દોસ્ત બનાવવા ખૂબ સરળ છે - Sandesh

દોસ્ત બનાવવા ખૂબ સરળ છે

 | 2:35 am IST

યૂથ કોર્નર । અર્જુનસિંહ કે. રાઉલજી

આમ તો રોશની અને રીમા બંને ખૂબ જ ખાસ દોસ્ત છે. આમ છતાં પણ બંનેના વાણી, વર્તન, વ્યવહાર, પસંદગી અને ફ્રેન્ડસર્કલ એ બધું જ એકબીજાથી ખૂબજ અલગ છે. એક તરફ કોલેજમાં રીમાની અગણિત સહેલીઓ અને મિત્રો છે, તો બીજી તરફ રોશની માત્ર એક-બે મિત્રો સાથે જ વાત કરે છે.

જ્યારે રોશની કોલેજમાં રજા પાડે છે ત્યારે રીમા આનંદથી પોતાની અન્ય બહેનપણીઓ અને મિત્રો સાથે સમય પસાર કરે છે. પણ જો તેની જગ્યાએ રીમા રજા પાડે તો રોશની ઉપર તો જાણે આભ તૂટી પડે છે. તેનો દિવસ માંડ માંડ પસાર થાય છે. તે કોલેજના ક્લાસના એકાદ ખૂણામાં બેઠી બેઠી બેચેની અનુભવે છે.

રીમા મનમૌજી છે. રોશની ના હોય તો તે અન્ય દોસ્તો શોધી જ કાઢે છે અને તેમની કંપનીમાં સમય પસાર કરી જ દે છે. પરંતુ રોશની જો રીમા ના હોય તો બિલકુલ એકલી જ પડી જાય છે.

રીમા જેવા લોકો કાયમ ઢગલાબંધ મિત્રો અને સહેલીઓથી ઘેરાયેલા જ રહે છે. તેમની સાથે હળીમળીને મોજમસ્તી કરતા રહે છે. આમતેમ આમતેમ ફરતા રહે છે. જ્યારે રોશની જેવા લોકો તો માત્ર એકાદ-બે દોસ્તો ઉપરજ આધારિત હોય છે.

જો તમે પણ જય-વીરુ, સર્કિટ-મુન્નાભાઈ કે રાહુલ-અંજલિ જેવી અતૂટ દોસ્તી ઇચ્છતાં હો તો કેટલીક એવી રીતો છે. જેનાથી આપ સરળતાથી નવા નવા દોસ્તો અને સહેલીઓ બનાવી શકો છો.

પ્રથમ પગથિયું

દોસ્તી માટે પહેલું પગલું ભરવું એ કોઇપણ સંબંધનો પાયો છે. એક ખૂણામાં બેઠા બેઠા જો તમે કોઈ આવીને તમારી સાથે વાતો કરે કે તમારી સાથે દોસ્તી કરે તેની રાહ જોયા કરો તો તે તમારા માટે ટાઇમ બરબાદ કરવા સિવાય બીજું કશું જ નથી. જે રીતે ચિલ્લરપાર્ટી ફિલ્મમાં બાળકોએ ફટકા તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. બરાબર તે જ રીતે તમારે પણ દોસ્તીનો હાથ લંબાવવો પડશે તો જ તમે દોસ્ત બનાવી શકશો.

ચર્ચાઓમાં ભાગ લેવો

શ્રીદેવી ફિલ્મ ‘ઇંગ્લિશવિગ્લિશ’માં અજાણ્યા લોકોની વચ્ચે, અજાણી ભાષા બોલનારા લોકો સાથે દોસ્તી કરવામાં સફળ થઈ. આ બધુ જ જુદા જુદા લોકોને તેમની સાથે વિતાવેલા સમય અને તેમની ચર્ચાઓમાં ભાગીદારીએ જ તેમને દોસ્તીના બંધનમાં બાંધી દીધા. જો લોકો એક ગ્રૂપમાં ભેગા થઈને વાતો કરી રહ્યા હોય તો તમારે પણ મોબાઇલમાં મસ્ત અને વ્યસ્ત રહેવાના બદલે તેમની સાથે ચર્ચામાં ભાગ લેવો જોઈએ. તેમની વાતચીતનો એક ભાગ બનવું જ જોઈએ અને તેમની સાથે અલગ અલગ વિષયો ઉપર વાત કરવી જોઈએ.

આંતરિક સબંધો મજબૂત બનાવો

નવા દોસ્તો બનાવવા માટે એ ખૂબજ જરૂરી છે કે તમે માત્ર ઔપચારિકતા સુધી જ સીમિત અને મર્યાદિત રહેવાના બદલે તેમની સાથે આંતરિક અને અંગત સંબંધ બનાવવાનો પ્રયાસ કરો. છેવટે તો દોસ્તીનો નિયમ છે કે-‘નો સોરી નો થેન્ક્યુ’ એકબીજાની પસંદ-નાપસંદ જાણો, પોતાની મુશ્કેલીઓ અને આનંદ બધાં વચ્ચે વહેંચો, અને જે મનમાં આવે તે કહો. જે રીતે ફિલ્મ ‘જબ વી મેટ’માં કરીના કપૂર એટલે કે ગીતે શાહિદ કપૂર એટલે કે આદિત્ય સામે બકબક કરીને પણ પોતાનો પાક્કો દોસ્ત બનાવી દીધો હતો.

સાથે ફરવા જાવ

સાથે હરવુ-ફરવું એ દોસ્તીને પાકી કરવા માટેનો સૌથી સહેલો અને સીધો રસ્તો છે. જેવી રીતે ક્વીન ‘રાની’ (કંગના રનૌત ફિલ્મ ‘ક્વીન’માં) પેરિસની સડકો ઉપર પોતાના દોસ્તો સાથે યાદગીરી બનાવે છે. બિલકુલ એ જ રીતે લોકો સાથે હરવું-ફરવું એટલે તમને દોસ્તીના અનેક પ્રકારોથી વાકેફ કરવા બરાબર છે.

મેસેજો દ્વારા વાતો કરો

એક વાત આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે સોશિયલ નેટર્વિંકગ સાઈટ્સ નવા નવા લોકો સાથે ઓળખાણ વધારવાની અને પરિચિત થવાની સૌથી વધારે સરળ પદ્ધતિ બની ગયેલ છે અને આમ જોવા જાવ તો વધારે યોગ્ય પણ છે. આખરે તો આજનો સમય ટેક્નોલોજીની સાથે જ આગળ વધવાનો છે અને લોકો દરરોજ એકબીજાને મળી શકતા નથી અથવા સામસામે બેસીને વાતચીત કરી શકતા નથી. તેમના માટે મેસેજો દ્વારા વાતો કરવી એ એક બેસ્ટ ઓપશન છે. બરાબર એ પ્રમાણે જ-જે પ્રમાણે ‘મુઝસે દોસ્તી કરોગે’માં રાજ અને પૂજા એકબીજાથી કરોડો માઇલ દૂર હોવા છતાં પણ મેસેજ દ્વારા ખૂબ સારા દોસ્ત બની જાય છે. પરંતુ ધ્યાન રાખજો કે તમે પણ તમારી પૂજાને ટીના ના સમજી બેસો.

પાડોશી સાથીયો સાથે વાતચીત કરો

ફિલ્મ ‘સ્ત્રી’મા વિક્કી, બિટ્ટુ અને જાનાની દોસ્તી હોય અથવા ‘કોઇ મિલ ગયા’માં રોહિત અને તેની ગેંગની દોસ્તી હોય કે જેમાં સવાર-સાંજ એકબીજાનો ચહેરો જોવાનો હોય. જ્યાં જવાનું હોય ત્યાં જવા માટે ઘરની મંજૂરી લેવાની હોય અને જ્યારે ઇચ્છા થાય ત્યારે નાઇટ આઉટ કરવા માટે પાડોશીની દોસ્તીથી મજા લેવાની હોય. આથી તમારા ઘરની આસપાસના લોકો સાથે વાતો કરો અને તેમાંથી જ હમઉમ્ર મિત્રો બનાવો.

પોતાના વિચારો રજૂ કરો

કોઈપણ દોસ્તીમાં મધમાં ડૂબાડેલા શબ્દો બોલવાની કોઇ જરૂર પડતી નથી. દોસ્તી તો કડવું પરંતુ નગ્ન સત્યનું હકદાર છે. બે વ્યક્તિઓ ત્યારે જ સાચા દોસ્ત બની શકે છે. જ્યારે તેઓ એકબીજા સમક્ષ પોતાના વિચારો સ્વતંત્ર રીતે રજૂ કરી શકે. જો તમારે જોઇ વિચારીને માત્ર મીઠી મીઠી વાતો કરવી પડતી હોય તો તે સાચી દોસ્તી નથી જ ! ખૂબ વિચારો, જો ફિલ્મ ‘કોકટેલ’ની મીરાની માફક હંમેશાં એકની એકજ વાતો કરવી પડતી હોય તો શું એ સાચી દોસ્તી છે ?

સારો વ્યવહાર

મોટાભાગના લોકો એવા લોકો સાથે જ વાતો કરવાનું પસંદ કરે છે. જેમનો વ્યવહાર સારો અને યોગ્ય હોય જે રીતે હેરીપોટરમાં બધા જ હેરી સાથે કરે છે. કોઈ હેરીના દોસ્ત બનવાનું પસંદ કરતા નથી.

રુચિ અને પસંદગીમાં મેળ

બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ તેમની રુચિ અને પસંદગીના આધારે જ મજબૂત બને છે. જો તે બંને સમાન રુચિ અને પસંદગી ધરાવતા હોય તો તેમની વચ્ચેનો સંબંધ વધારે મજબૂત બને છે. બંનેને પુસ્તકો વાચવા પસંદ છે કે બંનેને પનીરનું શાક વધારે ભાવે છે અથવા બંનેને એકસરખી જ ટીવી સિરિયલ પસંદ છે તો તે બંને ક્યારેય એકબીજાથી બોર થતા નથી. મુન્ના અને સર્કિટનો જ દાખલો લો. બંનેને લોકોને મારવા અને લોકોના હાડકાં તોડવામાં જ રસ પડે છે. તેથી તો એ લોકો એકબીજાથી બોર થતા નથી.

એકબીજાને સમજો અને પસંદ કરો

કોઈપણ વ્યક્તિ માટે નવા દોસ્ત બનાવવાનું મુશ્કેલ નથી, જો તે સામાવાળાની વાતો સાંભળે અને સમજે જો ‘કલ હો ના હો’ માં અમન નૈનાને સમજતો નથી. સાંભળતો નથી, તેની ખુશી કે સુખ દુઃખમાં ભાગીદાર થતો નથી તો તે ક્યારેય તેનો દોસ્ત બની શકતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન