લાગણીઓનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું શાસ્ત્ર - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • લાગણીઓનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું શાસ્ત્ર

લાગણીઓનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવાનું શાસ્ત્ર

 | 4:37 am IST

તડકભડકઃ સૌરભ શાહ

સજ્જાદ હુસેન હિંદી ફિલ્મ સંગીતક્ષેત્રે એક અતિ તેજસ્વી સંગીતકાર. નૌશાદ, મદનમોહન કે શંકર-જયકિશનની કક્ષાના. ખુદ લતા મંગેશકર પણ સજ્જાદ હુસૈન માટે રેકોર્ડિંગ કરવા મળે એને એક લહાવો માનતાં અને એમના માટે રિહર્સલ કરતી વખતે ડરતાં, કયાંક ભૂલ ન થઈ જાય. આજે કોણ યાદ કરે છે સજ્જાદ હુસૈનને? કેટલા યાદ કરે છે આટલી વિરાટ પ્રતિભાને? શું કામ ભૂંસાઈ ગયું એમનું નામ?

ફિલ્મ સંગીતના ક્ષેત્રે કે અન્ય કોઈપણ ક્ષેત્રે હુંસાતું સી, પોલિટિક્સ, ફેવરિટિઝમ, મસ્કાબાજી ઈત્યાદિ બધું જ વત્તે ઓછે અંશે ચાલવાનું. પણ આ બધા પછી પણ જેનામાં રિયલ ટેલન્ટ હોય એવી વ્યક્તિની પ્રતિભા વહેલી મોડી ઊભરી આવ્યા વિના રહે નહીં. સજ્જાદ હુસૈનની પ્રતિભા પણ સૌની નજરમાં રેક્ગ્નાઈઝ તો થઈ પણ આ ક્ષેત્રમાં તેઓ લાંબું ટકી શક્યા નહીં, એમને બીજા સંગીતકારો જેટલું કામ મળ્યું નહીં. આનું શું કારણ? સજ્જાદ હુસૈન જેવું આપણા સૌની જિંદગીમાં થતું આપણે જોયું છે. આપણી સાથે કે આપણી આસપાસના લોકો સાથે. ટેલન્ટ ખૂબ હોય પણ માણસ ઉપર ન આવે. લોકો એના કામને વખાણે પણ કોઈક કારણસર લોકો એનાથી દૂર રહે. એને વધારે કામ ન આપે. દુન્યવી સફળતાના તમામ માપદંડ એનાથી છેટા રહે- પૈસો, પ્રસિદ્ધિ, માનપાન, સત્તા, વગ, સંબંધો બધું જ. આવું થાય ત્યારે આપણે દોષનો ટોપલો એ ક્ષેત્રના પોલિટિક્સ હુંસાતુંસી વગેરે પર ઢોળી દેતા હોઈએ છીએ. કયાં તો પછી નસીબનો વાંક કાઢીએ છીએ. શું આ વાત સાચી હશે? ના. અંબાણી, બચ્ચન, તેન્ડુલકર કે પછી મોદી માત્ર નસીબના જોરે ઉપર નથી આવ્યા અને પોલિટિક્સ, હુંસાતુંસી, ફેવરિટિઝમ, ચમચાગીરીથી પણ ઉપર નથી આવ્યા. તો પછી કેવી રીતે ઉપર આવ્યા? શું આ બધા જેટલી ટેલન્ટ આ ક્ષેત્રોમાં બીજા કોઈની પાસે નહીં હોય? બીજા લોકોએ પણ એમના જેટલી મહેનત નહીં કરી હોય? કામ પ્રત્યેની નિષ્ઠા નહીં દેખાડી હોય? જરૂર દેખાડી હશે અને બીજાઓમાં એમના કરતાં વધુ ટેલન્ટ પણ હશે. તો પછી માણસમાં કઈ વાતની કમી રહી જાય છે જેને કારણે એ મુઠ્ઠી ઊંચેરો બનીને બચ્ચન, તેન્ડુલકર વગેરે બની શક્તો નથી? જબરજસ્ત ટેલન્ટ હોય, ખૂબ હાર્ડવર્ક કરતા હોઈએ અને પોતાના કામ માટેની નિષ્ઠામાં જરા સરખી કચાશ ન હોય એવી વ્યક્તિઓના સ્વભાવમાં એક વાત ખૂટતી હોય છે અને તે છે ઈમોશનલ ઈન્ટેલિજન્સ. આ જ વાત ઘૂંટી ઘૂંટીને કહેવી છે, સવિસ્તર સમજાવવી છે.

સજ્જાદ હુસૈનના સ્વભાવની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ ટીકા થતી. એમને કોઈની સાથે બનતું નહીં. બહુ ઓછી ફિલ્મોમાં એમણે સંગીત આપ્યું. પાછલાં વર્ષોમાં તો કામ મળતું પણ નહીં. કોઈ ગાયક રેકોડિંર્ગ વખતે ભૂલ કરે ત્યારે એનો ઉધડો લઈ નાખતા સજ્જાદ હુસૈન લતાજીને પણ અપમાનિત કરીને ખખડાવી નાખતા. આમાં પાયામાં તો સજ્જાદ હુસૈનનો સંગીત માટેનો પ્રેમ અને પરફેકશનનો આગ્રહ જ કારણભૂત હતાં, કોઈનાય માટે દ્રેષભાવ નહોતો એમને, પણ સ્વભાવ થઈ ગયેલો આવો. (રાહુલ દેવ બર્મન માત્ર ખોંખારો ખાઈને ગાયકને ઈશારો કરતા એવું આશા ભોસલેએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે અને કવિતા કૃષ્ણમૂર્તિ એ કહ્યું છે કે પંચમ દૂરથી સૂચના આપવાને બદલે ગાયકના બુથમાં આવીને ધીમેથી સમજાવતા કે આમ નહીં, આમ ગાવાનું છે.) ૧૯૯૦ના દાયકામાં સજ્જાદ હુસૈનનું મૃત્યુ થયું. આ જીવન ન કામની દ્રષ્ટિએ, ન નામની દ્રષ્ટિએ, કે ન દામની દ્રષ્ટિએ, એમને જે મળવું જોઈતું હતું તેનાથી તેઓ વંચિત રહ્યા.

દરેક ક્ષેત્રમાં આવા સજ્જાદ હુસૈન તમને જોવા મળે જેઓ પોતાના ક્ષેત્રમાં ટેલન્ટની દ્રષ્ટિએ મહારથી હોય પણ પછી ત્યાં જ પૂર્ણવિરામ આવી જતું હોય. એમના સ્વભાવને કારણે અથવા વધુ ચોકસાઈપૂર્વક કહીએ તો એમની એટિટયુડને લીધે અર્થાત્ જીવન પ્રત્યેના એમના અભિગમને કારણે, જીવનને જોવાની દ્રષ્ટિને કારણે એમનામાં રહેલી તેજસ્વીતાને બહાર આવવાની તક મળતી નથી, મળે છે તોે બહુ ઓછી મળે છે. અનેક નાટયદિગ્દર્શકો, પત્રકારો, સાહિત્યકારો, સંગીતકારો, ગાયકો અને શિક્ષકોથી માંડીને બિઝનેસમેન, મેન્યુફેકચરર તથા ટ્રેડર અને દલાલો કે બ્રોકરોથી લઈને ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટરો, આર્િકટેક્ચર સુધીના તમામ વ્યવસાય કે (ધંધા-કામકાજના ક્ષેત્રોમાંની આવી વ્યક્તિઓનાં નામ તમને યાદ આવશે. તમને ખબર હોય કે એ વ્યક્તિમાં ખૂબ ટેલન્ટ છે પણ એને યોગ્ય રેક્ગ્નિશન મળતું નથી. રેક્ગ્નિશન એટલા માટે નથી મળતું કે એની ટેલન્ટ ખૂબ બધા લોકો સુધી પહોંચતી નથી. એવી તક એમને મળતી નથી. કોઈ એમને એવી તક આપવા તૈયાર નથી. એ પોતે જે શરતે તક મેળવવા માંગે છે બે શરતો બીજાઓને મંજૂર હોતી નથી.

આવા તેજસ્વી લોકો પાછળ રહી જાય છે અને ક્યારેક મીડિયોકર લોકો આગળ વધી જાય છે. એનું કારણ શું? ઈન્ટેલિજન્ટ હોવું માત્ર પૂરતું નથી. સફળ થવા માટે ઈમોશનલ ઈન્ટેલિજન્સ પણ તમારામાં હોય એ જરૂરી છે. ક્યારેક તો એવું બને કે તમે ઈન્ટેલિજન્સની બાબતમાં એવરેજ કરતાં પણ ઓછા હો પરંતુ ઈમોશનલ ઈન્ટેલિજન્સ તમારામાં ભારોભાર હોય અને તમે સડસડાટ આગળ વધી જાઓ. ઈન્ટેલિજન્સ વિના ચાલી જશે, ઈમોશનલ ઈન્ટેલિજન્સ વિના નહીં- એવી કોઈ વાતનો મહિમા નથી સ્થાપવો. સમજવુંએ જરૂરી છે કે તમે ગમે એટલા ઈન્ટેલિજન્ટ હો પણ ઈમોશનલ ઈન્ટેલિજન્સની મહકી સ્વીકાર્યા વિના કોઈ છૂટકો નથી. દુનિયામાં પોતાના ક્ષેત્રમાં ટોચ પર પહોંચેલી તમામ વ્યક્તિઓ માત્ર ઈન્ટેલિજન્ટ નથી હોતી, એમનામાં ઈમોશનલ ઈન્ટેલિજન્સ પણ ભારોભાર હોય છે.

ઈમોશનલ ઈન્ટેલિજન્સનો કોઈ સરખો-સંપૂર્ણ (ગુજરાત) પર્યાય નથી જે ઝડપથી જીભે ચડી જાય. આ એક કમ્પેરેટિવલી નવી ટર્મ છે. ૧૯૮૦-૯૦ના દાયકામાં પ્રચલિત થઈ પણ એની પાછળની વિચારણા કંઈ સાવ નવી નથી. છેક એરિસ્ટોટલના જમાનાથી ફિલસૂફો, ચિંતકો અને માનસશાસ્ત્ર સાથે નિસબત રાખનારાઓ આ કન્સેપ્ટ વિશે મંથન કર્યા કરે છે.

એરિસ્ટોટલે કહ્યું હતું કે કોઈ વ્યક્તિને ગુસ્સે થતાં આવડે એ કંઈ અઘરી વાત નથી. પણ યોગ્ય સમયે, યોગ્ય કારણોસર અને યોગ્ય પદ્ધતિથી ગુસ્સો કરવાનું સહેલું નથી. આવું કહીને એરિસ્ટોટલ કહેવા માંગે છે કે માણસે પોતાની લાગણીઓનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરતાં શીખવું જોઈએ. આપણા આવેશો અને આવેગોને ચોક્કસ દિશા આપવામાં કામિયાબ થઈએ તો બુદ્ધિનું રૂપાંતર ડહાપણમાં થાય. લાગણીઓને મન ફાવે તે દિશામાં દોડી જવાની ટેવ હોય છે. આને કારણે જિંદગી અસ્તવ્યસ્ત થઈ જતી હોય છે. ગીતા સહિતનાં શાસ્ત્રો, ઉપનિષદોમાં ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાની વાત ઈમોશનલ ઈન્ટેલિજન્સનો જ એક પ્રકાર છે.

આજનો આ હપ્તો પૂરો કરતાં પહેલાં એક તદ્ન નાનકડો દાખલો લઈએ. કોઈ અગત્યના કામે તમે ઘરેથી નીકળીને રિક્ષા પકડી છે. જોબ માટે ઈન્ટરવ્યૂ આપવાનો છે, નવી નવી ગર્લફ્રેન્ડને મળવાનું છે કે પછી કોઈની પાસે ઘણો મોટો ઓર્ડર મળવાનો છે. તમારું ચિત્ત પ્રસન્ન છે. રિક્ષામાંથી ઉતરતી વખતે મીટર કરતાં વધારે પૈસા માંગ્યા હોવાથી કે પછી છૂટ્ટા ન હોવાથી રિક્ષાવાળા સાથે તમારે બોલાચાલી થઈ જાય છે. તમારું મન વિખેરાઈ જાય છે, મૂડ કિરકિરો થઈ જાય છે. જે મંગળકાર્ય માટે તમે જઈ રહ્યા છો એમાં તૂરો સ્વાદ ઉમેરાઈ જાય છે. શું કરવું જોઈતું હતું તમારે? રિક્ષાવાળો તમને બેવકૂફ બનાવી રહ્યો છે એવું અપમાન મનમાં લાવવાને બદલે પાંચ-પચીસ રૂપિયાનું નુકસાન સહન કહી લેવાનું. કોઈ મારી પાસેથી ખોટી રીતે પૈસા કેમ પડાવી જાય એવી તોરીલા સ્વભાવની વર્તણૂક છોડીને હશે,

જવા દો- એવું વિચારીને તમારે કોઈ રકઝક વિના હસતા મોઢે તમે જે કામ માટે જઈ રહ્યા છો તેને જ ધ્યાનમાં રાખવાનું. આફટર ઓલ, તમારો અલ્ટીમેટ હેતુ શું છે? રિક્ષાવાળાને પાઠ ભણાવવો? કે પછી જોબ માટે સારી રીતે ઈન્ટરવ્યૂ આપવો, ગર્લફ્રેન્ડને મઝાથી મળવું કે મોટો ઓર્ડર મેળવીને ધંધાને આગળ વધારવો?

ઈમોશનલ ઈન્ટેલિજન્સ આ જ છે. તમે જે લક્ષ્ય તરફ આગળ વધવા માંગો છો ત્યાં પહોંચતાં સુધીમાં જે કોઈ વિઘ્નો, ડિસ્ટ્રેકશન્સ આવે તેને હસતાં-રમતાં અટકી જવાનું નહીં. ઈમોશનલ ઈન્ટેલિજન્સ કેળવવાની આ પાયાની સમજ વિશે અને વધુ આગળના પગથિયાંઓ વિશે નેકસ્ટ વીક.

પાન બનાર્સવાલા

જે લાગણીઓ તમારું દિલ તોડી નાંખતી હોય એ જ લાગણીઓથી દિલની એ ઈજાઓ પર મલમ પણ લગાડી શકાતો હોય છે.-

– નિકોલસ સ્પાક્ર્સ

– (‘ધ નોટબુક’નામની બેસ્ટસેલર નવલકથાના અમેરિકન લેખક).

– વોટ્સએપ પર વાંચેલું.

www.facebook.com/Saurabh.a.shah