એક મુસ્લિમ કવિનો કૃષ્ણપ્રેમ - Sandesh

એક મુસ્લિમ કવિનો કૃષ્ણપ્રેમ

 | 2:17 am IST

ટેક ઓફ : શિશિર રામાવત

જનમાષ્ટમીની અસર હજુ હવામાં છે ત્યારે આપણે એક એવી હસ્તીની વાત કરીએ જે મુસ્લિમ હતા છતાંય એમણે કેટલાંય કૃષ્ણકાવ્યો રચ્યાં હતાં. એમનું નામ છે, કાઝી નઝરુલ ઇસ્લામ. આ એ કવિ છે, જેમનું નામ બંગાળમાં રવીન્દ્રનાથ પછી સૌથી વધારે આદરપૂર્વક લેવાય છે. બાંગ્લાદેશના તેઓ રાષ્ટ્રીય કવિ છે. ભારતે એમને પદ્મવિભૂષણ ખિતાબથી નવાજ્યા છે. ૨૦૧૫માં પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં આવેલાં આંડલ નામના શહેરમાં એરપોર્ટ ખુલ્લું મૂકાયું, જેને કાઝી નઝરુલ ઇસ્લામ નામ અપાયું છે.

કાઝી નઝરુલ ઇસ્લામ (જન્મઃ ૧૮૯૯, મૃત્યુઃ ૧૯૭૬)ના નામમાં જ ઇસ્લામ શબ્દ છે, પણ તેઓ સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ હતા. નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ કારમી ગરીબાઈ વચ્ચે એમણે બંગાળ પોતાના જન્મસ્થળ એટલે કે બંગાળસ્થિત ચરૂલિયા ગામની એક મદરેસામાં ફરસી અને અરબીનું પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ઘર અને મદરેસા એમ બંને જગ્યાએ કટ્ટર મુસ્લિમ વાતાવરણ હતું, છતાંય કાઝીમાં કાચી ઉંમરથી જ તમામ ધર્મો પ્રત્યે સમાન ભાવ રાખવાના સ્વયં-સંસ્કાર જાગૃત થઈ ગયાં હતાં. એમણે નાની ઉંમરે જ બંગાળી ભાષામાં રામાયણ અને મહાભારત તેમજ અન્ય ધર્મનાં પુસ્તકો વાંચી નાખ્યાં હતાં.

આઠમા ધોરણ પછી આગળ ભણવાની કોઈ વ્યવસ્થા નહોતી. કાઝી નઝરુલ એક નાટકમંડળીમાં જોડાઈને સામાજિક તેમજ રાજકીય પરિસ્થિતિ પર વ્યંગ કરતાં નાટકો ભજવવા માંડયા. અઢાર વર્ષની ઉંમરે તેઓ ભારતીયો સૈનિકો વડે બનેલા બ્રિટિશ લશ્કરમાં જોડાયા. એ વખતે પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. કાઝીને પહેલાં મિડલ ઇસ્ટ અને પછી કરાંચી મોકલવામાં આવ્યા. કરાંચીની છાવણીમાં એક પંજાબી મૌલવી હતા. એમની પાસેથી કાઝી નઝરુલે ફરસી ભાષા શીખ્યા. કવિ રૂમી, હાફ્ઝિ અને ઉંમર ખય્યામની રચનાઓનો પણ અભ્યાસ કર્યો. એમને ભીતરથી ક્રિયેટિવ ધક્કો લાગ્યો અને તેમણે ખુદ કાવ્યો રચવાનું શરૂ કર્યું. ૧૯૧૯માં એમની પહેલી કવિતા પ્રગટ થઈ. પછીના વર્ષે તેઓ લશ્કરની નોકરી છોડીને કોલકાતા પાછા ર્ફ્યા. અહીંની મુસ્લિમ લિટરરી સોસાયટીના સભ્ય બન્યા. ‘બોધન’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો. પહેલાં જ પુસ્તકે એમને સારી પ્રતિષ્ઠા અપાવી. ૧૯૨૨માં એમણે ‘વિદ્રોહી’ શીર્ષકધારી કાવ્ય લખ્યું, જે એ જમાનાના ‘બિજલી’ નામના સામયિકમાં છપાયું. આ કવિતાને કારણે તેઓ વિદ્રોહી કવિ તરીકે જાણીતા થઈ ગયા ને અંગ્રેજોની નજરમાં આવી ગયા. આ રહી એ બંગાળી કવિતાના અમુક અંશનો (વાયા અંગ્રેજીમાંથી થયેલો) ગુજરાતી ભાવાનુવાદ.:

હું અકથ્ય પીડા છું

હું કુમારિકાનો પહેલો લજ્જાશીલ સ્પર્શ છું

હું પ્રથમ ચુંબનનો કોમળ ઉશ્કેરાટ છું

હું ઢંકાયેલા ચહેરાવાળી પ્રિયતમા પર થયેલો અછડતો દ્રષ્ટિપાત છું

હું પ્રેમિકાની છૂપી નજર છું

હું ધરતીની છાતીમાં ઉકળતો લાવા છું

હું જંગલમાં ભભૂકતો અગ્નિ છું

હું નર્કમાં ઊછળતો ક્રોધનો દરિયો છું

હું મોજથી વીજળીની પાંખો પર સવાર થાઉં છું

હું ચારે બાજુ પીડા અને ભય પ્રસરાવું છું

હું ધરતી પર પ્રકંપ પેદા કરું છું

હું શાશ્વત વિદ્રોહી છું

હું દુનિયાદારીથી પર છું

હું મારું મસ્તક ઉન્નત રાખું છું

ગર્વથી, સ્વતંત્રતાથી, હંમેશાં…!

૧૯૨૨માં જ કાઝી નઝરુલે ‘ધૂમકેતુ’ નામનું સામયિક શરૂ કર્યું. ટાગોરે ખાસ કાઝી માટે અવકાશી ધૂમકેતુ પર એક કાવ્ય લખી આપેલું. ‘ધૂમકેતુ’માં ઉશ્કેરણીજનક લેખો છપાય છે એવા આક્ષેપ કરીને અંગ્રેજ સરકારે એમને જેલભેગા કર્યા. પોતાની સાથે થઈ રહેલા દુર્વ્યવહારનો વિરોધ કરવા એમણે ચાલીસ દિવસ સુધી ભૂખ હડતાળ કરી. કાઝીને આખરે મુક્ત કરવામાં આવ્યા. ભૂખ હડતાળ દરમિયાન એમણે અનેક કાવ્યો રચ્યાં ને સ્વરબદ્ધ પણ કર્યાં.

કાઝી નઝરુલનું વિદ્રોહીપણું ઘણાં સ્તરે વિસ્તરેલું હતું. એ જમાનામાં એમણે પ્રમીલાદેવી નામની હિંદુ યુવતી સાથે લવમેરેજ કર્યાં હતાં. પ્રમીલાદેવી બ્રહ્મોસમાજ સાથે સંકળાયેલાં હતાં. રૂઢિચુસ્ત મુસ્લિમોએ આ લગ્નનો ખૂબ વિરોધ કર્યો, પણ કાઝી નઝરુલને એની શું પરવા હોય! તેઓ ચાર પુત્રોના પિતા બન્યા. દીકરાઓનાં નામ પણ એમણે કેવા પાડયાં – કૃષ્ણમોહમ્મદ, અરિંદમ, સવ્યસાચી અને અનિરુદ્ધ!

કુટુંબ વધે એટલે ખર્ચ પણ વધવાનો. કાઝી નઝરુલ એક ગ્રામોફેન કંપનીમાં જોડાયા. અનેક ગીતો રચીને તેને સંગીતબદ્ધ પણ કર્યાં. આ ગીતો રેડિયો પર પ્રસારિત થતાં. તેઓ ઊગીને ઊભી થઈ રહેલી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયા. ૧૯૩૬માં બનેલી ‘વિદ્યાપતિ’ નામની ફ્લ્મિમાં કાઝી નઝરુલે લખેલાં અને સંગીતબદ્ધ કરેલાં ગીતોનો ઉપયોગ થયો હતો. ટાગોરની ‘ગોરા’ નામની નવલકથા પરથી બનેલી ફ્લ્મિ ઉપરાંત ‘સિરાજ ઉદ્દોલ્લા’ નામની ફ્લ્મિમાં પણ કાઝી નઝરુલનું ગીત-સંગીત હતું.

૧૯૪૦માં કાઝી નઝરુલ પુનઃ પત્રકારત્વ સાથે સંકળાયા. ‘નવયુગ’ નામના દૈનિકના તેઓ ચીફ એડિટર બન્યા. ટાગોર અને કાઝી નઝરુલ વચ્ચે ઉંમરનો ઘણો ર્ફ્ક હતો, પણ એમની વચ્ચે અમુક ધ્યાનાકર્ષક સામ્ય હતું. બંને કવિ. બંને સંગીતના ચાહક. બંનેએ પોતપોતાની આગવી સંગીત શૈલી વિકસાવી – રવીન્દ્ર સંગીત અને નઝરુલ સંગીત. ટાગોર ખુદને કાઝી નઝરુલના ‘ફ્ન’ ગણાવતા.

કાઝીને ટાગોર કૃત ‘ગીતાંજલિ’નાં કાવ્યો કંઠસ્થ હતા. ટાગોરે એમની પ્રશંસા કરતા કહેલું કે, ‘તમારી યાદશક્તિને દાદ દેવી પડે. ‘ગીતાંજલિ’નાં તમામ કાવ્યો તો મને ખુદને કંઠસ્થ નથી!’ ટાગોરે પોતાનું ‘વસંત’ નામનું નૃત્યનાટિકાનું પુસ્તક કાઝી નઝરુલને અર્પણ કર્યું છે. ટાગોરે પોતાના પરિવારની બહારની કોઈ વ્યક્તિને પુસ્તક ડેડિકેટ કર્યું હોય એવો આ પહેલો પ્રસંગ હતો.

અગાઉ નોંધ્યું તેમ કાઝીએ અનેક ભજનોની રચના કરી છે. કૃષ્ણ ઉપરાંત રાધા, શંકર, લક્ષ્મી, સરસ્વતિ જેવાં હિન્દુ દેવદેવીઓની સ્તુતિ કરતાં એમનાં કેટલાંય ભજનો આજે પણ લોકપ્રિય છે. ઇસ્લામમાં અલ્લાહ સિવાય કોઈની બંદગી થઈ શકતી નથી, પણ કાઝી નઝરુલને આ પ્રકારની પાબંદીઓથી હંમેશાં પર રહ્યા. કટ્ટરવાદી મુસ્લિમોને તેઓ એટલે જ આંખના કણાની માફ્ક ખૂંચતા.  ૧૯૪૨માં કાઝી નઝરુલને મોર્બસ પિક નામની વિચિત્ર બીમારી લાગુ પડી. પરિણામે તેઓ વાચા અને સ્મરણશક્તિ બંને ખોઈ બેઠા.

સારવાર માટે એમને છેક ઈંગ્લેન્ડ અને વિએના મોકલવામાં આવ્યા, પણ એની તબિયતમાં કોઈ સુધારો ન થયો. ૩૫ કાવ્યસંગ્રહો, છ નવલકથાઓ, ચાર નિબંધસંગ્રહો, ચાર નાટકો, એક લઘુકથાસંગ્રહ અને અન્ય ભાષામાંથી બંગાળીમાં ભાષાંતરિત કરેલાં કેટલાંક પુસ્તકો – આટલું વિપુલ સર્જન કરનાર કાઝી નઝરુલે જિંદગીનાં અંતિમ ચોવીસેક વર્ષ નિષ્ક્રિયતામાં ગાળવા પડયા એ કેટલી મોટી કરૂણતા! ૧૯૭૧માં બાંગ્લાદેશ સ્વતંત્ર દેશ બન્યો પછી કાઝી નઝરુલને રાષ્ટ્રીય કવિ ઘોષિત કરવામાં આવ્યા. એમણે રચેલા ગીત ‘ચલ મન ચલ’ને બાંગ્લાદેશના યુદ્ધગીતનો દરજ્જો આપવામાં આવ્યો. આ બધું કાઝી નઝરુલની હયાતીમાં જ બન્યું, પણ કિસ્મતની કઠણાઈ જુઓ કે એમને ખબર જ નહોતી કે એમને કેવા કેવા માન-સન્માન મળી રહ્યાં છે!

૨૦ ઓગસ્ટ ૧૯૭૬ના રોજ કાઝી નઝરુલ ઇસ્લામનું નિધન થયું. બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં એમના નામની કેટલીય સ્કૂલો અને કોલેજો બંધાઈ છે. કેટલાય રસ્તાઓને એમનું નામ આપવામાં આવ્યું છે. ૨૦૧૫માં પશ્ચિમ બંગાળના આંડલ નામના શહેરમાં કાઝી નઝરુલ ઇસ્લામના નામનું એરપોર્ટ ખુલ્લું મૂકાયું હતું..

ખરેખર, કાઝી નઝરુલ ઇસ્લામ જેવા ધર્મનિરપેક્ષ બૌદ્ધિકોની આજે તાતી જરૂર છે…

[email protected]