ED-CBI મને ફસાવી રહ્યાં છે : મેહુલ ચોકસી - Sandesh
  • Home
  • India
  • ED-CBI મને ફસાવી રહ્યાં છે : મેહુલ ચોકસી

ED-CBI મને ફસાવી રહ્યાં છે : મેહુલ ચોકસી

 | 2:18 am IST

। નવી દિલ્હી ।

પંજાબ નેશનલ બેન્કના રૂપિયા ૧૩,૬૦૦ કરોડનાં કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ  એન્ટિગુઆના અજાણ્યા સ્થળેથી પાઠવેલા વીડિયો સંદેશામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તેમના પર મુકાયેલા આરોપ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યાં છે. મેહુલે જણાવ્યું હતું કે, ઈડી દ્વારા મારા પર મુકાયેલા તમામ આરોપ ખોટા અને પાયાવિહોણા છે. આરોપોનો કોઈ આધાર ન હોવા છતાં ઈડીએ મારી સંપત્તિ ગેરકાયદેસર રીતે જપ્ત કરી છે. ઈડી અને સીબીઆઈ મને ફસાવી રહ્યાં છે. મેહુલ ચોકસીએ દાવો કર્યો હતો કે, મેં ભારતીય સત્તાવાળાઓ સમક્ષ મારા પાસપોર્ટનું સસ્પેન્શન રદ કરાવવાના પ્રયાસ કર્યા હતા. હું એક દેશમાંથી બીજા દેશમાં પ્રવાસ ન કરી શકું તે માટે ભારતીય પાસપોર્ટ સત્તાવાળાઓએ મારો પાસપોર્ટ રદ કરી દીધો હતો. ૧૬મી ફેબ્રુઆરીના રોજ પાસપોર્ટ કચેરી દ્વારા મને ઈ-મેલ મોકલાયો હતો કે, ભારતની સુરક્ષા માટે ધમકીરૂપ હોવાના કારણે મારો પાસપોર્ટ રદ કરી દેવાયો હતો. ૨૦મી ફેબ્રુઆરીએ મેં મુંબઈની પ્રાદેશિક કચેરીને ઈ-મેલ મોકલી મારો પાસપોર્ટ રદ કરવાનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી હતી. પરંતુ હજુ સુધી મને પ્રાદેશિક પાસપોર્ટ કચેરી તરફથી ઈ-મેલનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. મને મારો પાસપોર્ટ રદ કરવાનું કોઈ કારણ જ અપાયું નથી. પાસપોર્ટ કચેરીએ મને નથી જણાવ્યું કે મારો પાસપોર્ટ કેમ રદ કરાયો છે અને હું ભારતની સુરક્ષાને કેવી રીતે ધમકીરૂપ છું. મારો પાસપોર્ટ સસ્પેન્ડ કરાયો હોવાથી સોંપી દેવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. મેહુલ ચોકસી સામે રેડ કોર્નર નોટિસનો મામલો મહિનાઓથી પડતર

મેહુલ ચોકસી સામે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરવાની ઈડીની અરજી મહિનાઓથી પડતર છે.

ચોકસીએ ૩,૨૫૦ કરોડ વિદેશમાં સેરવી દીધાં

ઈડીએ પોતાની તપાસમાં જણાવ્યું હતું કે, મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડી કરીને ૩,૨૫૦ કરોડ રૂપિયા પોતાના વિદેશી ખાતાઓમાં સેરવી દીધા હતા. તેણે સામાન્ય હીરા પણ ઊંચી કિંમતે વેચીને તગડી કમાણી કરી હતી તથા આ બધી રકમ પોતાના વિદેશી ખાતાઓમાં જમા કરાવી દીધી હતી. ઈડીએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે, ચોકસીએ પોતાના ભાણિયા નીરવ મોદી સાથે મળીને આ બધા ગોટાળા કર્યા હતા. ઈડીએ વધુમાં જણાવ્યું કે, ચોકસીએ અંદાજે ૪૦૦ કરોડ રૂપિયા નિરવ મોદીના ખાતામાં જ્યારે અંદાજે ૩૬૦ કરોડ રૂપિયા નીરવ મોદીના પિતાના ખાતામાં જમા કરાવ્યા હતા. તેણે નીરવ મોદી સાથે મળીને ડમી કંપનીઓ ઊભી કરી હતી અને તેના થકી પીએનબી પાસેથી લોન લઈને મોટાભાગની રકમ વિદેશમાં સેરવી દીધી હતી.

;