NIFTY 10,093.05 +87.00  |  SENSEX 32,158.66 +276.50  |  USD 64.0350 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ચૂંટણી જીત્યા તો લોન માફ, નહીં તો બોલ્યા બોલ્યા ફોક

ચૂંટણી જીત્યા તો લોન માફ, નહીં તો બોલ્યા બોલ્યા ફોક

 | 2:19 am IST

એગ્રો વર્લ્ડ : – કરણ રાજપૂત

ખેડૂતોનાં દેવાં માફ… વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં આ મુદ્દો રાષ્ટ્રીય બને તો નવાઇ નહીં. રાજ્યોમાં ચૂંટણી જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ હોય કે પ્રાદેશિક પક્ષો, ગ્રામ્યક્ષેત્ર પર મજબૂત પક્કડ ધરાવતા ખેડૂતોની વોટબેન્ક હસ્તગત કરવા માટે ચૂંટણી ઢંઢેરામાં આ મામલાને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. પાર્ટીઓને પણ ખબર છે કે ખિસ્સાંના થોડા આપવાના છે. ચૂંટણીમાં જીત્યા તો રાજ્યનાં ભંડોળમાંથી જોગવાઇ કરવાની, નહીં તો બોલ્યા બોલ્યા ફોક… વર્ષ ૨૦૧૭થી લઇને ૨૦૧૯ સુધીમાં ૧૪ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પૈકી પાંચ રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ ઢંઢેરામાં જાહેર કરેલાં વચનો પાળવા ઉત્તર પ્રદેશમાં ભાજપને અને કોંગ્રેસને પંજાબમાં ભારે પડી શકે છે. વર્ષ ૨૦૧૮માં તો ૭ રાજ્યોમાં વિધાનસભાની અને વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી છે.

રાજ્યોની ચૂંટણીમાં ખેડૂતો અને ખેતી એ સૌથી મહત્ત્વનો એજન્ડા બનતો જાય છે. સૌથી સોફ્ટ ટાર્ગેટ ગરીબો અને ખેડૂતો હોય છે. આ વર્ષે ખેડૂતોનું દેવાં-માફી યોજના એ હોટ ટોપિક છે. ગ્રામ્યક્ષેત્રમાં પક્કડ મેળવવી હોય તો ખેડૂતોની નારાજગી એક પણ પક્ષને પોસાય તેમ નથી. દેશમાં કૃષિક્ષેત્રના વિકાસ વચ્ચે પણ હજુ ખેડૂતો દેવાદાર અને પાયમાલ હોવાના આ ચૂંટણી ઢંઢેરા પોલ ખોલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ૧.૩૬ લાખ કરોડ ખેડૂતોના માથે રૂ. ૧.૪૨ લાખ કરોડનું દેવું છે. જેમાં મુદત પૂરી થઈ ગઈ હોય તેવી લોનની રકમ રૂ. ૩૧,૦૫૭ કરોડ છે અને લોનમાફી માટે સરકારે રૂ. ૩૦,૫૦૦ કરોડની જોગવાઇ કરવી પડે. મહારાષ્ટ્ર સરકાર ખુદ રૂ. ૪ લાખ કરોડનાં દેવાંના બોજ તળે દબાયેલી છે. મહારાષ્ટ્રની જેમ જ ઉત્તર પ્રદેશ અને પંજાબની સ્થિતિ બદ્હાલ છે. આમ છતાં રાજકીય પક્ષો વચનો આપવામાં પાછીપાની કરતા નથી. હવે નાણામંત્રાલયે ખેડૂતોનાં દેવાં-માફીની યોજના હેઠળ કૃષિમંત્રાલય અને રાજ્યોને સાથે રાખી બેઠકો શરૂ કરી છે.

ખેડૂતોનાં દેવાં માફની યોજના બાબતે સ્ટેટ બેન્કના ચેરમેને સરકારની યોજનાથી ધિરાણ લેનાર અને બેન્ક વચ્ચે અનુસાશનનો તાલમેલ બગડતો હોવાનું જણાવ્યું છે પણ તેમણે યાદ રાખવું જોઇએ કે, દેશની જાહેરક્ષેત્રની એનપીએનો આંક રૂપિયા ૬ લાખ કરોડે એમ જ નથી પહોંચ્યો. ખેડૂતોની લોનમાફી માટે હવે દરેક રાજકીય પક્ષ માગણી કરી રહ્યો છે. ખેડૂતોને દર વર્ષે બજેટમાં રૂ. ૯થી ૧૦ લાખ કરોડનું સસ્તા વ્યાજે ધિરાણ અપાય છે. આ ધિરાણ ખેડૂતોને ૪ ટકાના દરે મળે છે. ૩ ટકા વ્યાજમાફી એ કેન્દ્ર સરકાર ભોગવે છે. જે માટે બજેટમાં રૂપિયા ૧૫,૦૦૦ કરોડની જોગવાઈ કરાય છે. ગુજરાતમાં તો આ વર્ષે બજેટમાં ખેડૂતો માટે ૩ ટકા વધારાની ઋણમાફી અપાતાં ગુજરાતમાં તો એક ટકાના દરે ખેડૂતોને ધિરાણ મળશે. આમ ખેડૂતો વધુને વધુ ધિરાણ લેવા પ્રેરાશે. લોનમાફી એ જનતાદળ સરકારની ઊપજ છે. વર્ષ ૧૯૮૯માં આ સરકારે ૬,૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. વર્ષ ૨૦૦૮માં યુપીએ સરકારે ૭૧,૬૦૦ કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું હતું.

નેશનલ સેમ્પલ સરવેના રિપોર્ટ અનુસાર તો દેશના ૯ કરોડ ખેડૂત પરિવારમાં ૫૨ ટકા ખેડૂત પરિવારો દેવાદાર છે. ૨૦૦૩ના રિપોર્ટમાં આ સંખ્યા ૪૮.૬ અને ૧૯૯૧ના રિપોર્ટમાં દેવાદાર પરિવારોની ટકાવારી ૨૬ ટકા હતી. છેલ્લા બે દાયકામાં દેવાદાર ખેડૂત પરિવારની સંખ્યા બે ગણી વધી છે. આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તામિલનાડુમાં ૮૦થી ૯૦ ટકા પરિવારો દેવાના બોજ તળે દબાયેલા છે. કેરળ, આંધ્ર પ્રદેશ અને પંજાબમાં તો ખેડૂત પરિવાર પર સરેરાશ સવા લાખથી સવા બે લાખ રૂપિયાનું દેવું છે. આમ પોણા પાંચ કરોડ પરિવારો દેવાના બોજ તળે દબાયેલા છે. શું સરકાર તમામનાં દેવાં માફ કરશે. દેશના ૯ કરોડ ખેડૂત પરિવાર પૈકી સવા છ કરોડ ખેડૂતો પાસે એક હેક્ટરથી પણ ઓછી જમીન છે. જેમના માટે જમીન એ જ બોજ છે. એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને માથે સરેરાશ ૩૧,૧૦૦ રૂપિયા અને ૧૦ હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતના માથે લગભગ ૨.૯૦ લાખ રૂપિયા દેવું છે.

ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. દેશમાં વર્ષ ૨૦૧૮માં મધ્ય પ્રદેશ, ગુજરાત, નાગાલેન્ડ, કર્ણાટક, મેઘાલય, હિમાચલ, ત્રિપુરા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણી છે અને ૨૦૧૯માં લોકસભા. સરકારો ચૂંટણી ઢંઢેરામાં લોનમાફીની યોજનાઓનો અમલ કરવા લાગી તો વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દેશભરના ખેડૂતોની લોનમાફીનો મહત્ત્વનો એજન્ડા રાજકીય પક્ષો દ્વારા જાહેર થાય તો નવાઇ ન પામતાં. લોકસભાની ચૂંટણી પૂર્વે આ એક પ્લોટ તો નથી ઘ.ડાઈ રહ્યો?