ જરૂરી છે અને સાથે એક વર્ષમાં ૪ હજાર કલાકનો પબ્લિક વોચ ટાઈમ હોવો જરૂરી છે. એકવાર મોનિટાઇઝેશન પ્રોસેસ અનેબલ થઈ ગયા પછી તમે તમારા દરેક અપલોડ થતા વીડિયોની સાથે આપ મેળે એડ જોડી શકો છો અને તમે તમારા વીડિયોની કન્ટેન્ટને આધારે અને ક્વોલિટીને આધારે કમાણી કરી શકો છો.

વીડિયો બનાવતા સમયે યાદ રાખવા જેવી ત્રણ બાબત

  • વીડિયોની કન્ટેન્ટ એકદમ ઊંડાણપૂર્વકની હોવી જોઈએ જેનાથી જોનારને પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ શકે
  • વીડિયોની સાઇઝ બને તેટલી નાની રાખવી
  • વીડિયો કન્ટેન્ટ પ્રમાણે ગ્રાફ્કિસ અને વચ્ચે વચ્ચે જરૂર પડે તો પિક્ચર મૂકવા અત્યંત જરૂરી છે. જો શક્ય હોય તો વચ્ચે એનિમેશન પણ ઉમેરી શકાય.

વીડિયો બનાવવા માટે શું જરૂરી છે ?

વીડિયો બનાવવા માટે પણ યૂઝર્સને ઓછામાં ઓછી જરૂરિયાતોની વાત કરીએ તો, એક સારો કેમેરાવાળો મોબાઇલ ફેન, માઈક અને એની સાથે સારી સ્પીડ સાથેનું ઇન્ટરનેટ કનેક્શન હોવું ખૂબ જરૂરી છે. તે ઉપરાંત વીડિયો એડિટ કરવા માટે ફોન અથવા તમારા લેપટોપ કે કમ્પ્યૂટરમાં યોગ્ય વીડિયો એડિટર સોફટવેર પણ હોવું જોઇએ. કેટલીક વાર જ્યારે વીડિયોની સાઇઝ ખૂબ જ મોટી થઈ જાય તો એ વીડિયોની સાઇઝને કોમ્પ્રેસ્સ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.

વીડિયોના વ્યૂઝ વધારવા માટે શું ધ્યાન રાખવું ?

વીડિયો બનાવ્યા પછી તમે તેને અપલોડ કરતા હો ત્યારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જે તમારા વીડિયોને યોગ્ય સબ્સ્ક્રાઇબર્સ તેમજ યોગ્ય કોમ્યુનિટી સુધી પહોંચાડવા માટે ખૂબ જ મદદરૂપ બનશે. જેમાં ખાસ કરીને તમારે બે બાબત સ્પષ્ટ કરવાની હોય છે, કે શું તમારો વીડિયો બાળકો માટે છે, કે મોટી ઉંમર ધરાવતા વ્યક્તિઓ માટે છે ? ત્યારબાદ તમે વીડિયો કઈ તારીખે અપલોડ કર્યો, તેની ભાષા કઇ છે, સાથે જ વીડિયો કયા લોકેશન પરથી અપલોડ કરવામાં આવ્યો અને વીડિયોના કન્ટેન્ટ કયાં છે અને તે કયાં વિષય પર આધારિત છે, તે સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. વીડિયો અપલોડ કરતી વેળાએ વીડિયોને ટાઈટલ આપવું ખૂબ જ જરૂરી અને ફરજિયાત છે. ટાઇટલ તમે સો અક્ષર સુધીનું રાખી શકો છો. ટાઇટલ સંદર્ભે એવા નિયમો છે કે ટાઇટલ યોગ્ય વિષય અનુસાર અને તર્કસંગત હોવું જરૂરી છે. ટાઇટલ જેટલું યોગ્ય અને આકર્ષક હશે, તેટલો જ તમારો વીડિયો વ્યૂ ઇમ્પ્રેશન વધારી શકે છે. ટાઇટલ લખ્યા પછી ડિસ્ક્રિપ્શન લખવું પણ એટલું જ અગત્યનું છે. ડિસ્ક્રિપ્શનમાં વીડિયોને લગતી માહિતીઓને વ્યાખ્યાયિત કરવામાં આવે  છે. જેમાં વીડિયોમાં કઈ કઈ બાબતો આવરી લેવામાં આવી છે, વીડિયોમાં કયા વિષય સંદર્ભે વાત કરવામાં આવી છે તેના સંદર્ભે વિસ્તૃત માહિતી પણ લખવામાં આવે છે. સર્ચ એન્જિન દ્વારા તમારા વીડિયોને બહુ જ સરળતાથી શોધી શકાય તે માટેના કિવર્ડ પણ દાખલ કરવામાં આવે છે. જેટલા પણ અગત્યના શબ્દો તમારા વિષયને લગતા આવતા હોય અથવા વીડિયોમાં આવતા હોય અને સાથે જે શબ્દો સૌથી વધારે ટ્રેડિંગ કરતા હોય એવા બધા શબ્દો ડિસ્ક્રિપ્શનમાં  લખવા ખૂબ જ આવશ્યક છે.

વીડિયોના થમ્બનેઇલ મૂકવાના બે પ્રકાર

તમે તમારા વીડિયોને આકર્ષક બનાવે તેવા ફોટો ઉમેવા માગતા હોય જે તમારા વીડિયોના પોસ્ટર તરીકે દેખાય તો થમ્બનેઇલ ઉમેરવામાં આવે છે. જેને બે પ્રકારે ઉમેરી શકાય છે. એક તો યૂ-ટયૂબ જાતે તમારા વીડિયોના કન્ટેન્ટના આધારે નિર્ધારિત કરે છે અને ફોટો મૂકે છે. જ્યારે તમે કોઈ પોસ્ટર કે ફ્લાયર ડિઝાઇન કર્યુ હોય કે કરાવ્યું હોય તો તેને પણ તમે જાતે એડ કરી શકો છો. પરિણામે વીડિયોની લિંક સાથે ફોટો પ્રદર્શિત થશે. જેનાથી તમારા વીડિયોને જોનારા યૂઝર્સ વઘુ સરળતા રહેશે. જો તમે એક કરતાં વધારે વિષયો આધારિત વીડિયો યૂ-ટયૂબ પર મુકવા માંગો છો તો યૂ-ટયૂબ પર તમે એ વીડિયો માટે પ્લેલિસ્ટ પણ બનાવી શકો છો. વીડિયોને પ્લેલિસ્ટમાં મૂકવાથી ફાયદો એ થશે કે એને સરળતાથી તમે શોધી શકશો. તેટલું જ નહીં તમે એક કરતાં વધારે વીડિયોની લિંક એક સાથે તમારે કોઈ ચોક્કસ કમ્યુનિટી સુધી પહોંચાડવી હોય તો પણ તમે સરળતાથી પહોંચાડી શકો છો. અંતમાં જ્યારે તમે કોમેન્ટ અને રેટિંગ  સેક્શનમાં આવો છો, ત્યારે તમને સબસ્ક્રાઈબર દ્વારા તમારા વીડિયો પર જે કોમેન્ટ કરવામાં આવે છે, તે સંદર્ભે તમને ચાર ઓપ્શન આપવામાં આવશે અને કોમેન્ટ પ્રદર્શિત કરાવી છે કે નહીં જે તમે નિર્ધારિત કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન