શૈક્ષણિક ચુકાદામાં શૈક્ષણિક અસરોને મહત્ત્વ અપાવું જોઇએ? - Sandesh
  • Home
  • Columnist
  • શૈક્ષણિક ચુકાદામાં શૈક્ષણિક અસરોને મહત્ત્વ અપાવું જોઇએ?

શૈક્ષણિક ચુકાદામાં શૈક્ષણિક અસરોને મહત્ત્વ અપાવું જોઇએ?

 | 2:27 am IST

કેળવણીના કિનારે :- ડો. અશોક પટેલ

વ્યક્તિ અને સમાજના સુસંવાદી અને સાર્વત્રિક વિકાસ માટે આરાગ્ય. શિક્ષણ અને સંરક્ષણને પ્રાથમિકતાભર્યું મહત્ત્વ આપી સહેજ પણ બાંધછોડ કરવી ન જોઈએ. આ બાબતને સૌ જાણે છે અને માને પણ છે. આમ છતાં તે પ્રત્યે ઘણીવાર વ્યક્તિ, સમાજ અને સરકાર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. જેનું પરિણામ પણ વ્યક્તિ, સમાજ અને સરકારે ભોગવવું જ પડે છે. પણ આજે વાત કરવી છે, આપણા ન્યાયાલય દ્વારા અપાતા કેટલાક ચુકાદાના સંદર્ભે. એ વાત કરતા પહેલાં સ્પષ્ટતા કરી લઈએ કે, આજે સૌ ભારતીયને જેટલો ન્યાયાલય પર વિશ્વાસ છે, તેટલો કદાચ તેના કુટુંબ પર પણ નથી. સાથે જ આપણું ન્યાયાલય કેટલીક મર્યાદાઓ વચ્ચે પણ જે રીતે ન્યાય આપે છે તે માટે ગૌરવ પણ છે. આપણું ન્યાયાલય એટલે કે જાણે ભગવાન. એ જે કરે તે સારું જ કરે અને સારા માટે જ કરે, તેવું દિલ અને મનથી માનવામાં આવે છે. જે માન્યતા આ લેખક પણ ધરાવે છે. આમ છતાં ક્યારેક અપાતા કોઈ નિર્ણયથી દુઃખ પણ થાય છે. આ દુઃખ થવા પાછળનું કારણ ન્યાયાલયે આપેલ નિર્ણય ખોટો કે ભૂલ ભરેલો છે, એવું કહેવાનું તાત્પર્ય નથી. કદાચ આ લેખકની વિચારસરણી ખોટી હોઈ શકે.

હમણાં જ થોડા સમય પહેલાં આપણી હાઇકોર્ટ દ્વારા વચગાળાનો એક હુકમ કરવામાં આવ્યો. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવવર્સિટી સંલગ્ન એક બી.એડ. કોલેજને વર્ષ ૨૦૧૯-૨૦ માટે વિદ્યાર્થી પ્રવેશ આપવો એવો કોર્ટનો નિર્ણય છે, જેને પ્રેમથી વધાવવો તે સૌ નાગરિક અને સંસ્થા કે સરકારની ફ્રજ છે. જેના અનુસંધાનમાં યુનિવર્સિટીએ જાહેરાત આપી અને પ્રવેશ માટેની કામગીરી શરૂ કરી. અહી કોર્ટે જે હુકમ કર્યો તે ખૂબ જ વિચારીને, તટસ્થભાવે જ આપ્યો હોય. તેમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આ હુકમનું પાલન કરવાથી શૈક્ષણિક નકારાત્મક ઘણી અસરો થશે. જેમાં શિક્ષણ અને વિદ્યાર્થી બંનેનું અહિત થશે. આ બાબતને કેટલું મહત્ત્વ આપવું તે માનનીય ન્યાયાલય, સમાજ અને સરકારે નક્કી કરવાનું છે.

અત્યારે ઓક્ટોબર  મહિનો ચાલે છે. ત્યારે હવે પછી વિદ્યાર્થીઓ બી.એડ.માં પ્રવેશ લે છે તો શિક્ષક તરીકે જે તાલીમ આપવી જોઈએ તે તાલીમ કેવી રીતે આપી શકાય? પંદર દિવસ પછી પ્રથમ સત્ર પૂર્ણ થશે. ત્યારે બાકીના દિવસોમાં બંને સત્રનું કામ ગુણવત્તા સાથે પૂર્ણ થશે ? યુનિવર્સિટીએ શરત મૂકી છે કે, રજાના દિવસોમાં પણ કામ કરીને કાર્ય દિવસ પૂર્ણ કરવાના. તેની સામે કહી શકાય કે અન્ય વિદ્યાર્થીઓને અપાતી રજા ખોટી છે? જો એ રજા યોગ્ય ચોક્કસ કે જે કારણો માટે અપાતી હોય તે બાબત અત્યારે પ્રવેશ લેનારને લાગુ ના પડે? અત્યારે પ્રવેશ લેનાર વિદ્યાર્થીના હક્કનું અને ગુણવત્તાનું શું ? તેની સામે એવી દલીલ કરવામાં આવે કે, જેને રજા ભોગવવી ના હોય તેઓ પોતાની ઇચ્છાથી પ્રવેશ મેળવે છે, તો શું વાંધો છે? તો તેની સામે દલીલ થઇ શકે કે, તો અન્ય સંસ્થામાં કે દુકાનો કે ફેકટરીમાં કે ઉદ્યોગગૃહોમાં રજા ના આપવી તે ગુનો ગણાય છે. તો ફેકટરીના માલિક એમ કહેશે કે, મજૂરો તેમની ઇચ્છાથી કામ કરવા આવે છે. તેમને રજા નથી ભોગવવી તો શું સરકાર સ્વીકારશે? આ વાતને અન્ય રીતે લઈએ તો, હવે પછી પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું જો શિક્ષણકાર્ય સારી રીતે થતું હોય તો, અન્ય વિદ્યાર્થીઓને શા માટે આખું વર્ષ બાર મહિના સુધી ભણાવવા જોઈએ.? અત્યારે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ જો સાત-આઠ મહિનામાં કોર્સ પૂર્ણ કરી શકતા હોય તો અન્ય વિદ્યાર્થીઓને પણ તે તક આપવી જોઈએ, જેથી તેમના ચાર-પાંચ માસ બગડે નહીં. ઉપરાંત હવે પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને અધ્યાપકો હવે જ ભણાવશે. જેથી તેમને આપવો પડતો પગાર પણ સાત-આઠ મહિનાનો જ આપવો પડશે. તો અન્ય કોલેજને પણ આવી છૂટ આપવી જોઈએ. જેથી તેમનો ખર્ચ પણ ઘટે. તેમને પણ બાર માસ સુધી અધ્યાપકોને પગાર ચૂકવવા ના પડે. અંતે વિદ્યાર્થીઓની ફી ઘટે.

અત્યારે સત્ર પૂર્ણ થવા આવ્યું હોય ત્યારે હકીકતમાં શિક્ષણના ભોગે કોઈ પણ સંસ્થામાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ના જ આપવો જોઈએ. જો આ રીતે પ્રવેશ આપવામાં આવશે તો શિક્ષણની ગુણવત્તાનું શું ? એમાં પણ અહી તો શિક્ષકો તૈયાર કરવાના છે. તો આવી વ્યવસ્થા આપીને આપણે સમાજને કેવા શિક્ષકો આપવા માગીએ છીએ? આ રીતે પ્રવેશ માગવા માટે સંસ્થાનો હેતુ જો સેવાનો હોય, તો એ સંસ્થા હવે છ મહિના સેવા નહીં કરે તો આસમાન તૂટી નથી પડવાનું. આમ ના કરે એ જ શિક્ષણ અને સમાજની મોટી સેવા છે. અને જો સંસ્થાનો હેતુ આર્થિક હોય, નુકસાન જવાનો હોય તો એ પણ ખોટું જ છે. નફે કરવા માટે અન્ય અનેક ધંધા છે, તે માટે શિક્ષણને સાધન બનાવવું તે કોઈપણ રીતે યોગ્ય નથી. અન્ય વિદ્યાર્થીઓ જે રેગ્યુલર જૂન મહિનાથી પ્રવેશ લઈને અભ્યાસ કરે છે કે તાલીમ લે છે, તેમનો કોર્સ માંડમાંડ પરાણે પૂરો થાય છે, તો હવે પ્રવેશ લેનાર વિદ્યાર્થીનો કોર્સ કેવી રીતે પૂર્ણ થશે ? તે વિદ્યાર્થીઓની પરીક્ષા યુનિવવર્સિટી કેવી રીતે અને ક્યારે લેશે ? હા, આ બાબતમાં કોર્ટ એવું કહી શકે કે એ પ્રશ્ન યુનિવર્સિટીનો છે. હકીકતમાં કોર્ટે યુનિવર્સિટીને પૂછવું જોઈએ કે આમ કરવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થશે? જો નકારાત્મક અસર થવાની હોય તો એકાદ કોલેજ એકાદ વર્ષ નહીં ચાલે તો આસમાન તૂટી નથી પડવાનું પણ શિક્ષણનું હિત સચવાશે, નહીં તો યુનિવર્સિટી તો કોર્ટના આદેશનું પાલન કરશે પણ ગુણવત્તા નહીં જ સચવાય ?

અત્યારના સમયે પ્રવેશ માગનાર કોલેજો શિક્ષણકાર્ય કેવી રીતે પૂર્ણ કરશે તેની એફ્ડિેવિટ માગવી જોઈએ, સાથે દરેક દિવસના કામનું વીડિયો રેકોર્ડિંગ કરીને દર મહિને તપાસવાનું કામ શિક્ષણકારોને કોર્ટે સોંપવું જોઈએ. જો કોર્ટ આવો આદેશ કરશે તો મોડો પ્રવેશ માગવા કોઈ કોલેજ નહીં આવે. આ બાબતે માનનીય કોર્ટનું એક એ પણ ધ્યાન દોરવાની ઇચ્છા થાય છે કે, આ વર્ષે એન.સી.ટી.ઈ. એ જે કોલેજોની માન્યતા રદ કરી હતી કે પ્રવેશ અટકાવ્યો હતો, તેમાંની કેટલીક કોલેજ કોર્ટના આદેશને કારણે આજે ચાલે છે. હકીકતમાં તેમાંની મોટાભાગની કોલેજ ચાલે છે પણ વિદ્યાર્થીઓ આવતા નથી, માત્ર પૈસા કમાવાનો ધંધો ચાલે છે. ત્યારે આ વર્ષે કોર્ટના આદેશને પગલે જેટલી કોલેજો ચાલે છે, તે કેવી રીતે ચાલે છે, તેની તપાસ પણ કોર્ટે કરવી જોઈએ. હા, કોર્ટ એમ કહી શકે કે એ કામ સરકારનું છે, તો કોર્ટ સરકારને આદેશ આપે અને પુરાવા માગે. કારણ કે, આજે મોટાભાગની બી.એડ.ની સેલ્ફ્ ફઇનાન્સ કોલજો વિદ્યાર્થી પાસેથી મોટી ફી લે છે અને વિદ્યાર્થીને કોલેજ નહીં આવવાની છૂટ આપીને, શિક્ષણનું અહિત કરે છે અને પૈસા કમાય છે. આ વાતથી સરકાર સહેજ પણ અજાણ નથી પણ સરકારની કોઈ મજબૂરી હશે જેથી શિક્ષણના ભોગે આવી સંસ્થાને પૈસા કમાવાની છૂટ આપે છે.

કોર્ટના આદેશને પગલે એક વ્યક્તિ કે એક સંસ્થાને થતા ફયદાને કારણે હજારો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડતું હોય તો કોર્ટે શિક્ષણના નિર્ણયો લેતી વખતે ઊભી થનાર શૈક્ષણિક અસરોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેમકે, ધારો કે, સરકાર દ્વારા શિક્ષકોની ભરતી થવાની હોય. સરકારે પ્રક્રિયા હાથ ધરી હોય, ત્યાં કોઈ ઉમેદવારને લાગે કે પોતાને અન્યાય થાય છે અને કોર્ટમાં જઈને સ્ટે લઈ આવે છે. આવા સમયે બને છે એવું કે, પછી શિક્ષકોની ભરતીની પ્રક્રિયા જ અટકી પડે છે. કોર્ટનો નિર્ણય ૬-૧૨ મહિને આવે ત્યાં સુધી એક પણ શિક્ષકની ભરતી થતી નથી. ત્યારે વિચારવાનું એ થાય કે, શિક્ષકના અભાવે બાળકોનું શિક્ષણ બગડે છે. તે માટે જવાબદાર કોણ? આવા સંજોગોમાં કોર્ટે કોઈ વચ્ચેનો માર્ગ કાઢવો જોઈએ, જેથી શિક્ષકોની ભરતી થાય અને બાળકોનું શિક્ષણ ના બગડે. અને હા, હવે તો સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય સેલ્ફ્ ફઇનાન્સ કોલેજોને મંજૂર ના હોય તો કેટલાક સંચાલકો નફ્ફ્ટ થઈને કહે છે કે, તમારે જે નિર્ણય લેવો હોય તે લો, અમે કોર્ટમાં જઈને સ્ટે લઇ આવીશું. આવા સંચાલકોને જયારે કોર્ટ સ્ટે આપે છે, ત્યારે શિક્ષણનું અહિત કરવાની તેમની શક્તિ બેવડાય છે. અને કોર્ટ જાણે કે તેમનું કહ્યું કરતી હોય તેમ વર્તે છે. આવી ભ્રમણા તેમના મનમાંથી પણ કાઢવાની જરૂર છે. અહી જણાવેલ વાત ન્યાયાલય સામે કોઈ આરોપ કે આક્ષેપ નથી. પણ એક વ્યક્તિ કે સંસ્થાને ન્યાય આપતી વખતે શૈક્ષણિક રીતે નુકસાન જાય છે તે તરફ ધ્યાન દોરવાનો માત્ર એક સામાજિક નમ્ર પ્રયત્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન