ભણેલી-કમાતી પત્નીની વ્યથા - Sandesh

ભણેલી-કમાતી પત્નીની વ્યથા

 | 3:03 am IST

બંધ હોઠોની વાત । ભૂમિકા સોની

‘અરે… યાર… આના યાર… આના કરતા તો હું ભણી જ ન હોત તો સારું… નોકરી ન કરતી હોત અને ઘર સંભાળતી હોત તો વધુ સુખી થાત. આ તો મારી આવડત અને મારી બુધ્ધિક્ષમતા ઘરમાં ઝઘડાનું કારણ બને છે. મારા કરતા તો અમારી બાજુમાં રહેતા રોહિણીબહેન વધારે સુખી છે.. તે ભણેલા નથી, બહારની દુનિયાથી અજાણ્યા છે, ઘરમાં બઘા નિર્ણય તેમના પતિ કરે છે, રોહિણીબહેન દર વખતે એમ જ કહે છે કે મને ખબર ન પડે, મારા પતિ કહે તે બરાબર. આવી રીતે બધી જ વાત દલીલ વગર માની લેનાર રોહિણીબહેન વધુ સુખી છે. હું ભણેલી છુ અને બહારનું જ્ઞાન હોવાથી ખોટીવાતમાં હા નથી પાડી શકતી. વળી મારો પગાર મારા પતિના પગાર કરતા વધુ છે એટલે તેને નાનપ લાગે છે પોતાનું પતિપણુ સિદ્ધ કરવા અને અભિમાન પોષવા તે વાતવાતમાં મને ઉતારી પાડે છે. હું કંઈ કહુ તો કહે છે કે, ‘તને વધારે પગારનું અભિમાન છે. ઘણીવખત તો થાય છે કે નોકરી મુકી દઉં, પણ પછી બાળકોના ભવિષ્યનો વિચાર આવે છે. વળી નવા ફ્લેટના હપ્તા પણ મારા પગારમાંથી ભરાય છે, એટલે સમજાતું નથી કે શું કરવું..??”

આ શબ્દો છે એમ.બી.એ ભણેલી અને સારી કંપનીમાં નોકરી કરતી, મહિને સાંઈઠહજાર રૂપિયાનો પગાર મેળવતી પારૂલના..

પારૂલના પતિની નોકરી પણ સારી છે. તેનો પગાર પણ પચાસહજાર રૂપિયા છે, પણ પારૂલનો વધુ પગાર તે સહન નથી કરી શકતો જયારે તેના પતિના મિત્રો ઘરે આવે કે બધા ફેમિલી સાથે ફ્રવા જાય ત્યારે પારુલની આવડતની બધા પ્રશંસા કરતા હોય છે, ત્યારે તેના પતિની આંખમાં આવતો ગુસ્સો પારુલને જ દેખાય છે. પત્નીના વખાણ તે સહન નથી કરી શકતો અને બધો ગુસ્સો ઘરે આવીને પારૂલ પર ઉતારે છે.

આપણે કદાચ ધ્યાનથી જોઈશું તો આપણી આજુબાજુ આવા ઘણા કિસ્સા નજરે પડશે હવેના સમયમાં જયારે પતિ-પત્ની બન્ને કમાતા હોય ત્યારે પત્નીની આવક તો પતિને સ્વીકાર્ય છે, પણ તેની આવડત કે વખાણ સ્વીકારી શકતો નથી. આપણા સમાજમાં જૂના સમયથી રૂઢિ છે કે ઘરનો સર્વેસર્વા પુરુષ જ હોય છે. બધા નિર્ણયનો હકક તેની પાસે જ હોય, પણ હવે ભણેલી અને કમાતી સ્ત્ર્રીઓ ઘરના નિર્ણયમાં પોતાનો સૂર પુરાવે તે પુરુષોથી સહન નથી થતું. કયારેક પતિ કરતા પત્નીની આવક વધારે હોય છે, ઘરખર્ચમાં કે મિલકત ખરીદવામાં પત્નીની આવકનો મોટો હિસ્સો હોય છે. પણ પતિને તે વાત માનવામાં કે પત્નીને જશ આપવામાં નાનપ લાગે છે તે ખોટી વાતમાં ઝઘડા કરીને પોતાનું પતિપણું પૂરવાર કરે છે. પોતાનું આધિપત્ય જમાવવા મોટા અવાજે ઘાંટા પાડે છે. સ્ત્રી બિચારી વધુ આવડત ધરાવતી હોવા છતા ઘરની શાંતિ માટે બઘું સહન કરે છે.

પણ હવે સમય બદલાયો છે. બધા ક્ષેત્રોમાં સ્ત્રીઓ પુરુષોથી આગળ છે પુરુષોએ પણ આ વાત સ્વીકારી લેવાની જરૂર છે પત્નીની પસંદગી વખતે તેની આવડત અને આવકને પ્રાથમિકતા આપવામાં આવે છે. તોપછી તે જ આવડત ઘરકંકાશનું કારણ ન બનાવવું જોઈએ. જો પતિ-પત્ની બન્ને એકબીજાનું મહત્ત્વ સ્વીકારે તો જ ઘરમાં શાંતિ સ્થપાય. .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન