અધૂરા પ્રણયનો અંત - Sandesh

અધૂરા પ્રણયનો અંત

 | 1:12 am IST

ધારાવાહી નવલકથા । છાયા દવે

ગ્રીવા કોલેજ ચાલી ગઈ પછી નિશા કામમાંથી ફટાફટ પરવારી. અંશ બાલમંદિરેથી આવી ગયો એટલે તેને જમાડી બાજુના પડોશીને ત્યાં જઈ સૂવડાવી દીધો. ઘણાં વર્ષોથી પડોશમાં રહેતા હોવાથી અંશ તે લોકો સાથે સારી પેઠે હળીમળી ગયો હતો. અંશને ઉંઘાડી નિશા બહાર નીકળી ત્યારે સૂર્યનો તાપ પ્રખર બની ગયો હતો. કદાચ નિશાના મનની માફક જ.

નિશા સ્ટુડિયો પર પહોંચી ત્યારે આકાશ કોઈક ક્લાયન્ટ સાથે વાત કરી રહ્યો હતો. નિશાને આવા તાપમાં અત્યારે અહીં જોતા તેને આૃર્ય થયું. તેણે સ્મિત સાથે નિશાને આવકારતા બેસવા માટે કહ્યું.

ક્લાયન્ટ સાથેવાત પૂરી કરી તેને વિદાય કરી આકાશે પૂછયું, ”નિશા, અત્યારે આમ અચાનક કેમ? કંઈ કામ હતું તો ફોન કરી મને બોલાવી લેવો હતો ને? આવા તાપમાં તું શું કામ હેરાન થઈ?”

નિશા બોલી, ”આકાશ, મારી અંદર જે અગ્નિ તપી રહ્યો છે તેના પ્રમાણમાં તો વાતાવરણનો તાપ ખૂબ જ ઓછો છે.”

નિશાનો પ્રત્યુત્તર સાંભળી આકાશ ચિંતિત સ્વરે બોલ્યો, ”નિશા, એવો કયો પ્રોબ્લેમ છે? તારે મને વાત તો કરવી જોઈએ ને?”

પ્યૂન પાસે બે કોલ્ડ્રિંક્સ મગાવી. આકાશે નિશાને કોલ્ડ્રિંક્સ આપતા કહ્યું, ”લે પહેલાં આ પી લે. પછી શાંતિથી બધી વાત કર.”

નિશા એક જ શ્વાસે કોલ્ડ્રિંક્સ ગટગટાવી ગઈ. આકાશ સામે એક વેધક દૃષ્ટિપાત કરતાં બોલી, ”આકાશ, મારે ગ્રીવા વિશે વાત કરવી છે.”

આકાશને નિશાના કહેવાનો ભાવાર્થ સમજાઈ ગયો. તે બોલ્યો, ”હું પણ તારી સાથે આ બાબતમાં વાત કરવા માગું છું. ઘરમાં અંશ અને ગ્રીવાની વારાફરતી સતત હાજરીને લીધે વાત કરવી શક્ય ન હતી. સારું થયું તું આજે અહીં આવી ગઈ. નિરાંતે વાત થઈ શકશે.”

થોડું અટકતાં તે બોલ્યો, ”હું થોડા સમયથી ગજબની મૂંઝવણ અનુભવી રહ્યો છું. મને લાગે છે કે ગ્રીવા કોઈ ગેરસમજનો શિકાર થઈ રહી છે.”

આકાશે ગ્રીવાએ કરેલી બાલિશ વાતોની વાત નિશાને કરી. નિશાને આકાશની નિખાલસતા સ્પર્શી ગઈ. નિશાને ખાતરી થઈ ગઈ કે પોતાનો ગ્રીવા પરનો શક સાચો છે. છતાં તે એ વાતથી હળવીફૂલ થઈ ગઈ કે આમાં આકાશનો ક્યાંય વાંક નથી.

આકાશના આંગળાને પોતાની આંગળીઓથી રમાડતાં રમાડતાં તે બોલી, ”પરિસ્થિતિ વધારે વણસે તે પહેલાં આપણે આપણા મકાનમાં શિફ્ટ થવું એ જ એકમાત્ર ઉપાય છે.”

આકાશ બોલ્યો, ”એ ઉપાય તો મેં ક્યારનો વિચારી લીધો છે. મકાન ઝડપથી પૂરું કરવાની મેં કોન્ટ્રાક્ટરને તાકીદ પણ કરી દીધી છે.”

નિશા બોલી, ”જ્યાં સુધી આપણે નવા મકાનમાં શિફ્ટ ન થઈએ ત્યાં સુધી તું ગ્રીવા સાથે બને ત્યાં સુધી સંપર્ક ટાળજે.

”તારી વાત સાવ સાચી છે. આજથી જ એનો અમલ શરૂ બસ! હવે નિરાંત જીવે બેસ.” આકાશ નિશાનો બોજો દૂર કરતાં બોલ્યો.

થોડી વાર સુધી આડી-અવળી બીજી વાતો કર્યા પછી નિશા ઘરે આવવા નીકળી. ઘેર આવી ત્યારે અંશ જાગી ગયો હતો અને રમતો હતો. નિશા સમય થતાં સાંજથી રસોઈની તૈયારીમાં લાગી. એટલામાં ગ્રીવા કોલેજથી આવી ગઈ. રોજની જેમ જ તે ફ્રેશ થઈને નિશાને રસોઈમાં મદદ કરવા રસોડામાં આવી.

”તેની પાસે ઘરની ડુપ્લિકેટ ચાવી હોય છે.” કંઈક ચીડથી જવાબ આપતી નિશા બેડરૂમ તરફ ચાલી ગઈ.

ન છૂટકે ગ્રીવાને ઉપર સૂવા જવું પડયું. તેના કાન સતત દરવાજા પર જ મંડાયેલા હતા. રાતના લગભગ બાર વાગ્યાની આસપાસ આકાશની બાઈકનો અવાજ આવ્યો. ગ્રીવાને દોડીને નીચે જવાનું મન થઈ આવ્યું.

પરંતુ નિશા આન્ટીના અવાજમાં રહેલ ચીડ તેના ધ્યાનમાં આવી ગઈ હતી. આથી તે નીચે જવાની હિંમત ના કરી શકી. સૂઈ ગઈ.

આકાશ આવ્યો ત્યારે નિશા જાગતી હોવા છતાં ઊભી ન થઈ. આકાશે માન્યું કે નિશા થાકીને સૂઈ ગઈ હશે. આવું ક્યારેક બનતું પણ ખરું. તે પણ ખૂબ જ થાકી ગયો હતો. ખાસ ભૂખ ન હતી. કપડાં બદલાવી તે સીધો જ પલંગમાં જઈને સૂઈ ગયો. નિશા થોડી વાર એમ જ આંખો મીંચીને સૂઈ રહી, પરંતુ આકાશ તરફથી કંઈ સંચાર ન થતા તેણે આંખો ખોલી જુએ તો આકાશ ઘસઘસાટ ઊંઘી ગયો હતો.

નિશા મનોમન ઘૂંઘવાઈ ઊઠી. તે આકાશના ચહેરાને તાકી રહી. તેના ચહેરા પર થાક છતાંય નિર્દોષ હાસ્ય રેલાઈ રહ્યું હતું. તે ઊંઘમાં પણ એટલો આકર્ષક લાગતો હતો કે બે જ ક્ષણમાં તેનો બધો જ ઘૂંઘવાટ શમી ગયો. તે મલકી ઊઠી. તેને પોતાની જાત પર જ હસવું આવી ગયું કે નાની અમથી વાત માટે તેણે પોતાનો આખો દિવસ કેટલી માનસિક તાણમાં વિતાવ્યો? તે અંશની બાજુમાંથી હળવેથી ઊભી થઈ આકાશની બાજુમાં જઈ સૂતી. આકાશે ઊંઘમાં પણ તેને પોતાની તરફ ખેંચી. આકાશના હાથનું ઓશિકું બનાવી થોડી જ વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગઈ.

નિશા તેને ઉદ્દેશીને બોલી, ”ગ્રીવા, થોડા જ સમયમાં તારી ટેસ્ટ શરૂ થવાની છે એમ તું કહેતી હતી ને? આજથી જ વાંચવાનું ચાલુ કરી દે. તું ઉપર જઈને વાંચવા બેસી જા. રસોઈ તૈયાર થશે એટલે હું તને બોલાવી લઈશ.”

નિશાના સ્વરમાં રહેલ આદેશ પારખી જતાં ગ્રીવા ચૂપચાપ ઉપર ચાલી ગઈ. જમવાનું તૈયાર થતાં જ નિશાએ તેને બૂમ મારી. ગ્રીવાએ જોયું કે ડાઈનિંગ ટેબલ પર ત્રણ થાળીઓ પીરસાયેલ હતી.

તે બોલી, ”થાળીઓ કેમ પીરસી આન્ટી? જમવામાં અંકલની રાહ નથી જોવી?”

નિશા બોલી, ”આકાશનો ફોન હતો તેને આવતા મોડું થશે. તારું વાંચવાનું બગડે અને અંશ પણ વહેલો ઊઠી ન શકે એટલે આપણે જમી લઈએ. ચાલ, અંશ જમવાનું ઝડપથી પતાવ. હું આજે ખૂબ થાકી ગઈ છું. વહેલા સૂઈ જવું છે.”

અંશને આપેલ આદેશ પોતાને પણ લાગુ પડે છે એમ સમજતાં ગ્રીવાએ ફટાફટ જમવાનું શરૂ કર્યું. રોજ લગભગ એકાદ કલાક ડાઈનિંગ ટેબલ પર વીતતો. અંશની બાલમંદિરની વાતો, ગ્રીવાની કોલેજની વાતો, આકાશની અને નિશાની વાતો સમય ક્યાં વીતતો ચારેયને યાદ ન રહેતું. તેના બદલે આજે માત્ર પાંત્રીસ મિનિટમાં જમવાનું આટોપાઈ ગયું. નિશા અને ગ્રીવા અંશ સાથે ડ્રોઇંગ રૂમમાં આવ્યા.

નિશા બોલી, ”ગ્રીવા તારે થોડી વાર ટી.વી. જોવું હોય તો જો. જ્યારે ઉપર જાય ત્યારે બધી સ્વિચ ઓફ કરતી જજે. અંશ દીદીને ગૂડનાઈટ કહી દો બેટા!” નિશા અંશને તેડીને બેડરૂમમાં ચાલી ગઈ.

એકાદ કલાક ટી.વી. જોયું ત્યાં ગ્રીવાની આંખો ઘેરાવા લાગી. તેણે ઘડિયાળ સામે જોયું લગભગ દસ વાગવા આવ્યા હતા. હજુ આકાશ ઘરે આવ્યો ન હતો. ગુસ્સામાં ને ગુસ્સામાં પગ પછાડતી તે દાદર ચડી ગઈ. એમ જ પથારીમાં પડતું મૂક્યું. લાગણીના આવેશમાં જ તે રડી પડી. ગઈકાલે રાતના પણ તે બરાબર સૂઈ શકી ન હતી એટલે થાક અને ઉજાગરાના માર્યા એમ જ કપડાં પણ બદલાવ્યા વિના રડતાં રડતાં જ તે ઊંઘી ગઈ.

સવારે જ્યારે નીચેથી નિશાની બૂમ સંભળાણી ત્યારે જ તે જાગી. રાતભર મીઠી નીંદર અને મનગમતાં સપનાં જોવાને કારણે તે એકદમ પ્રફુલ્લિત મન સાથે જાગી.

તે ફ્રેશ થઈને નીચે આવી ત્યારે આકાશ છાપું વાંચતો હતો. તેણે ગ્રીવાને ‘ગૂડ મોર્નિંગ’ કીધું. પાંચેક મિનિટ છાપું વાંચીને તે બાથરૂમમાં ચાલ્યો ગયો. લગભગ પોણા કલાક સુધી તે ડ્રોઇંગ રૂમમાં આવ્યો જ નહીં. વધારે રાહ જોવામાં કોલેજનું મોડું થઈ જાય તેમ હોવાથી ગ્રીવા ન છૂટકે ઊભી થઈ ઉપર ચાલી ગઈ. ગ્રીવાના ઉપર ચાલ્યા ગયા પછી જ આકાશ ડ્રોઇંગ રૂમમાં આવ્યો.

આ જ સમયગાળામાં આકાશના નવા મકાનનું બાંધકામ પૂરું થઈ ગયું. તેઓ એક સારો દિવસ જોઈને ગૃહપ્રવેશની વિધિ પણ પૂરી કરી આવ્યા. ત્યાર બાદ તેઓ નવા ઘરમાં રહેવા જવાની તૈયારીઓ કરવા માંડયા. ગ્રીવા માટે આ બધું જ પીડાદાયક હતું. તે જેટલી આકાશની નજીક જવાની કોશિશ કરતી હતી આકાશ એટલી જ સિફતથી પોતાને ગ્રીવાને દૂર રાખવામાં સફળ રહ્યો હતો.

હેમંતે પોતાના જન્મ દિવસની પાર્ટીમાં મોકો જોઈને ગ્રીવાને ‘આઈ લવ યુ’ કહી જ દીધું. ગ્રીવાએ તેના આ પ્રસ્તાવનો તુરત જ કંઈ પ્રત્યુત્તર ન આપ્યો. તેના આ મૌનને સંમતિ જ સમજી લઈને હેમંત ગ્રીવાની નજીક આવવા સતત પ્રયત્નશીલ રહેતો હતો.

આકાશ-નિશાએ નવા ઘરે રહેવા જવા માટેનો દિવસ નક્કી કરી નાખ્યો. ત્યાર બાદ સુમનને આ બાબતનો ફોન કરીને જાણ કરી. સમન્વયની પરીક્ષા લગભગ એકાદ અઠવાડિયામાં આટોપાઈ જતી હતી. સમન્વયની પરીક્ષા પતતાં જ સુમન અને સમન્વય સુરત આવી ગયા. ગિરીશે પણ બદલી માટેના પોતાના પ્રયત્નો ઝડપી બનાવી દીધા. સુમન અને સમન્વય સુરત આવ્યા તેના ત્રીજા જ દિવસે આકાશ-નિશા તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા.

ગ્રીવા એ વિચારે વ્યાકુળ બની ગઈ કે હવે તો આકાશે જોઈ પણ નહીં શકાય. આ અકળામણે તેના વર્તનમાં ઘણો જ ફેરફાર થઈ ગયો. નિશા-આકાશ એ વાતને સમજી ગયા. સુમન તો બધી જ હકીકતથી અજાણી હતી. તેણે વિચાર્યું કે આટલો સમય સાથે રહેવાથી ગ્રીવા આકાશ-નિશા સાથેની આત્મીયતાના લીધે તેમનાથી અલગ થવાનું સહી નથી શકતી.

જે દિવસે નિશા-આકાશ નવા ઘરે રહેવા ચાલ્યા ગયા તે દિવસે આખો દિવસ ગ્રીવા ન જમી શકી ન સૂઈ શકી. ધીમે ધીમે ગ્રીવાએ પોતાના વર્તન પર કાબૂ મેળવી લીધો. ત્યાર બાદ થોડા દિવસોમાં ગિરીશની બદલી થઈ ગઈ અને તે પણ સુરત આવી ગયો. ગિરીશ-સુમન વ્યવસ્થિત સેટિંગ થઈ ગયું હોવાથી નિરાંત અનુભવવા લાગ્યા. વચ્ચેના થોડા વર્ષ સેટલમેન્ટ ડિસ્ટર્બ થયું હતું, પરંતુ પાછું બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું.

ગ્રીવાએ એકાદ-બે વખત આકાશના સ્ટુડિયો પર જઈ તેની સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ ત્યાં આકાશ કામમાં એટલો વ્યસ્ત રહેતો કે ગ્રીવા કંટાળીને બહાર નીકળી જતી. આ સમયગાળામાં જ ગ્રીવાની એક્ઝામ શરૂ થઈ હોવાથી તે તેમાં ગૂંચવાઈ ગઈ. પરીક્ષાઓ પૂરી થયા બાદ થોડા દિવસો કોલેજમાં રજાઓ હતી.

રજાના આવા જ એક દિવસે સુમન-ગ્રીવા બપોરના સમયે સમય પસાર કરવા ટી.વી. જોઈ રહ્યાં હતાં. ગ્રીવાએ સુમનને કહ્યું, ”મમ્મી, તને યાદ હોય તો આકાશ અંકલ પહેલી વાર આપણે ત્યાં આવ્યા ત્યારે તેઓએ મારું એક ચિત્ર બનાવી આપવાનું વચન મને આપ્યું હતું.”

સુમને થોડુંક દિમાગ કસ્યું અને કશુંક યાદ આવતાં બોલી, ”હા! પરંતુ ત્યારે તો તું ખૂબ જ નાની હતી ને!”

ગ્રીવા બોલી, ”મમ્મી, મારે અત્યારે મારું એક ચિત્ર બનાવડાવવું છે. આમેય અત્યારે રજાઓમાં ઘરે બેઠા બોર થઈ જવાય છે. તું આકાશ અંકલને વાત કરને? તેમને સમય હોય તો મારી નાનપણની ઇચ્છા પૂરી થઈ જાય.”

સુમન બોલી, ”સારું! હું કાલે ફોન કરી જોઈશ.”

ગ્રીવા એકદમ ઉત્સાહમાં આવીને બોલી, ”કાલે નહીં મમ્મી, આજે જ. ફોન નહીં રૂબરૂ જ વાત કર. તું તૈયાર થાય તો આપણે અત્યારે નવરા જ છીએ. અંકલના સ્ટુડિયો પર રૂબરૂ મળી આવીએ.”

ગ્રીવાને ઘણાં સમયે સુમને આટલી ઉત્સાહમાં જોઈ હતી. તે તૈયાર થઈ ગઈ. તેઓ આકાશના સ્ટુડિયો પર પહોંચ્યા ત્યારે આકાશ અને તેનો પ્યૂન બે જ હાજર હતા. આકાશ રિલેક્સ મૂડમાં ઇઝીચેરમાં બેસીને કંઈક વિચારી રહ્યો હતો. ગ્રીવા-સુમનને આમ અચાનક આવેલા જોઈ તે ચોંકી ગયો. કંઈક ઠીકઠાક થતાં તે બોલ્યો,

”આવો આવો દીદી, આજે તો શુભ દિવસ છે, ખરેખર! તમે આમ અચાનક જ આવી ચડયા.”

સુમન જવાબ આપે તે પહેલાં જ ગ્રીવા બોલી ઊઠી.

”તમારા કરતાં તો અમારા માટે વિશેષ શુભ દિવસ છે કે તમે આમ સાવ ફ્રી છો. બરાબર ને મમ્મી?”

આકાશ ગ્રીવાનો વ્યંગ સમજી ગયો. માત્ર હસ્યો. ગ્રીવાના ગુઢાર્થથી અજાણી સુમને ગ્રીવાની વાતમાં સંમતિસૂચક માથું હલાવ્યું.

થોડી પચારિક વાતો થઈ. કોલ્ડ્રિંક્સને ન્યાય આપ્યા બાદ ગ્રીવાએ જ વાતચીતનો દોર પોતાના હાથમાં લીધો.

”તમને યાદ છે આકાશ અંકલ? વર્ષો પહેલાં તમે મને એક પ્રોમિસ આપ્યું છે?”

આકાશે કંઈક યાદ કરવાનો પ્રયત્ન કર્યા બાદ નકારમાં માથું ધૂણાવ્યું.

ગ્રીવાએ વર્ષો પહેલાંનો બનાવ યાદ કરાવ્યો અને બોલી,

”હવે તમારે તે પ્રોમિસ પાળવાનું છે. તમારે મારું એક હું કહું એવું ચિત્ર બનાવી આપવાનું છે. મારે અત્યારે કોલેજમાં રજાઓ જ ચાલે છે. બોલો ક્યારથી આવી જઉં?”

આકાશ ગ્રીવાને કેવી રીતે ટાળવી તે વિચારતો હતો ત્યાં જ સુમન ભાવવિભોર અવાજે બોલી,

”આકાશ, જો તારે અનુકૂળતા હોય તો ગ્રીવાની ઇચ્છા પૂરી કરી આપને! મારી પણ ખૂબ જ ઇચ્છા છે કે ગ્રીવાના લગ્ન થાય તે પહેલાં તેની એક સુંદર છબી બનાવડાવી લઉં. લગ્ન પછી તે બીજે ચાલી જાય ત્યારે તેની ગેરહાજરીમાં પણ તે છબીરૂપે મારી સામે જ રહે.”

ગ્રીવા બોલી, ”મમ્મી, તું નાહક ચિંતા કરે છે. હું તો તારી નજર સામે આ જ શહેરમાં મારું ઘર વસાવવાની છું. બરાબરને અંકલ?”

આકાશ ગ્રીવાના ચહેરા પર રહેલ દૃઢતા જોઈને અકળાઈ ગયો. પરંતુ સુમનની વાત તે ટાળી ન શક્યો. સુમન ગ્રીવાના માનસથી સાવ અજાણ હતી. આકાશ સુમન કહે તો શું કહે? તે કંઈક વિચારમાં પડી ગયો. પછી બોલ્યો,

”દીદી, ગ્રીવાને અહીં ધક્કા ખવડાવવા તેના બદલે હું જ તમારે ત્યાં આવીને તેનું ચિત્ર બનાવી દઈશ.”

આકાશની વાતનો ગ્રીવા વિરોધ નોંધાવે તે પહેલાં જ સુમન બોલી, ”તું તો જાણે જ છે આકાશ, ગિરીશને આવી બધી આર્ટમાં જરાય રસ નથી. ઘરે તને માફક આવે એવું વાતાવરણ નહીં મળે. એના બદલે ગ્રીવા જ અહીં આવી જશે. તું ક્યાં અમારા માટે અજાણ્યો છે કે ચિંતા રહે? બોલ, ક્યારથી આવે ગ્રીવા?”

આકાશે ટૂંકમાં જવાબ આપ્યો, ”કાલ દસેક વાગ્યે મોકલી આપજો.”

તે જેમ બને એમ જલદી આવી પડેલ મુશ્કેલીમાંથી છૂટવા માગતો હતો. થોડી વારે સુમન અને ગ્રીવા ઘરે જવા નીકળ્યા. તેમને આવજો કહેવા આકાશ ખુરશીમાંથી ઊભો થયો. બારણામાંથી બહાર નીકળતી વખતે ગ્રીવાએ પાછળ ફરીને વિશ્વ વિજેતાની અદાથી આકાશ સામે જોયું અને આકાશ ધબ કરતો ખુરશીમાં ફસડાઈ પડયો.

તે આખી રાત ગ્રીવા ઊંઘી ન શકી. આવનારી કાલના વિચારમાં તે મોડે સુધી પડખા બદલાવતી રહી. સામે છેડે આકાશની પણ એ જ હાલત હતી. આવતીકાલે શું થશે તે ટેન્શનમાં તેને પણ બરાબર ઊંઘ ન આવી તે રાતે ઘરે આળ્વા નીકળ્યો ત્યારે જ તેણે ઘરે જઈ નિશા સાથે આ વાતની ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ ઘરે આવ્યો ત્યારે જ તેને ખબર પડી કે અંશની તબિયત ખરાબ હતી. આકાશને ટેન્શન ન થાય એ હેતુથી નિશાએ જાણ કરી ન હતી. શાળાએથી જ્યારે ઘરે આવ્યો ત્યારે જ અંશને તાવ હતો. નિશા ડોક્ટર પાસે જઈ આવી હતી. અંશને દવા પણ આપી દીધી હતી, પરંતુ અંશ તેને એક મિનિટ માટે પણ દૂર જવા દેતો ન હતો. આકાશ ઘરે આવ્યો ત્યારે જ ખબર પડી. તે ખાસ્સી વાર સુધી અંશની બાજુમાં બેસી તેને માથે હાથ પસરાવતો રહ્યો.

થોડી વારે ઊભા થઈ આકાશ ફ્રેશ થવા ગયો. રસોડામાં જઈ ફટાફટ થોડો નાસ્તો અને કોફી ટ્રેમાં લઈ તે નિશા પાસે આવ્યો. અંશે અડધો કપ કોફી માંડ પીધી. આકાશ-નિશાએ પણ કોફી અને નાસ્તાથી જ ચલાવી લીધું. થોડી વારે અંશ ઊંઘી ગયો. નિશા હળવેથી ઊભી થઈ. કપડાં બદલાવ્યા અને પથારીમાં લંબાવ્યું. આકાશે જોયું કે નિશાના ચહેરા પર અતિશય થાક વર્તાઈ રહ્યો હતો. આકાશે તેના કપાળે હળવું ચુંબન કરતાં કહ્યું, ”આખા દિવસની દોડધામને લીધે તું થાકી ગઈ હોઈશ! નિરાંતે સૂઈ જા. ગૂડ નાઈટ.”

નિશા ‘ગૂડ નાઈટ’ કહી હળવેથી આંખો મીચી ગઈ. દિવસભરની થાકેલી તે થોડી જ વારમાં ઊંઘી ગઈ, પરંતુ આકાશની ઊંઘે આજે નજીક આવવામાં ખાસ્સી વાર લગાડી.

સવારે ઊઠવામાં આકાશને મોડું થઈ ગયું. અંશને તેની તબિયત સારી ન હોવાથી શાળાએ મોકલ્યો ન હતો. કાલની દવાની અસરથી અત્યારે તે સ્ફૂર્તિમાં હતો. બેઠો બેઠો પઝલથી રમી રહ્યો હતો. આકાશ થોડી વાર તેની સાથે રમ્યો. ત્યાર બાદ નિત્યક્રમ આટોપી ચા-નાસ્તો કરી સ્ટુડિયો પર જવા નીકળ્યો. જતાં વખતે બોલ્યો, ”નીશુ, અંશની તબિયત બરાબર રહે તો થોડી વાર માટે તેને બાજુમાં મૂકી સ્ટુડિયો પર એકાદ ચક્કર મારી જજેને! એક નાનો અમસ્તો પ્રોબ્લેમ ઊભો થયો છે.”

નિશા બોલી, ”સારું, હું કોશિશ કરીશ, પરંતુ મને નથી લાગતું આજે અંશ મને બહાર નીકળવા દેશે. પ્રોબ્લેમ શું છે?”

આકાશ અંશ ન સાંભળે એમ ધીરેથી બોલ્યો, ”એવો કંઈ ખાસ પ્રોબ્લેમ નથી. ગ્રીવાને અનુલક્ષીને થોડી વાત છે.”

નિશા હસીને બોલી, ”ઓહ! એમ વાત હોય તો તો મારે જ આવવું પડશે. સારું હું બપોર પછી આવી જઈશ, બાય!”

આકાશે અંશને તેડી તેના બંને ગાલે ચૂમી કરતા બોલ્યો, ”અંશ બેટા! પપ્પાને મમ્મીનું થોડું કામ છે. બપોરના મમ્મીને થોડી વાર માટે સ્ટુડિયો પર આવવા દેજે ને? પ્લીઝ! ગૂડ બોય!” કહેત નિશા અંશને ઘરે મૂકી તે સ્ટુડિયો પર જવા નીકળ્યો. નિશા અને આકાશ ક્યારેય અંશની હાજરીમાં કોઈ પ્રોબ્લેમ્સ પર ચર્ચા કરતા નહીં. આકાશના ગયા પછી અંશ અધૂરી પઝલ ગોઠવવામાં લાગ્યો અને નિશા ઘરકામ આટોપવામાં પડી.

ગ્રીવા સવારના ઊઠીને ફટાફટ તૈયાર થઈ ગઈ. ગિરીશે આ જોયું એટલે બોલ્યો, ”ગ્રીવા, કેમ અત્યારમાં તૈયાર થઈ ગઈ? ક્યાંય બહાર જવાનો પ્રોગ્રામ છે?”

ગ્રીવાએ ઉત્સાહથી જવાબ આપ્યો, ”હા પપ્પા, હું આજે આકાશ અંકલ પાસે મારું એક ચિત્ર બનાવડાવવા જવાની છું.”

ગિરીશને આ વાત પસંદ ન આવી. એ એના ચહેરા પરથી કળાઈ આવ્યું. વાત વધારે વણસે તે પહેલાં જ સુમન દરમિયાનગીરી કરતાં બોલી, ”ગિરીશ, ગ્રીવાની નાનપણની એ ઇચ્છા હતી. વળી અત્યારે તેને રજાઓ પણ ચાલે છે એટલે સમય પસાર થઈ રહેશે.”

ગિરિશ એક નારાજગીસભર દૃષ્ટિ સુમન તરફ નાખતા બોલ્યો.

”સુમન, ગ્રીવા મેડિકલ લાઈનમાં ભણે છે. આવતી કાલ જ્યારે તે અભ્યાસ પૂરો કરી લેશે ત્યારે તેનામાં સૌ પ્રથમ લાયકાત વાસ્તવવાદીની હોવી જોઈશે. હું નથી ઇચ્છતો કે એ પણ કળા પાછળ સમય વેડફીને તારી માફક જ કલ્પનાની દુનિયામાં જીવતી રહે. આજના સમય સાથે તાલ મેળવવા માટે તેના પગ ધરતી પર ટકવા જરૂરી છે. એનામાં આવા લાગણીવેડા મને ગમતી બાબત નથી. તું જ એને આવી બાબતોમાં પ્રોત્સાહન આપી તેનું ભવિષ્ય બગાડી રહી છે.”

પોતાના કારણે મમ્મી-પપ્પા વચ્ચે ઝઘડો થઈ જશે એમ લાગતાં જ ગ્રીવા બોલી, ”પપ્પા પ્લીઝ! તમે મમ્મી પર ગુસ્સે ન થાવ. મેં જ મમ્મીને કહ્યું હતું. મમ્મી કલાની કદરદાન છે, પરંતુ મને તો ક્યારેય એવું નથી લાગ્યું કે તે કલ્પનાની દુનિયામાં જીવે છે.”

તેની વાત વચ્ચેથી જ અટકાવતા ગિરીશ બોલ્યો, ”તું હજુ બહુ નાની છે. બધી જ બાબતો તને અત્યારે નહીં સમજાય. એટલું યાદ રાખજે બેટા! જેટલા તમે વર્તમાનમાં જીવી શકો એટલા તમે વધારે સુખી રહો છો.”

ગ્રીવા લાડભર્યા અવાજે બોલી, ”પપ્પા, તમારી આ વાત હું પૂરેપૂરી યાદ રાખીશ, બસ! તમે મને આકાશ અંકલના સ્ટુડિયો પર મૂકતા જશો? પ્લીઝ!”

ગિરીશ બોલ્યો, ”બસ બસ બહુ થયું હવે! લાડકી ન થા સમજી! મૂકતો જઈશ જા તૈયાર રહે. હું પણ આકાશને થોડી વાર મળી લઈશ. ઘણાં સમયથી નથી મળાયું.”

ગ્રીવા ખુશ થઈ ગઈ. વાત વધારે ન વણસે એટલે સુમને પણ હાશકારો અનુભવ્યો. જોકે ગિરીશના શબ્દો તેના હૃદયમાં શૂળ બનીને ભોંકાયા. ગ્રીવા ગિરીશની ખૂબ જ લાડકી હતી. ગિરીશ ક્યારેય તેની વાતમાં આનાકાની ન કરતો. ગ્રીવાએ જરૂરી વસ્તુઓ પોતાની સાથે તૈયાર કરી લીધી. ગ્રીવા અને ગિરીશ, સુમનને ‘આવજો’ કહીને ઘરેથી નીકળ્યા.

(ક્રમશઃ)