મહાનુભાવ : સામાન્ય માનવીના સર્જક સત્યજિત રે - Sandesh
  • Home
  • Featured
  • મહાનુભાવ : સામાન્ય માનવીના સર્જક સત્યજિત રે

મહાનુભાવ : સામાન્ય માનવીના સર્જક સત્યજિત રે

 | 1:00 pm IST

૨૦મી સદીના મહાન ફિલ્મસર્જકમાં જેમની ગણના થાય તેવા નિર્દેશક સત્યજિત રેનો જન્મ ૨જી મે, ૧૯૨૧ના રોજ કલા અને સાહિત્યના જગત એવા ભારતના કલકત્તા શહેર ખાતે થયો હતો. બંગાળી પરિવારમાં જન્મેલા સત્યજિત રેએ અભ્યાસ પ્રેસિડન્સી કોલેજ અને વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાંથી પૂર્ણ કર્યો હતો. કારકિર્દીની શરૃઆત તેમણે ચિત્રકાર તરીકે કરી હતી. લંડનના પ્રવાસ દરમિયાન તેમણે ઇટાલીના ડિરેક્ટર વિટોરિયો દ સિકાની ફિલ્મ બાયસિકલ થીવ્સ જોઈ. ફિક્શનની દુનિયાથી વાસ્તવિક જગતમાં લઈ આવતી બાયસિકલ થીવ્સ ફિલ્મ સત્યજિત રેને સ્પર્શી ગઈ. આ ફિલ્મનું આકર્ષણ તેમને ફિલ્મનું સર્જન કરવા તરફ દોરી ગયું અને ભારતને એક મહાન ફિલ્મસર્જક મળ્યા. માનવ સંવેદનાને આબેહૂબ ફિલ્મના કેમેરામાં કેદ કરનાર એવા બંગાળી સર્જક સત્યજિત રેના જીવન કવન અંગે જાણીએ…

  • સત્યજિત રેના દાદા ઉપેન્દ્રકિશોર રે ચૌધરી લેખક, ચિત્રકાર, પ્રકાશક અને ખગોળશાસ્ત્રી હતા. તેમના દીકરા અને સત્યજિત રેના પિતા સુકુમાર રેએે તેમનાથી તદ્દન જુદા ક્ષેત્રમાં નામ કમાવ્યું. સુકુમાર રેએે બંગાળી ભાષામાં હાસ્ય અને મનોરંજન આપતી કવિતાઓ લખી, સાથે તેઓ ચિત્રકાર અને આલોચક પણ હતા.
  • સત્યજિત રેએ માત્ર ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેમણે અભ્યાસ અર્થશાસ્ત્ર વિષય સાથે કર્યો હતો, પણ તેમની રુચિ હંમેશાં લલિતકળાઓમાં જ રહી હતી.
  • સત્યજિત રેએે તેમના જીવનકાળમાં ૩૭ ફિલ્મોનું નિર્દેશન કર્યું. જેમાં ફિચર ફિલ્મ, વૃત્તચિત્ર અને શોર્ટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમની પ્રથમ ફિલ્મ ‘પાથેર પાંચાલી’ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વોત્તમ માનવીય પ્રલેખ પુરસ્કાર સહિત બીજા ૧૧ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.
  • સત્યજિત રે ફિલ્મના નિર્દેશનની સાથે ફિલ્મ સંબંધી બીજાં કેટલાંય કામો પણ જાતે કરતા હતા. જેમ કે, પટકથાલેખન, પાર્શ્વ સંગીત લખાણ, સંપાદન અને ફિલ્મના શોટનાં ચિત્રો પણ તેઓ તૈયાર કરતા હતા.
  • સત્યજિત રે ફિલ્મ બનાવવા ઉપરાંત સારા પ્રકાશક, ચિત્રકાર અને ફિલ્મ આલોચક પણ હતા. તેમને જીવનમાં અનેક પુરસ્કાર મળ્યા હતા. જેમાં એકેડેમી માનદ પુરસ્કાર અને ભારતરત્નનો પણ સમાવેશ થાય છે.
  • સત્યજિત રેએ તેમની ફિલ્મો દ્વારા ભારતીય સિનેમાને વિશ્વસ્તરે ઓળખ અપાવી હતી. તેમાં પણ બંગાળી સિનેમા માટે તેઓ એક સાંસ્કૃતિક પ્રતીક સમાન છે. બંગાળી સિનેમા પર સત્યજિત રેએ એક અમીટ છાપ મૂકી છે.