Editor's column: New trend of terror in Kashmir, non-Muslims soft target
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • તંત્રીની કલમે : કાશ્મીરમાં આતંકનો નવો ટ્રેન્ડ, બિનમુસ્લિમો સોફ્ટ ટાર્ગેટ

તંત્રીની કલમે : કાશ્મીરમાં આતંકનો નવો ટ્રેન્ડ, બિનમુસ્લિમો સોફ્ટ ટાર્ગેટ

 | 5:44 am IST
  • Share

  • આ વખતે આતંકનો ટ્રેન્ડ જરા નવો અને તાલિબાની સ્ટાઇલનો છે
  • કાશ્મીરી પંડિતોને સોફ્ટ ટાર્ગેટ બનાવીને સરેઆમ તેમની હત્યા કરાય છે
  • આતંકી નેટવર્કનો જડમૂળથી સફાયો કરવા અભિયાન હાથ ધરવું પડશે

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પછી રાજ્યમાં બે વર્ષ સુધી શાંતિ જાળવવા સરકારને સફળતા મળી હતી. કાશ્મીરમાં ફરી અમનચેન અને શાંતિ તેમજ સૌહાર્દનું વાતાવરણ સર્જાયું હતું. છેલ્લા થોડા દિવસથી ફરી ત્યાં આતંક અને અશાંતિનો સળવળાટ શરૂ થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી હત્યાઓ અને ઘટનાઓએ ચિંતા જન્માવી છે. આતંકીઓ તેમની નિષ્ફળતા અને નિરાશાને ઢાંકવા માટે હવે આમઆદમી કે વેપારીઓ કે સૈનિકો કે પોલીસના જવાનને સોફ્ટ ટાર્ગેટ બનાવીને તેમની ખુલ્લેઆમ હત્યા કરી રહ્યા છે. આ વખતે આતંકનો ટ્રેન્ડ જરા નવો અને તાલિબાની સ્ટાઇલનો છે. લોકોની વીણી વીણીને હત્યા કરવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં જેમ મહિલાઓ, બાળકો, સૈનિકો અને પોલીસને અલગ તારવીને તેમની હત્યા કરવામાં આવે છે તેવી જ રીતે કાશ્મીરમાં પણ પોલીસ, આર્મીના જવાન, મુસ્લિમ ન હોય તેવા લોકો, કાશ્મીરી પંડિતોને સોફ્ટ ટાર્ગેટ બનાવીને સરેઆમ તેમની હત્યા કરવામાં આવી રહી છે. આતંકીઓએ પહેલાં દવાના દુકાનદારની હત્યા કરી તે પછી બે નિર્દોષ આમઆદમીને ક્રૂર રીતે ગોળી મારીને હત્યા કરી દેવાઈ. બે દિવસ પછી સરકારી સ્કૂલમાં ઘૂસી જઈને શિક્ષકોના ઓળખપત્રો તપાસીને પ્રિન્સિપાલ સતિન્દર કૌર અને શિક્ષક દીપક ચાંદની જાહેરમાં હત્યા કરી. આ બંને મૃતકો મુસ્લિમ ન હતા. એક જ અઠવાડિયામાં એકલા શ્રીનગરમાં જ 7 નાગરિકોની નૃશંસ હત્યા કરવામાં આવે ત્યારે આખો દેશ હચમચી જાય તે સ્વાભાવિક છે. આતંકીઓએ લોકોની હત્યા કરવા અને ખોફ ફેલાવવા હવે નવી પેટર્ન અપનાવી છે. તેઓ આમઆદમી અને મુસ્લિમ ન હોય તેવા લોકોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. સ્થાનિક યુવાનોના હાથમાં પિસ્તોલ પકડાવીને આવાં હીન કાર્યો કરાવાઈ રહ્યાં છે. આમાં પાક.માં તાલીમ પામેલા અને હથિયારોનો મોટો જથ્થો રાખતા આતંકીઓનો ઉપયોગ કરાતો નથી.

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને કાશ્મીરમાં આતંકવાદને પાકિસ્તાન દ્વારા ખુલ્લો ટેકો આપવામાં આવ્યો છે. એટલે આવાં ઘૃણાસ્પદ કૃત્યોમાં તાલિબાની સ્ટાઇલ અપનાવવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. ભારત સરકાર અને ભારતના આર્મીએ આતંકના આ નવા રાક્ષસને ઊગતો જ ડામી દેવો પડશે. જમ ઘર ભાળી જાય તેવી સ્થિતિ અને ઘટનાઓ નિવારવી પડશે. જો તેમ નહીં કરાય તો કાશ્મીરની સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જશે અને શાંતિનું સ્થાન હિંસા લઈ લેશે તે નક્કી છે. આતંકી નેટવર્કનો જડમૂળથી સફાયો કરવા અભિયાન હાથ ધરવું પડશે. સરકારે રાજ્યમાં કોઈપણ સંજોગોમાં ભાઈચારો અને પરસ્પર વિશ્વાસનો પાયો તૂટે નહીં તેની તકેદારી રાખવી પડશે. કાશ્મીરી પંડિતોનાં પુનઃવસનની કામગીરીને આગળ ધપાવવી પડશે. સરકાર સામેના પડકારો ઘણાં મોટા છે પણ તેને પહોંચી વળવા આપણે સક્ષમ અને સજ્જ છીએ તેવો ચમત્કાર આતંકીઓને દર્શાવવો પડશે તો જ તેઓ નમસ્કાર કરીને દૂમ દબાવીને ભાગશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો