કોઇમ્બતૂરમાં આઠ સ્થળે NIAના ઇસ્લામિક સ્ટેટ પર દરોડા, મોડયૂલ સરગણાની ધરપકડ - Sandesh
  • Home
  • India
  • કોઇમ્બતૂરમાં આઠ સ્થળે NIAના ઇસ્લામિક સ્ટેટ પર દરોડા, મોડયૂલ સરગણાની ધરપકડ

કોઇમ્બતૂરમાં આઠ સ્થળે NIAના ઇસ્લામિક સ્ટેટ પર દરોડા, મોડયૂલ સરગણાની ધરપકડ

 | 3:01 am IST

। ચેન્નઇ ।

ઇસ્ટરના પર્વે શ્રીલંકાના ચર્ચો પર થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ બુધવારે તામિલનાડુના કોઇમ્બતુર ખાતે ઇસ્લામિક સ્ટેટના મોડયુલને શોધી કાઢવાના ઉદ્દેશ્યથી આઠ સ્થળોએ દરોડા પાડયા હતા. એનઆઇએએ આઇએસના એક મોડયુલના સરગણા મોહમ્મદ અઝહરુદ્દિનની અટકાયત કરી છે. મોહમ્મદ અઝહરુદ્દિન શ્રીલંકા બસ્ટના આરોપી ઝહરાન હાશિમથી પ્રભાવિત હતો. બંને વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા વાતચીત થતી હતી. એનઆઇએના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ઇસ્ટર એટેકની તપાસમાં શ્રીલંકન સત્તાવાળાઓ સાથે સંકલન સાધવા એનઆઇએના બે સભ્યોની એક ટીમે કોલંબોની મુલાકાત લીધી હતી. અમે ઇસ્લામિક સ્ટેટના મોડયુલ સામે બે એફઆઇઆર નોંધી છે. આ મુલાકાત શ્રીલંકાને તેની તપાસમાં મદદ કરવા માટે નીં પરંતુ એનઆઇએ દ્વારા એકઠાં કરાયેલા પુરાવા શ્રીલંકાની તપાસમાં મદદરૂપ થશે કે કેમ તે માટે લેવાઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, એનઆઇએની તપાસમાં એવી કોઇ માહિતી છે જે શ્રીલંકાની એજન્સીઓને મદદરૂપ થશે કે કેમ તેની ચકાસણી એનઆઇએ કરી રહી છે. કેરળ અને કોઇમ્બતુર મોડયુલ કેસોમાં મળેલા પુરાવા શ્રીલંકાની એજન્સીઓને અપાશે. કેરળમાંથી મહિલાઓ અને બાળકો સહિત કુલ ૨૧ લોકો ઇસ્લામિક સ્ટેટમાં જોડાવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યા છે. એનઆઇએની તપાસમાં જાણવા મળ્યું છે કે, અશફાક મજીદ નામની વ્યક્તિના નેતૃત્વમાં આ જૂથ અફઘાનિસ્તાન પહોંચતા પહેલાં શ્રીલંકાના જાફના પહોંચ્યું હતું.

કોઇમ્બતૂર કેસમાં એનઆઇએ પાસે મહત્ત્વના પુરાવા છે જે દર્શાવે છે કે, શ્રીલંકા એટેકનો મુખ્ય આરોપી ઝહરાન હાશિમ શ્રીલંકાના ચર્ચોને નિશાન બનાવવાની યોજના ધરાવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન