નોટબંધી પછી સામે આવેલી અઘોષિત ઇન્કમ પર અત્યાર સુધી 6,000 કરોડ રૂ.નો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે. બ્લેકમની મામલે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના ઉપાધ્યક્ષ જસ્ટિસ અરિજિત પસાયતે જાણકારી આપીને જણાવ્યું છે કે આગળ જતા ટેક્સ સ્વરૂપે સરકારી ખજાનામાં આવેલી આ રકમમાં સારો એવો વધારો થઈ શકે છે.

SIT ઉપાધ્યક્ષે આ દંડની કુલ રકમનો આંકડો જણાવવાનો ઇનકાર કરી દીધો હતો પણ એટલું જરૂર કહ્યું છે કે આ રકમ ઘણી વધારે હોવાનું અનુમાન છે. અરિજિત પસાયતે જણાવ્યું છે કે નોટબંધી પછી બ્લેકમની વિરૂદ્ધ ચલાવવામાં આવેલા અભિયાનના પહેલા તબક્કામાં 50 લાખ રૂ. અથવા તો એનાથી વધારે રકમ જમા કરનારાઓ પર નજર રાખવામાં આવી હતી. તેમણે જણાવ્યું છે કે આ ડિપોઝીટરોને ઇ-મેઇલ તેમજ એસએમએસ મોકલવામાં આવ્યા હતા જેના પછી અનેક લોકોએ સજાથી બચવા માટે ટેક્સ આપી દેવાનું પસંદ કર્યું હતું.

અરિજિત પસાયતે માહિતી આપી છે કે ઓડિસા જેવા ગરીબ ગણાતા રાજ્યમાં પણ હજારો લોકોને આવા ઇ-મેઇલ તેમજ એસએમએસ મોકલવામાં આવ્યા હતા અને આખા દેશમાંથી 50 લાખ રૂ. જમા કરનારા 1,092 લોકોએ નોટિસનો જવાબ નથી આપ્યો. હકીકતમાં બેંકના ખાતાઓમાં મોટી રકમ જમા કરનાર વેપારીઓ પાસેથી છેલ્લા ત્રણ વર્ષની બેલેન્સ શીટ સાથે દરેક વર્ષના ટેક્સ રિટર્નની વિગતો પણ માગવામાં આવી હતી. આ જમા કરાવેલી દરેક રકમની તપાસ કરવામાં ઇન્કમટેક્સ અધિકારીઓએ ભારે મહેનત કરવી પડી હતી.

નોંધનીય છે કે  8 નવેમ્બર, 2016ના દિવસે બ્લેકમની પર કંટ્રોલ કરવા માટે 500 અને 1000 રૂ.ની નોટ ચલણમાંથી હટાવી દેવામાં આવી હતી. આ નોટબંધી પછી ટેક્સ અધિકારીઓએ એ વ્યક્તિઓ પાસેથી જવાબ માંગ્યો હતો જેમણે પોતાના તેમજ બીજાના એકાઉન્ટમાં મોટી રકમ જમા કરાવી હતી. આમાંથી કેટલાક લોકો પોતાની અઘોષિત આવક પર દંડપેટે 60 ટકા ટેક્સ દેવા માટે તૈયાર થઈ ગયા હતા જે હવે વધીને 75 ટકા થઈ ગઈ છે.