Easy Cure for Neck Pain, Get One Click
  • Home
  • Featured
  • ગરદનના દુખાવાનો સરળ ઉપચાર, જાણવા કરો એક ક્લિક

ગરદનના દુખાવાનો સરળ ઉપચાર, જાણવા કરો એક ક્લિક

 | 10:00 am IST

નિરામય । વૈદ્ય મનુભાઈ ગૌદાની

આ ઠેક મહિનાથી મને ગરદનની સખત પીડા છે. જે ધીમે ધીમે વધતી જ જાય છે. ડોકને સહેજ પણ આડીઅવળી વાળતાં જ પીડાની અનુભૂતિ થાય છે. મારા આ દુખાવાનું મૂળ જ ગરદન છે. ગરદનથી છેક જમણા ખભા સુધી દુખાવો થાય છે. કોઈ કોઈ વખત આને લીધે જ જમણી બાજુનું જડબું, દાંત અને કાન સુધી પણ દુઃખે છે. આ દુખાવાની શરૂઆત આઠેક મહિના પહેલાં જમણા હાથમાં ઝણઝણાટી સાથે થયેલી. એ વખતે હાથની ત્વચા પર કીડીઓ ચાલતી હોય એવી અનુભૂતિ થતી, પરંતુ એ શરૂઆતના દિવસોમાં ડોક અને ખભામાં કોઈ જ તકલીફ ન હતી. પછી ધીમે ધીમે ડોકમાં, પાછળના ભાગમાં ઝણઝણાટી સાથે ધીમા દુખાવાની શરૂઆત થઈ અને આ દુખાવાએ ત્યાં જ સ્થાન જમાવ્યું. ચાલુ રૂટિન પ્રમાણે એક્સ-રે વગેરે તમામ ચેકઅપ કરાવ્યું. આધુનિક દવાથી તરત જ ફાયદો થાય છે. સવારે અને રાત્રે એક એક ટેબ્લેટ લઉં છું, પરંતુ ટેબ્લેટ બંધ કરતા દુખાવો પુનઃ યથાવત્ ચાલુ થાય છે. શું મારો આ દુખાવો નહીં મટે? એમ કહીને એ કવિમિત્રે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

જુઓ કવિમિત્ર, તમારી ગરદનના દુખાવાનું મૂળ કારણ વાયુ પ્રકોપથી થયેલ અસ્થિવિકૃતિ જ છે. આ વિકૃતિ સામાન્ય રીતે પ્રૌઢાવસ્થા અથવા તો જીવનના સંધ્યાકાળે થતી હોય છે. આ વિકૃતિના ૯૦ ટકા દર્દીઓ વૃદ્ધ જ હોય છે. આયુર્વેદના ગ્રંથોમાં તો સ્પષ્ટ જ કહેવાયું છે કે, વૃદ્ધાવસ્થામાં વાયુની વિકૃતિઓ વધારે થતી હોય છે, કારણ કે જીવનમાં વૃદ્ધાવસ્થા એ વાયુની વિકૃતિની જ અવસ્થા છે. શરીરની રસ, રક્ત, માંસ, મેદાદિ ધાતુઓને હ્રાસ અને ઘસારો વધે છે. આ વાયુપ્રકોપ અને ધાતુઓના હ્રાસ તથા ઘસારાથી ત્વચાની શિથિલતા, રુક્ષતા વગેરે ઉત્પન્ન થાય છે. અસ્થિ એ વાયુનું આશ્રયસ્થાન છે. એટલે વૃદ્ધાવસ્થામાં પ્રકૃપિત થયેલા વાયુ, સંધિવા, રુક્ષતા, કટિશૂળ, અસ્થિ વિકૃતિઓ અને અનિદ્રા વગેરે ઉત્પન્ન કરે છે. તમારી આ વાયુપ્રકોપજન્ય અસ્થિ વિકૃતિને આધુનિક પરિભાષામાં ‘સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ’ કહેવામાં આવે છે.

આપણે જાણીએ છીએ કે, વૃદ્ધાવસ્થાને લીધે જ શરીરનાં અંગપ્રત્યાંગોની પ્રક્રિયામાં ક્રમશઃ હ્રાસ થતો જાય છે. જેમ આ અવસ્થામાં વાયુના પ્રકોપથી ત્વચા પર રુક્ષતા અને કરચલીઓ વધે છે. એ જ રીતે વાયુના પ્રકોપથી અસ્થિઓમાં સંકોચન-ઘર્ષણ અથવા વૃદ્ધિ ઉત્પન્ન થાય છે. આ કારણને લીધે જ વાયુના પ્રકોપથી સંધિવા એટલે કે ઓસ્ટિયો આર્થ્રાઈટિસ અને સ્પોન્ડિલાઇટિસ જેવી વિકૃતિઓ ઉત્પન્ન થાય છે.

આ વિકૃતિ વાયુના પ્રકોપને લીધે જ થતી હોવાથી ઉપચારક્રમ ગોઠવતી વખતે વાયુને જ દૃષ્ટિ સમક્ષ રાખવો પડે. વાયુની વૃદ્ધિ કરે એવા તમામ આહાર વિહારનો ત્યાગ કરવો તથા ઔષધોપચાર પણ વાયુની શુદ્ધિ અને શમન કરે એવો જ હોવો જોઈએ. એ માટે આપ છ-સાત મહિના આ પ્રમાણે ઉપચાર કરો કે જેથી તમારો દુખાવો ધીમે ધીમે શાંત થાય. એમ કહીને મેં તેમને આ પ્રમાણે ઉપચારક્રમ લખી આપ્યો.

  • મહા યોગરાજ ગૂગળ : બે બે ગોળીઓ સવારે, બપોરે અને રાત્રે ભૂકો કરીને લેવી.
  • મહારાસ્નાદિ ક્વાથ : નાના અડધા કપ જેટલો સવારે અને રાત્રે પીવો.
  • એરંડિયું : દિવેલ ત્રણેક ચમચી રાત્રે એક ગ્લાસ જેટલા દૂધમાં નાખી પીવું.
  • મહાનારાયણ તેલ : સમગ્ર શરીરે માલિશ કરી ગરમ પાણીએ સ્નાન કરવું.
  • કડવા, તીખા, તૂરા રસવાળા તથા રુક્ષ, લઘુ અને સૂક્ષ્મ ગુણધર્મોવાળો આહાર લેવો નહીં. ઉપવાસ, ઉજાગરા અને એકટાણા વાયુ વધારે એટલે એ ત્યાજ્ય ગણાય.

આ પ્રમાણે ઉપચાર કરવાથી તમારો દુખાવો ધીમે ધીમે શાંત થઇ જશે. નિરાશ થવાની જરૂર નથી.

ગાગરમાં સાગર

હરસ-મસા- પાઈલ્સના દર્દીઓમાં મળાવરોધની તકલીફ રહેતી હોય છે. મળાવરોધથી શુષ્ક થયેલ મળની સખત ગાંઠોના નિષ્કાસનથી મસા છોલાય છે. ફુલી જાય અને રક્તસ્રાવ થાય છે. મળાવરોધને દૂર કરવા ગરમાળાનો ગોળ ૧૫થી ૨૦ ગ્રામ, હરડે ૧૦ ગ્રામ, કાળી દ્રાક્ષ ૨૦ ગ્રામ બધાને અધકચરા કૂટી એક ગ્લાસ પાણીમાં નાખી ઉકાળો. બરાબર ઊકળે ત્યારે તે ઉતારી ઠંડું પાડી રાત્રે પી જવું. સવારે મળ સરળતાથી ઊતરશે અને ઉગ્ર મસા શાંત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન