ટ્રેડવોરના અંતનો સંકેત : ચીન અને યુએસ તબક્કાવાર જકાત પાછી ખેંચશે - Sandesh
  • Home
  • Newspaper
  • ટ્રેડવોરના અંતનો સંકેત : ચીન અને યુએસ તબક્કાવાર જકાત પાછી ખેંચશે

ટ્રેડવોરના અંતનો સંકેત : ચીન અને યુએસ તબક્કાવાર જકાત પાછી ખેંચશે

 | 2:58 am IST

। બેઇજિંગ ।

અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા વેપારયુદ્ધનો અંત આવે તેવા સંકેતો ચીને આપ્યા છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલા ટ્રેડવોરમાં એકબીજાના માલસામાન પર લાદેલી જકાત તબક્કાવાર રીતે પાછી ખેંચવા સહમત થઈ ગયા છે. જોકે, ચીન દ્વારા આ માટેનું કોઈ સમયપત્રક અપાયું નથી. ચીન અને અમેરિકા વચ્ચે ૧૫મી ડિસેમ્બરે વચગાળાનો વેપારકરાર થાય તેવી સંભાવના છે. જેમાં અમેરિકા દ્વારા મોબાઇલ ફોન, લેપટોપ કમ્પ્યૂટર અને રમક.ડાં સહિતની ૧૫૬ બિલિયન અમેરિકન ડોલરની ચીની આયાતો પરની જકાત રદ કરે તેવી શરત ઉમેરાવાના સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે. ચીની વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તા ગાઓ ફેંગે જણાવ્યું હતું કે, કોઈપણ કરાર માટે જકાત પાછી ખેંચવી એક મહત્ત્વની શરત છે. બંને દેશ વચ્ચે પહેલા ચરણનો વેપારકરાર શક્ય બનાવવા માટે એકબીજાના સામાન પર લાદેલી કેટલીક જકાત રદ કરાય તે જરૂરી છે.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં ફેંગે જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકા વચ્ચેના વેપારયુદ્ધનો પ્રારંભ એકબીજાના સામાન પર જકાત લાદવા સાથે થયો હતો અને તેનો અંત પણ જકાતો રદ કરીને લાવવો જોઈએ. બંને દેશ એકબીજા પર લાદેલી આયાત જકાત એક સરખા પ્રમાણમાં રદ કરે તે જરૂરી છે, પરંતુ કેટલી સંખ્યામાં જકાત રદ કરાય તે અંગે ચર્ચા થઈ શકે છે.

ફેંગે જણાવ્યું હતું કે, છેલ્લા બે સપ્તાહમાં બંને દેશના અગ્રીમ મંત્રણાકારો વચ્ચે મહત્ત્વના મતભેદો દૂર કરવા માટે ગંભીર અને રચનાત્મક મંત્રણાઓ ચાલી રહી છે. બંને દેશ વિવિધ તબક્કામાં વધારાની જકાત રદ કરવા સંમત થયા છે. મંત્રણામાં બંને દેશ પ્રગતિ કરી રહ્યા છે.

વેપાર શરતોના મામલે પહેલીવાર ચીન અને અમેરિકા ઝૂક્યા

પહેલીવાર ચીન અને અમેરિકા તેમના વેપાર મતભેદો મામલે ઝૂકતા હોવાના સંકેતો પ્રાપ્ત થયાં છે. કોઇપણ વેપાર કરાર કરવા માટે અમેરિકાએ ચીની આયાતો પરની તમામ જકાતો દૂર કરવી જોઇએ તેવી શરત પડતી મૂકીને ચીન તબક્કાવાર જકાત દૂર કરવા સહમત થયો છે. તેવી જ રીતે અમેરિકા પણ ડિસેમ્બર ૨૦૧૯માં ચીની આયાતો પર જકાત લાદવા મુદ્દે પુનઃ વિચારણા કરવા સહમત થયો છે. બેઇજિંગમાં યુનિવર્સિટી ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસના પ્રોફેસર ટુ શિનકુઆને જણાવ્યું હતું કે, ચીન દ્વારા કરાયેલી ટિપ્પણીઓ હકારાત્મક સંદેશ છે, પહેલીવાર અમેરિકા પણ જકાત મામલે સમાધાન કરવા સહમત થતો દેખાઇ રહ્યો છે. નાનજિંગ યુનિવર્સિટીના પ્રોફેસર ઝુ ફેંગે જણાવ્યું હતું કે, તમામ જકાત દૂર કરવાની માગ હળવી કરીને ચીન એક ડગલું પાછું ભર્યું છે. જોકે ચીને અમેરિકાની ફક્ત સપ્ટેમ્બરમાં લાદેલી જકાત પાછી ખેંચવાની ઓફરથી ખુશ થઇ જવું જોઇએ નહીં.

ચીને અમેરિકા સામે મૂકેલી શરતો

૧. ૧ સપ્ટેમ્બરથી અમલમાં આવેલી ૧૨૫ બિલિયન ડોલરની ચીની આયાતો પરની ૧૫ ટકા જકાત પડતી મૂકવામાં આવે

૨. ૨૫૦ બિલિયન ડોલરની ચીની આયાતો પર અગાઉ લદાયેલી ૨૫ ટકા જકાતમાં રાહત આપવામાં આવે

૩. અમેરિકા બને તેટલી ઝડપથી ચીની આયાતો પર લદાયેલી તમામ જકાત પાછી ખેંચી લે

ટેરિફ વોર

  • ૫૫૦ બિલિયન ડોલરના ચીની સામાન પર અમેરિકી જકાત
  • ૧૮૫ બિલિયન ડોલરના અમેરિકી સામાન પર ચીની જકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન