પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ટેબલ ઉપર જોઈ શકાય? - Sandesh
  • Home
  • Kids Corner
  • પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ટેબલ ઉપર જોઈ શકાય?

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ટેબલ ઉપર જોઈ શકાય?

 | 12:06 am IST

ચાલો, જાતે કરી જોઈએ… :- માલિની મૌર્ય

ચુંબકીય ફિલ્ડ એટલે કે ચુંબકીય મોજાંઓ એકબીજા સાથે જોડાઈને વર્તુળાકાર કમાનો બનાવે એનું ચાદર જેવું કવર. પૃથ્વી પોતાની આસપાસ આવું કવર બનાવે છે, પરંતુ એ આપણને નરી આંખે જોવા મળતું નથી. એને આપણા ઘરમાં ટેબલ ઉપર નાના સ્વરૂપે જોઈ શકાય? હા. ચાલો કરી જોઈએ.

શું શું જોઈશે?

હોર્સ શૂ મેગ્નેટ(યુ આકારનું લોહચુંબક), એના બંને છેડા જોડી શકે એવી લોખંડની પટ્ટી, એ૩ સાઈઝનો સફેદ કાગળ, ફાઈબર પ્લાસ્ટિકની કાગળ જેટલી જ શીટ, સાવ નાની ખીલીઓ અથવા ટાંકણીઓ. (જો લોખંડને કાનસથી ઘસીને જે ભૂકો પડે એ મળે તો શ્રેષ્ઠ)

શું કરવાનું?

ટેબલ ઉપર સફેદ કાગળ પાથરો, પછી એની ઉપર હોર્સ શૂ લોહચુંબક મૂકી દો. લોહચુંબકની ઉપર ફાઈબર પ્લાસ્ટિકની શીટ મૂકી દો. હવે સાવ નાની ખીલીઓ અથવા ટાંકણીઓ છાંટો. (જો લોખંડને કાનસથી ઘસીને પડેલો ભૂકો હોય તો એ ભભરાવો)

એ પછી પ્લાસ્ટિકની શીટને હોર્સ શૂ ચુંબકના છેડાઓની દિશામાં ધીમેધીમે સરકાવો.

પ્લાસ્ટિકની શીટને ધીમેધીમે પાછી ધકેલો.

વળી પાછી પ્લાસ્ટિક શીટને ધીમેધીમે છેડાઓની દિશામાં સરકાવો.

આ ક્રિયા દરમિયાન શું બને છે એ જુઓ.

પરિણામે શું જોવા મળશે?

તમે જ્યારે ટાંકણીઓ, ખીલીઓ કે લોખંડનો ભૂકો ભભરાવશો તો એ લોહચુંબક પર પડતાં જ ખાસ આકારની રેખાઓ બનાવશે.

તમે પ્લાસ્ટિકની શીટ જેમ જેમ છેડાઓની દિશામાં ખેંચશો એમ એમ ટાંકણીઓ(ખીલીઓ કે લોખંડનો ભૂકો) હોર્સ શૂ આકારના લોહચુંબકના બંને છેડાઓને જોડતી કમાન આકારની રેખાઓ બનાવશે.

તમે પ્લાસ્ટિકની શીટ પાછી ધકેલશો તો ટાંકણીઓ(ખીલીઓ કે ભૂકો) કમાન આકારની રેખાઓમાંથી લોહચુંબકના બંને કમાન વચ્ચે ધીમેધીમે સીધી લીટીમાં ગોઠવાતા જશે.

પ્લાસ્ટિકની શીટને ફરી ધીમેધીમે છેડાઓ તરફ ધકેલશો તો ફરી બંને છેડાઓને જોડતી કમાન આકારની રેખાઓ બનવા લાગશે.

આવું શા માટે થાય છે?

લોહચુંબકના બંને છેડાઓ વચ્ચે ચુંબક બળ કમાન આકારે આવ-જા કરે છે. એ આવ-જા કમાન આકારની રેખાઓ વડે આપણને જોવા મળે છે. લોહચુંબકના છેડાને બદલે વચ્ચેના ભાગમાં આવતાં રેખાઓ સીધી બનતી જાય છે, કારણ કે ત્યાં ચુંબક તત્ત્વ એકબીજા તરફ સીધું જ ખેંચાણ કરે છે.

હોર્સ શૂ આકારના લોહચુંબકના બંને છેડાઓ પર જે કમાન આકારની રેખાઓ બની એવી જ રેખાઓના આકારમાં પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ચુંબક શક્તિ કમાન આકારની રેખાઓ બનાવે છે. એને ચુંબકીય ફિલ્ડ કહે છે. ધરતી ઉપરથી રેડિયો મોજાં આકાશમાં જાય તો આકાશમાં આગળ વધતાં વધતાં આ ચુંબકીય ફિલ્ડની ચાદર સાથે અથડાઈ જાય છે અને બે સરખા ચુંબકો એકબીજાને ધક્કો મારે એ ન્યાયે ચુંબકીય તત્ત્વ ધરાવતા રેડિયોમોજાં ચુંબકીય ક્ષેત્રની ચાદર સાથે અથડાઈને પાછા ફરે છે. ફરી પાછા ધરતી ઉપર આવી જાય છે.

તમે હોર્સ શૂ લોહચુંબકને હાથમાં લઈ કાગળ ઉપર પડેલી ટાંકણીઓ(ખીલીઓ કે લોખંડના ભૂકા) પર દૂર ધરી રાખશો તો ટાંકણીઓ(ખીલીઓ કે ભૂકો) આકર્ષાઈને કાગળ ઉપરથી જાણે કૂદકો લગાવતી હોય એ રીતે લોહચુંબક સાથે જોડાઈ જશે.

અહીં સવાલ થાય કે શું ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં શક્તિશાળી છે? જવાબ છે, હા. પાયાના ચાર પરિબળ, છે; ચુંબકીય બળ, માઈલ્ડ અણુશક્તિ, તીવ્ર અણુશક્તિ અને ગુરુત્વાકર્ષણ. એમાં ગુરુત્વાકર્ષણ સૌથી નબળું છે, પરંતુ એને સૌથી શક્તિશાળી એટલે ગણવામાં આવે છે કે બાકીના ત્રણેય બળ નાના પદાર્થો ઉપર વધારે અસર કરે છે. જ્યારે ગુરુત્વાકર્ષણ આખા બ્રહ્માંડ પર અસર કરે છે.

[email protected]