પૃથ્વીનો જન્મ કેટલાં વર્ષ પહેલાં થયો હતો? - Sandesh
  • Home
  • Kids Corner
  • પૃથ્વીનો જન્મ કેટલાં વર્ષ પહેલાં થયો હતો?

પૃથ્વીનો જન્મ કેટલાં વર્ષ પહેલાં થયો હતો?

 | 12:09 am IST

જ્ઞાન-વિજ્ઞાન : માખન ધોળકિયા

આપણે આજે વિજ્ઞાનની અપાર સિદ્ધિઓ મેળવી લીધી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એટલાં આગળ વધી ગયાં છે કે પૃથ્વી, અવકાશ, સૂર્યમાળા અને બ્રહ્માંડના સંખ્યાબંધ રહસ્યો આપણે જાણી લીધાં છે. પરંતુ આ બધું જ્ઞાન અંદાજે કરોડો વર્ષના ગાળામાં આપણે ધારણા બાંધીને મેળવ્યું છે. પાકાપાયે તો આપણે પૃથ્વી પર કેટલાક વાનરો ઉત્ક્રાંતિ પામીને માનવ બન્યા એ પછીના સમય વિશે જ માહિતી મેળવી શક્યા છીએ. એ ઈતિહાસ થોડાક હજાર વર્ષનો છે. જ્યારે પૃથ્વીનો જન્મ તો કરોડો વર્ષ પહેલાં થઈ ગયો હતો.

અગાઉ પૃથ્વીના જન્મ સમય વિશે અને જન્મ પછીના વિકાસ વિશે વિજ્ઞાનીઓ જાતજાતની ગણતરીઓ કરીને અંદાજે હિસાબ માંડતા હતા, પરંતુ કમ્પ્યૂટર ટેકનોલોજી વિકાસ પામી એ પછી આ કામ કમ્પ્યૂટર વડે મોડેલ બનાવીને વધારે ચોકસાઈથી કરી શકાય છે.

એના આધારે વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વીના જન્મને ૪૬૦ કરોડ વર્ષ થઈ ગયા છે. એમાં શરૂઆતના ૩૬૦ કરોડનો સમય બે ભાગમાં વહેંચાય છે. હેડિયન અને આર્ચિયન. આટલા વર્ષ સુધી પૃથ્વી ઉપર કોઈ જ જાતનો જીવ જન્મ્યો નહોતો. વનસ્પતિ પણ નહીં, બેક્ટેરિયા પણ નહીં અને વાયરસ પણ નહીં! પૃથ્વી સતત ઉકળતા, ફાટતા, સળગતા અને ઠરતા જતા ગોળા જેવી હતી. આ ભાગમાં ચોક્કસ શું શું થયું હતું એની પાકી ખબર નથી. કારણ કે એ અરસામાં હજી કોઈ જીવ જન્મ્યો જ નહોતો. કમ્પ્યૂટર આધારિત મોડેલ જોતાં નક્કી થાય છે કે એ સમયગાળામાં પૃથ્વી હાઈડ્રોજન સહિતના અનેક ખનિજોના પ્રવાહી અગ્નિ વડે વલોવાતો ગોળો હતો. એમાં ધીમેધીમે બહારનું પડ ઠરતું ગયું. ઠરેલા પડમાં વારંવાર વિસ્ફોટ થતા રહ્યા. એમાંથી પ્રવાહી અગ્નિ (લાવા) બહાર ફેંકાતો રહ્યો. વળી એ ઠરતો રહ્યો અને ફરી વિસ્ફોટ થતા રહ્યા. આશરે ૩૦૦ કરોડની આ પ્રક્રિયા પછી પૃથ્વીની આસપાસ વાતાવરણનો પિંડ બંધાવા લાગ્યો. પાણી પ્રવાહી સ્વરૂપમાં દેખાવા લાગ્યું હતું.

૧૦૦ કરોડ વર્ષ પહેલાં સુધીના સમયમાં પૃથ્વીનો મોટો ભાગ ઠરી ગયો. નક્કર બની ગયો. પર્વતો, જ્વાળામુખીઓ અને મેદાનો બની ગયા હતા. મહાસાગરો બની ગયા હતા. ૫૨.૨૦ કરોડ વર્ષ પહેલાંના સમયમાં મહાસાગરો બનવાની શરૂઆત થઈ હતી. ત્યારે પૃથ્વીનો એક જ બાજુનો ભાગ ઠર્યો હતો અને એક વિરાટ ખંડ રચાયો હતો. બાકીના ભાગમાં મહાસાગર રચાઈ રહ્યો હતો. આ પછીના ૫૨.૨૦ કરોડ વર્ષમાં પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ બનવાની અને વિકસવાની ઘટના બની છે. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.

(દસ દિશાઓઃ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, વાયવ્ય, નૈઋત્ય, ઉપર અને નીચે)

[email protected]