ચૂંટણી પંચ હવે યાદીમાંથી આપમેળે મતદારોના નામની બાદબાકી નહીં કરે - Sandesh
  • Home
  • Ahmedabad
  • ચૂંટણી પંચ હવે યાદીમાંથી આપમેળે મતદારોના નામની બાદબાકી નહીં કરે

ચૂંટણી પંચ હવે યાદીમાંથી આપમેળે મતદારોના નામની બાદબાકી નહીં કરે

 | 3:28 am IST

અમદાવાદ, તા. ૨૦

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચનું ગુજરાત એકમ સક્રિય બન્યું છે. આગામી જુલાઈ માસમાં મતદાર યાદીમાં નામ કમી તો નથી તે સંદર્ભે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. એટલું જ નહિ પરંતુ આ વખતે ચૂંટણી પંચ આપમેળે મતદારોના નામ ડિલીટ નહિ કરે. જે તે મતદારનું નામ કમી કરવા સામેથી અરજી આવશે તેવા કિસ્સામાં યોગ્ય પ્રક્રિયા અનુસરીને નામ કમી કરવામાં આવશે. આ ડિલીટ મતદારોની યાદી ચૂંટણી સમયે રાજકીય પક્ષોને પણ આપવામાં આવશે તેમ ચૂંટણી પંચના સૂત્રો જણાવી રહ્યા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમના સૂત્રો કહે છે કે, ચૂંટણી પંચ આપમેળે મતદારોના નામ ડિલીટ કરવાની કાર્યવાહી નહિ કરે. હમણાં સુધી એવું હતું કે, ડોર ટુ ડોર સર્વેમાં મતદારો ન મળી આવે તો તેમના નામ કમી થતાં હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે મતદારોના નામ ડિલીટ થયાનું બહાર આવતાં હોબાળો મચ્યો હતો. આ વખતે ચૂંટણી પંચ યુવાઓ, મહિલાઓનું વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ ઝુંબેશ ચલાવશે. ગુજરાતમાં આશરે ૪૦ હજાર વિકલાંગ મતદારો છે, ચૂંટણી સમયે મતદાન કરવામાં તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે ચૂંટણી પંચના વોલન્ટીયર્સને ખડેપગે તહેનાત કરાશે. હાલની સ્થિતિએ ગુજરાતમાં કુલ વસતિ ૬.૭૩ કરોડ થવા જાય છે, તેમાં મતદારોની સંખ્યા ૪.૨૭ કરોડ છે. છેલ્લે જાન્યુઆરી સુધીમાં મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ ત્યારે ૮ લાખ મતદારોનો ઉમેરો થયો હતો. પંચને આશા છે કે હજુ ૮થી ૧૦ લાખ યુવા મતદારોનો ઉમેરો થઈ શકે તેમ છે. અત્યારે ૯૯.૯૧ ટકા મતદારો મતદાન ઓળખ કાર્ડ ધરાવે છે. જૂજ કિસ્સામાં જ મતદાર ઓળખ કાર્ડ બાકી છે.

;