પૃથ્વી, મુજીબ અને સાંગા ભવિષ્યના સ્ટાર ખેલાડી તરીકે ઊભરી શકે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • પૃથ્વી, મુજીબ અને સાંગા ભવિષ્યના સ્ટાર ખેલાડી તરીકે ઊભરી શકે

પૃથ્વી, મુજીબ અને સાંગા ભવિષ્યના સ્ટાર ખેલાડી તરીકે ઊભરી શકે

 | 4:18 am IST

દુબઈ :

અંડર-૧૯ના ક્રિકેટ વર્લ્ડ કપે હંમેશાં યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌવત દેખાડવાની તક આપી છે. આ વર્લ્ડ કપે ક્રિકેટ જગતને વિરાટ કોહલી, કેન વિલિયમસન, ઇન્ઝમામ ઉલ હક, બ્રાયન લારા જેવા ખેલાડીઓની ભેટ આપી છે. આ વખતે અફઘાનિસ્તાનની ટીમને એક મજબૂત ટીમ માનવામાં આવી રહી છે. ટીમની કમાન નવીન ઉલ હકના હાથમાં છે તે અને ઓફ સ્પિનર મુજીબ ઝાદરાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી ચૂક્યા છે. ઝાદરાને અંડર-૧૯ એશિયા કપમાં શાનાદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં નેપાળ સામે છ અને ફાઇનલમાં પાકિસ્તાન સામે પાંચ વિકેટ ઝડપી હતી અને તેના આવા ભવ્ય પ્રદર્શન બાદ તેને આયરલેન્ડ સામે વન-ડે શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ઝાદરાને આ વન-ડે શ્રેણીમાં નિરાશ ન કરતા પોતાની પ્રથમ વન-ડેમાં ચાર વિકેટ ઝડપી હતી.

અંડર-૧૯ વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકેલી ભારતીય ટીમની કમાન રણજી ટ્રોફીની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરનારા પૃથ્વી શોના હાથમાં સોંપવામાં આવી છે. ૧૮ વર્ષીય પૃથ્વી શો વર્ષ ૨૦૧૩માં લાઇટમાં આવ્યો હતો જ્યારે તેણે સ્કૂલની મેચમાં ૫૪૬ રનની ઇનિંગ્સ રમી હતી. આ વર્ષે રમાયેલી રણજી ટ્રોફીમાં પૃથ્વીએ પાંચ સદી અને ત્રણ અર્ધ સદી ફટકારી હતી. ભારતની સાથે સાથે ત્રણ વખત ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયન ટીમમાં કેપ્ટન જેસન સંઘા ઉપરાંત ઓસ્ટિન વો (સ્ટીવ વોનો પુત્ર) અને વિલ સધરલેન્ડ (ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ જેમ્સ સધરલેન્ડનો પુત્ર)નો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં જેસન સંઘાએ શાનદાર સદી ફટકારી હતી અને તે સચિન બાદ ઇંગ્લેન્ડ સામે સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બન્યો હતો.

બાંગ્લાદેશની ટીમ તરફથી પિનાક ઘોષ બીજી વખત આ વર્લ્ડ કપમાં ભાગ લઇ રહ્યો છે. ગત વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમ સેમિફાઇનલમાં પહોંચી હતી અને પિનાક તે ટીમનો હિસ્સો પણ હતો. ૨૦૧૭માં યોજાયેલા એશિયા કપમાં તે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને રહ્યો હતો. એશિયા કપની સેમિફાઇનલમાં બાંગ્લાદેશનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો. આયરલેન્ડ તરફથી જોશુઆ લિટલ પણ બીજી વખત આ વર્લ્ડ કપમાં ભાગ લઇ રહ્યો છે. લિટલ ટી-૨૦ ક્રિકેટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી ચૂક્યો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન સામેની ટી-૨૦ મેચમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો પરંતુ પોતાના સ્ટડીને ધ્યાનમાં રાખીને તેણે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

યજમાન ન્યૂઝીલેન્ડ તરફથી ઓલરાઉન્ડર રચિન રવીન્દ્ર પોતાની છાપ છોડવા માટે તત્પર છે. સચિન તેંડુલકર અને ડેનિયલ વેટ્ટોરીને આદર્શ માનનારો રવીન્દ્ર ઓપનિંગ બેટ્સમેન અને સ્પિનર છે. ભારતીય મૂળના રવીન્દ્રનો જન્મ અને ઉછેર ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન શહેરમાં થયો છે. તેના પિતા એક આઇટી પ્રોફેશનલ છે અને સાથે સાથે ક્રિકેટના સામાનની દુકાન પણ ધરાવે છે. પૂર્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ ઓલરાઉન્ડર વિલ જેકના સમાવેશથી વધુ મજબૂત બની છે. જેકે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન એક મેચમાં તેણે ત્રણ વિકેટ ઝડપવા ઉપરાંત અણનમ ૭૧ રનની ઇનિંગ્સ પણ રમી હતી.