ભૂકંપ : વિજ્ઞાન પણ ઘણીવાર ગૂંચવી નાખે છે! - Sandesh

ભૂકંપ : વિજ્ઞાન પણ ઘણીવાર ગૂંચવી નાખે છે!

 | 2:46 am IST

સિમ્પલ સાયન્સઃ જ્વલંત નાયક

ભૂકંપને અસર કરતાં પરિબળો પર સતત નજર ખોડીને બેસી રહેતા વિજ્ઞાનીઓ ઝીણામાં ઝીણી બાબતોનો અભ્યાસ કરે છે અને એ બધાની કલેકટીવ ઇફેક્ટને ધ્યાનમાં રાખીને ભૂકંપ વિશે અનુમાન બાંધે છે. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ક્યારેય કોઈ મોટા ભૂકંપ વિશે આગોતરી જાણકારી મેળવી શકાઈ નથી. ઉલટાનું અમુક વાર પરસ્પર વિરોધી તારણોને કારણે એવો ગૂંચવાડો ઊભો થઇ જાય કે વાત ન પૂછો! દાખલા તરીકે ભૂકંપ અને સમુદ્રના મોજા ઉપર થતી ચંદ્રની અસરોનું જ ઉદાહરણ લો.

રેબેકા બેન્ડીક (યુનિવર્સિટી ઓફ્ મોન્ટાના) અને રોજર બિલ્હામ (યુનિવર્સિટી ઓફ્ કોલોરાડો) જીઓફિઝિક્સના ક્ષેત્રે જાણીતા સંશોધકો છે. આ બંનેએ સાથે મળીને ‘જીઓફિઝિક્લ રિસર્ચ લેટર્સ’ નામક જર્નલમાં પોતાનો અભ્યાસ રજૂ કર્યો, જે વાંચીને બીજા અનેક જીઓફિઝિસીસ્ટ અસંમતિનો સૂર છેડવા લાગ્યા છે! ચંદ્રની અસર સમુદ્રના મોજાઓ ઉપર થાય છે એ બહુ જાણીતી વાત છે. પૃથ્વી પોતાની ધરી ઉપર એક ચોક્કસ સ્પીડમાં ફ્રે છે, જેથી ૨૪ કલાકના ગાળામાં આપણને વારાફ્રથી સૂર્ય અને ચંદ્રના દર્શન થાય છે. હવે ચંદ્રની અસરને કારણે સમુદ્રના મોજાઓ પોતાની ધરી ઉપર ફ્રતી પૃથ્વીની ગતિને ઓછી કરી રહ્યા છે… પૃથ્વી દિન-બ-દિન ‘ધીમી’ પડી રહી છે. એના કારણે ૨૪ કલાકનો આપણો દિવસ પણ ‘લાંબો’ થઇ રહ્યો છે. પરિણામે આજનો એક દિવસ, ૧૦૦ વર્ષ પહેલાના એક દિવસ કરતા ૧.૭૮ મિલી સેકન્ડ જેટલો ‘લાંબો’ થયો છે. અને રેબેકા અને બિલ્હામના સંશોધન મુજબ પૃથ્વીની રોટેશન સ્પીડમાં નોંધાતો આ અતિશય સૂક્ષ્મ તફવત પણ ભૂકંપનું કારણ બની શકે છે. લંડનના ‘ધી ઓબ્ઝર્વર’એ મુલાકાત આપતી વખતે બિલ્હામે તો ત્યાં સુધી કહી દીધું કે પૃથ્વીની રોટેશન સ્પીડમાં થતા ઘટાડાને કારણે ૨૦૧૮ના વર્ષમાં ભૂકંપની ઘટનાઓમાં ઉછાળો આવશે. બીજી તરફ્ રેબેકા અને બિલ્હામની બરાબરીના ગણાય એવા જીઓલોજિસ્ટ પીટર મોનરે વિખ્યાત પત્રિકા ‘સાયન્સ’ને કહ્યું છે કે બિલ્હામનું સંશોધનકાર્ય ભલે ધ્યાન ખેંચે એવું હોય, પણ એના કારણે કોઈ તારણ – એટલિસ્ટ હાલના સંજોગોમાં-કાઢી શકાય એમ નથી. એના માટે હજી ઘણા લાંબા રિસર્ચવર્કની જરૂર છે. પીટરની વાતમાં પણ વજૂદ છે જ, કેમકે બિલ્હામ અને રેબેકા ભૂકંપ અને પૃથ્વીના પરિભ્રમણ વચ્ચે ચોક્કસપણે શું સંબંધ છે એ પ્રસ્થાપિત કરી શક્યા નથી, એમણે માત્ર અવલોકનો લીધા છે અને થિયરી રજૂ કરી છે!

ભૂકંપની વાત આવે એટલે આમ તો સૌથી પહેલા ટેક્ટોનિક પ્લેટ્સની જ વાત આવે. પણ દુવિધા તો અહીંયે છે જ! પૃથ્વીના કેન્દ્રમાં અતિશય ગરમ, ઉકળતો લાવારસ રહેલો છે. અને સૌથી બહારનું આવરણ ‘લિથોસ્ફ્યિર’ તરીકે ઓળખાય છે. આ લિથોસ્ફ્યિર પાછું સુવાંગ સંપૂર્ણ નથી, બલકે નાના-મોટા અનેક ટુકડાઓમાં વહેંચાયેલું છે. ભૂકંપ આવવા માટે જવાબદાર પરિબળ છે લિથોસ્ફ્યિરના વિશાળ કદના પોપડા, જે ટેક્ટોનિક પ્લેટ્સ તરીકે ઓળખાય છે. ટેક્ટોનિક પ્લેટ્સમાં થતાં ફેરફરો કે સૂક્ષ્મ સ્થાનાન્તરો, અતિશય વિશાળ કદ ધરાવતા દરિયાઈ પોપડાઓની રચના અને વિનાશનાં કારણે થાય છે. આ પોપડાઓના હલન-ચલનને કારણે પેટાળમાં રહેલો અતિશય ગરમ લાવારસ પણ ઉપરના આવરણો સુધી પહોંચીને થીજી જાય છે, જે વળી નવા પોપડાઓનું નિર્માણ કરે છે.

છેલ્લા થોડા વર્ષોના સંશોધનો દરમિયાન પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટ્સનાં હલન-ચલનના દરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અને આ વધારો, છેલ્લા બસોએક કરોડ વર્ષો દરમિયાન જોવા મળેલા ફેરફરો કરતા ખાસ્સો વધારે છે. એનો સીધો અર્થ એવો થાય કે નજીકના વર્ષોમાં મોટા ભૂકંપો આવવાની શક્યતા વધારે! (પેલા બિલ્હામે ૨૦૧૮માં આશરે વીસેક ભૂકંપો આવશે એવી આગાહી કરી છે!)’ન્યુ મેક્સિકો ઇન્સ્ટિટયૂટ ઓફ્ માઈનિંગ એન્ડ ટેકનોલોજી’નાં સંશોધક કેન્ટ કોન્ડીએ તારવ્યું કે ટેક્ટોનિક એક્શન્સમાં ઘટાડો નહિ બલકે નોંધપાત્ર વધારો થયો છે! એણે પોતાના સંશોધનો દરમિયાન નોંધ્યું કે ટેક્ટોનિક પ્લેટ્સનાં આપસમાં થતાં ટકરાવને કારણે કેટલાક સ્થળોએ પૃથ્વીનો પોપડો ઊંચકાયો હોય એવા બનાવો બન્યા છે. (થોડા વર્ષો પહેલા જ પાકિસ્તાન નજીક સમુદ્રમાં નવો પર્વત બનવાની ઘટના ઘણાને યાદ હશે!) અન્ય એક પરીક્ષણ દરમિયાન કેન્ટ કોન્ડીની ટીમે જ્વાળામુખીના બનેલા ખડકોનો મેગ્નેટિક ડેટા મેળવ્યો., જેના પરથી જે-તે ખડક, પૃથ્વીના ગોળાના ક્યા અક્ષાંશ ઉપર અસ્તિત્વમાં આવ્યો અને એ સમયે, તે સ્થળનો ભૂખંડ-પ્લેટ કેટલી ઝડપે ગતિશીલ હતા એ અંગેની માહિતી મેળવવામાં આવી. કેન્ટની ટીમે પોતાના બંને તારણોનું પૃથક્કરણ કરીને તારવ્યું કે છેલ્લા બસોએક કરોડ વર્ષો દરમિયાન થયેલી ટેક્ટોનિક એક્શન કરતા હાલમાં સમયમાં થતી એક્શનનો દર નોંધપાત્ર રીતે વધારે છે!

અને હવે જુઓ વિરુદ્ધ શક્યતા! ટેક્ટોનિક પ્લેટ્સના હલનચલન માટે જવાબદાર મુખ્ય પરિબળ છે પૃથ્વીના પેટાળની ગરમી. પણ પૃથ્વીની ઉંમર જેમ વધતી જાય છે, એમ પેટાળની આ ગરમી ઘટતી જાય છે. આની દૂરગામી અસર તરીકે પ્લેટ્સની હલનચલનમાં લાંબા ગાળે ઘટાડો થવાની શક્યતા પાકી! અને પરિણામે ભૂકંપ આવવાની શક્યતા પણ દિવસે દિવસે ઘટતી જવાની! સિડની(ઓસ્ટ્રેલિયા)ની ‘ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટી’નાં સંશોધક માર્ટીન વેન અને તેમના સહયોગીઓએ, ઇ.સ. ૨૦૧૩માં દુનિયાના જુદા જુદા પ્રદેશોમાંથી મેળવાયેલા ૩,૨૦૦ જેટલાં ખડકોનું પરીક્ષણ કર્યું. આ સંશોધનો દરમિયાન તેમણે ખડકોમાં, ટેક્ટોનિક એક્શનને કારણે એકઠા થયેલા તત્ત્વોનો ગહન અભ્યાસ કર્યો. આ પરીક્ષણોને અંતે તેઓ એવા તારણ ઉપર પહોંચ્યા કે છેલ્લા સવાસો કરોડ વર્ષો દરમિયાન પૃથ્વીના લિથોસ્ફ્યિરમાં થતી ટેક્ટોનિક એક્શન ઘણા અંશે મંદ પડી છે. આથી ભૂકંપ આવવાની શક્યતાઓ ધીમેધીમે ઘટતી જશે!

ભૂકંપની ઘટના વિશે ઉપર જણાવ્યા એવા અનેક સંશોધનો મોજૂદ છે, પણ સત્ય સુધી હજી પહોંચાયું નથી! ઘણીવાર એવું લાગે કે ઘણીવાર વૈજ્ઞાનિકો પણ મુશ્કેલીઓના ઉપાય આપવાને બદલે પરસ્પર વિરુદ્ધ શક્યતાઓ રજૂ કરીને સમસ્યાને ગૂંચવી મારે છે!

[email protected]