ચૂંટણીવચનોનાં પાલનની કાનૂની કે બંધારણીય વ્યવસ્થા જરૂરી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ચૂંટણીવચનોનાં પાલનની કાનૂની કે બંધારણીય વ્યવસ્થા જરૂરી

ચૂંટણીવચનોનાં પાલનની કાનૂની કે બંધારણીય વ્યવસ્થા જરૂરી

 | 1:34 am IST
  • Share

ઘટના અને ઘટન  :- મણિલાલ એમ. પટેલ

ચૂંટણી જીતવા માટે ઉમેદવાર હોય કે રાજકીય પક્ષ પણ તે જીભનો છૂટો, પગનો છૂટો ને ગજવાનો છૂટો હોવો જરૂરી છે. જીભનો છૂટો એટલે કે લોકોને ભરમાવી શકે તેવાં ભડકાઉં ભાષણો કશા હિચકિચાટ વિના કરી શકે તેવો, પગનો છૂટો એટલે કે વાહનોની તંગી ન હોય તેવો, ને ગજવાનો છૂટો એટલે કે નાણાકીય રીતે સમૃદ્ધ હોવો જોઈએ. વચનો આપવામાં જરાયે ગરીબ ન હોવો જોઈએ. આ વાતો ઉમેદવારોને લાગું પડે છે તેટલીજ રાજકીય પક્ષોને પણ લાગુ પડે છે. ઉમેદવારો વ્યક્તિગત રીતે નાણાં કોથળી છૂટી મૂકી શકે તેવા તો રાજકીયપક્ષો પણ ભંડોળની રીતે સમૃદ્ધ હોવો જોઈએ.

આ બંનેની વચ્ચે ત્રીજી વાત સરકારી અર્થતંત્રની છે. ચૂંટાયા પછી સરકારી નાણાંની વ્યક્તિગત કેવી લહાણી કરાશે તેની હવે રીતસરની હરીફાઈ દેશના રાજકીયપક્ષો વચ્ચે જામી છે. ઢંઢેરા યા સંકલ્પપત્રોમાં રાજકીયપક્ષો જે વચનો આપે છે તેની પાછળ સરકારી તિજોરી પર કેટલો બોજો પડશે તેનો ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષ વિચાર કરે છે. જીતવાનો ન હોય. તેવો ઉમેદવાર કે પક્ષ બેફામ વચનો આપે તે સમજી શકાય પણ સત્તામાં આવવાનો હોય તેવો પક્ષ આર્થિક બોજના હિસાબ વિના બેફામ વચનો આપે તે દેશના અહિતમાં છે. જનતા સરકાર સમયે નિમાયેલ ચૂંટણી ઢંઢેરા સમિતિએ આપેલ કેટલાક વચનો મોરારજી દેસાઈએ એમ કહીને કઢાવી નખાવ્યા હતા કે, આવા વચનો પાળી શકાય તેવાં નથી. પાળી શકાય હોય તેવાં જ વચનો આપવા જોઈએ. વળી, અર્થતંત્રનો પણ વિચાર કરવો જોઈએ.

દક્ષિણ ભારતના રાજ્યોમાં રાજકીય પક્ષો આંખો મીંચીને વચનો આપે છે. આવા મોટાભાગના વચનો એક યા બીજી રીતે રોકડમાં વિવિધ યોજનાની સહાય ચૂકવવા સ્વરૂપનાં હોય છે. આવાં વચનો આપતાં પહેલાં કોઈપણ વધતા સરકારી ખર્ચ કે તેના પર નિયંત્રણની વાતો ભૂલી જાય છે ને માત્ર વધુ મત કેવી રીતે મળે તેનો જ વિચાર કરે છે. ભૂતકાળમાં તામિલનાડુમાં કરુણાનિધિ ને જયલલિતાએ ગાય કે બકરીનું દાન આપવાનું વચન આપ્યું હતું. તો ઉ. પ્રદેશમાં અખિલેશ યાદવે સાઇકલ ને લેપટોપ આપવાની જાહેરાત કરી હતી. તામિલનાડુમાં તો ટી.વી. સેટ આપવાનું પણ વચન અપાયું હતું. હવે વિવિધ યોજના સ્વરૂપે રોકડ રકમ ટ્રાન્સફર કરવાનું યા ચૂકવવાનું વચન આપવામાં આવે છે.

રાજકીયપક્ષોની આવી બેફામ લહાણી પર જાણે વ્યંગ કરતો હોય તેમ તામિલનાડુનો એક અપક્ષ ઉમેદવાર કે જેની પાસે હાથ પર રૂ. દસ હજાર ને ખાતામાં બે હજાર રૂપિયા છે  ને ચૂંટણી લડવા રૂ. ૧૦ હજારની લોન લીધી છે તેણે જે વચનો આપ્યા છે તે રમૂજ ઊપજાવે તેવાં છે, પણ તેના વચનોમાં આજના રાજકીયપક્ષો પર ભારે કટાક્ષ ભારોભાર જણાઈ આવે છે. તેણે કહ્યું છે કે, તે દરેકને નાનું હેલિકોપ્ટર, ૧ કરોડની વાર્ષિક બેન્ક ડિપોઝિટ, ત્રણ માળનું મકાન, ૧૦૦ દિવસ ચંદ્રનો પ્રવાસ, ફ્રી આઇફોન, લગ્ન સમયે દાગીના, ગૃહિણીઓને કામનો બોજો ઘટાડવા રોબેટ, દરેક પરિવારને એક બોટ જેવાં અનેક વચનોની લાંબીલચ યાદી છે. તેણે ૩૦૦ ફૂટ ઊંચા કૃત્રિમ બરફાચ્છાદિત પહાડો બનાવીને વાતાવરણ ઠંડું રાખવાની યોજનાનું પણ વચન આપ્યું છે. ચૂંટણીના ઇતિહાસમાં આ વચનો ઐતિહાસિક છે ને વર્તમાન ચૂંટણી પ્રથા પર વ્યંગ સાથે વિનોદ ને વ્યથા રજૂ કરે તેવાં છે.

આપણા મોટાભાગના રાજકીયપક્ષો પણ જાણે કયા વચનો પાળવા માટે હોય છે તેમ સમજીને વચનો આપતા હોય છે. ભલે આવા વચનો ઉમેદવારનાં વ્યક્તિગત હોય કે પક્ષનાં પણ અંતે એ લોકશાહીમાં એક પ્રકારની જાહેર લાંચ જ છે ને લોકો વ્યક્તિગત લાભ માટે આવાં લોભામણાં વચનોમાં ફસાઈને મત પણ આપતાં હોય છે. પરિણામે ખોટા ઉમેદવારોને પક્ષો ચૂંટાઈ આવવાની શક્યતાઓ વધી જાય છે. જે દેશ કે લોકશાહીને ભારે નુકસાન પહોંચાડે છે.

કોઈ પક્ષો શુદ્ધ હવા કે પીવાલાયક પાણી પ્રજાને પૂરું પાડવામાં આવશે તેવું વચન આપતો નથી અને પ્રજાને પણ આવા વચનોમાં ખાસ રસ હોતો નથી. પ્રદૂષિત હવા યા પ્રદૂષિત પાણી આજે મોટાભાગની બીમારીઓના મૂળમાં છે. કુદરતી સંપત્તિ ખનીજો, જળ, જમીન કે જંગલોના પર્યાવરણના બચાવ માટે કોઈ પક્ષ વચન આપતો નથી. બધા પક્ષો કેટલા લાખ કે કરોડ લોકોને રોજી આપશે તેવું વચન દર ચૂંટણીમાં આપે છે પણ આવી લાખો રોજીની તકો કેવી રીતે ઊભી કરશે તે કોઈ કહેતું નથી. અનેક રીતે રોકડ સહાય યા દેવા નાબૂદીનાં વચન અપાય છે પણ તેની કેવી માઠી અસર દેશના અર્થતંત્ર પર પડશે તેની વાત નથી કોઈ પક્ષ કરતો કે નથી પ્રજાને તે જાણવા સમજવામાં કોઈ રસ કે રુચિ !

ચૂંટાયેલા પ્રતિનિધિ હોવું એ જાણે ઉચ્ચ સરકારીની નોકરી જેવું બની ગયું છે. અનેક સગવડોને વિશેષાધિકારો, પગાર, ભથ્થાં, મુસાફરી, બીમારી ખર્ચ તથા કોર્પોરેટર, ધારાસભ્ય ને સાંસદનિધિના કરોડો રૂપિયા ચૂંટાયેલા પ્રતિનિધિને વિકાસકાર્યો માટે મળે છે. ટર્મ પૂરી થતાં પાછું પેન્શન નફામાં. કોઈપણ પ્રકારની ડિગ્રીની લાયકાત વિના આટલા બધા લાભો કોઈ નોકરિયાતને મળે છે ખરા ? એટલે જ ઉમેદવારોની પસંદગીથી માડીને પ્રધાન બન્યા સુધી લાઈનો લાગે છે. કશા વિશેષ યા ઝાઝા મૂડીરોકાણ વિનાનો આ એક જ સારો નફાકારક ધંધો બચ્યો છે તેમ લોકોને લાગે છે.

છેલ્લા થોડાક વર્ષોથી એક નવી રીત વચનોની શરૂ થઈ છે ને તે છે દેશના મહિલા મતદારોને વધુ આકર્ષવાની. રાજકીયપક્ષો એમ માનવા લાગ્યા છે કે મહિલાઓ જલદી લોભામણી લાલચોમાં ફસાઈને મત આપે છે ને તેમની સંખ્યા અડધી છે, એટલે દરેક પક્ષોના ઢંઢેરામાં મહિલાઓ માટે ખાસ વિશિષ્ટ જાહેરાતો હોય છે. જેમાં મફતપ્રવાસ, સસ્તાભાવે જરૂરી ચીજો, માસિક રોકડ રકમ, પેન્શન મહિલાઓની લોન માફી જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.

જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યાં ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં વિવિધ ધર્મના ધાર્મિક સ્થાનો ને મદદરૂપ થવાનાં નવા વચનો જોવા મળે છે. ધર્મગુરુઓને વેતન, પેન્શનવૃદ્ધિ, ધાર્મિક મહોત્સવોનું આયોજન, ધાર્મિક સ્થળોનું સમારકામ ને વહીવટ જેવા અનેક ધાર્મિક વચનો પણ વધતાં જોવા મળે છે.

મૂળ વાત તો ચૂંટણીઓ સમયે અપાયેલા વચનોના પાલન ને અમલની છે. જો દરેક ચૂંટણીઓ સમયે અપાયેલા વચનો પૂરેપૂરા પળાયાં હોત તો દેશની પ્રજા પાયાની જરૂરિયાતોથી આટલી વંચિત ન હોત. આઝાદીનો અમૃત મહોત્સવ આવી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોએ આપેલાં વચનોના પાલન અંગેની પણ બંધારણીય નિગરાનીની જોગવાઈ થાય તે જરૂરી છે. પ્રજા તો પાંચ વર્ષમાં બધુ ભૂલી જાય છે, ક્યાંક વચન આપનાર પક્ષ કે સરકાર પણ બદલાઈ જતી હોય છે.

વિધાનગૃહોમાં અપાતી ખાતરીઓના અમલ માટે એક ખાતરી સમિતિ હોય છે. જાહેરહિસાબી સમિતિના ને કેગના રિપોર્ટ પણ આવે છે. કેગના રિપોર્ટને કોઈ સરકારો ગંભીરતાથી લેતી નથી. સત્રના છેલ્લા દિવસે ગૃહના ટેબલ પર મુકાય છે તેની કોઈ ગંભીર ચર્ચા ગૃહમાં થતી નથી. ને ચર્ચામાં સત્તા, વિપક્ષ કે પ્રજા કોઈને કશો રસ હોતો નથી. આવા સમયે વચનપાલન માટે બંધારણીય જોગવાઈ આઝાદીના અમૃતપર્વમાં થાય તે આવશ્યક છે.

કોઈ રાજકીયપક્ષે કોરોનાની મોટી રાષ્ટ્રીય બીમારીમાં વિનામૂલ્યે માસ્ક આપવાનું વચન આપ્યું નથી ! તે બહુ નવાઈની વાત કહેવાય !

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન