સગાઈની વીંટી હવે વેરેબલ પેમેન્ટની પણ બની ગઈ ! - Sandesh

સગાઈની વીંટી હવે વેરેબલ પેમેન્ટની પણ બની ગઈ !

 | 12:08 am IST

અર્થ અને તંત્ર :-  અપૂર્વ દવે

ગ્રાહકોને સુવિધા પૂરી પાડતી કોઈ પણ વસ્તુ આજે નહીં તો કાલે સફળ જરૂર થવાની. એ સુવિધા માત્ર ઉપરછલ્લી નહીં, પણ વાસ્તવિક અને ઊંડાણ ધરાવતી હોવી જોઈએ. છેલ્લા ત્રણેક વર્ષથી સંપૂર્ણપણે ઓનલાઇન પેમેન્ટનો સહારો લેનાર આ લેખકના મતે ગ્રાહકોને પેમેન્ટ ક્ષેત્રે હજી ઘણી સુવિધા આપી શકાય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને તથા સ્પર્ધાને લીધે ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા માટે અનેક સંસ્થાઓ ગ્રાહકોને સુવિધા આપવા માટે કાર્યરત થઈ છે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે વિઝા કંપની પોતાના કાર્ડનો ઉપયોગ ઘટતો જવાની સંભાવનાને અનુલક્ષીને હવે વેરેબલ પેમેન્ટ ક્ષેત્રે સક્રિય થઈ ગઈ છે. હાલમાં આવેલા સમાચાર મુજબ તેણે જ્વેલરી અને ઘડિયાળ મારફતે પેમેન્ટ કરી શકાય એવી વેરેબલ સુવિધા શરૂ કરવા નેશનલ બેન્ક ઓફ ગ્રીસ અને કાઇક્સા બેન્ક જોડે કરાર કર્યા છે. ગ્રાહકો વીંટી અને બ્રેસલેટ જેવી વસ્તુઓથી પેમેન્ટ કરી શકે એ માટે નેશનલ બેન્ક ઓફ ગ્રીસ અને વિઝાએ જ્વેલરી બનાવતી કંપનીઓ સાથે સહયોગ સાધ્યો છે. આ તો ફક્ત કરારની વાત થઈ, ઓસ્ટ્રેલિયાની બેન્કવેસ્ટ બેન્કે પેમેન્ટ રિંગ એટલે કે વીંટી બહાર પાડી દીધી છે અને લોકો તેનો ઉપયોગ કરતા થઈ ગયા છે. આ બેન્ક તેના વિશિષ્ટ એકાઉન્ટના ધારકોને હેલો પેમેન્ટ રિંગ પૂરી પાડે છે. ખાતેદારની આંગળીનું માપ લઈને વીંટીનો ઓર્ડર આપવામાં આવે છે, જેથી વીંટી આંગળીમાંથી સરકી જવાનો ભય ન રહે. મુંબઈમાં અત્યારે મેટ્રો રેલવેમાં પેટીએમ પર પેમેન્ટ કરીને ટિકિટનો કયૂઆર કોડ જનરેટ કરવામાં આવે છે અને મોબાઇલ પરનો એ કોડ એન્ટ્રન્સ પર બતાવીને પ્રવેશ લેવો પડે છે. અહીં મોબાઇલ હાથમાં રાખવા જેટલી મહેનત કરવી પડે છે. હવે જો બેન્કવેસ્ટની વીંટી પહેરી હોય તો હાથમાં કંઈ રાખવાની જરૂર જ નથી. ઓસ્ટ્રેલિયાના કાયદા પ્રમાણે ૧૦૦ ડોલર સુધીની ખરીદી આ વીંટીથી ડાઇરેક્ટ થઈ જાય છે. તેનાથી વધારે પેમેન્ટ હોય તો વીંટી સ્કેન કરવા ઉપરાંત પિન નંબર દાખલ કરવો પડે છે. ટૂંકમાં, અત્યારે કયુઆર કોડ જનરેટ કરવા જેટલી પણ મહેનત ન કરવી હોય તો બેન્કવેસ્ટ જેવી વીંટી પહેરી લેવાની બાબત આવકાર્ય છે.

નાણાકીય સંસ્થાઓ પેમેન્ટની આવી સુવિધાઓ લાવી રહી છે તેની પાછળ સંશોધનનું તારણ પણ જવાબદાર છે. યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, રશિયા, સ્પેન, ઇટાલી, જર્મની, નેધરલેન્ડ્સ, પોલેન્ડ અને સ્વિડન એમ નવ દેશોમાં ૫૦,૭૪૭ વ્યક્તિઓનું માસ્ટરકાર્ડે સર્વેક્ષણ કરાવ્યું છે અને તેમાં જાણવા મળ્યું છે કે ૧૭ કરોડ યુરોપિયન ખરીદદારોને વેરેબલ પેમેન્ટ પસંદ આવી શકે છે. વેરેબલ વસ્તુમાં સ્માર્ટવોચ, બ્રેસલેટ, વીંટી, વગેરેનો સમાવેશ થઈ શકે છે. યુનાઇટેડ કિંગડમ અને નેધરલેન્ડ્સમાં બાર્કલેઝ અને એબીએન એમરો બેન્ક વીંટી સહિતની જ્વેલરીને વેરેબલ બનાવવા માટે પ્રયત્નશીલ છે. ઓસ્ટ્રેલિયાની બેન્કવેસ્ટે બહાર પાડેલી વીંટી વોટરપ્રૂફ છે એ તેની ખાસિયત છે. આ બેન્કે ગયા વર્ષે પોતાના ૪૦૦ કર્મચારીઓ સાથે પ્રયોગ કર્યો અને હવે ગ્રાહકોને વીંટી આપવામાં આવી રહી છે. તમારી વીંટી કોઈને મળી જાય તો ૧૦૦ ડોલર સુધીનું પેમેન્ટ કરી શકાય છે. આ જોખમ કાર્ડમાં પણ હોય છે. આથી વીંટી સાચવીને રાખવી જરૂરી બને છે. બેન્કે આ જ બાબતને ધ્યાનમાં રાખીને માપસર વીંટી બનાવવાની સુવિધા પણ પૂરી પાડી છે. જોકે, ગ્રાહકને અનધિકૃત રીતે કરાયેલા પેમેન્ટ સામે વીમો પણ મળી રહે છે. એના માટે તેણે પુરવાર કરવું પડે કે પોતે પેમેન્ટ કર્યું ન હતું. બેન્કવેસ્ટને જોઈને બીજી બેન્કો પણ હવે પેમેન્ટ રિંગ લાવવાનું વિચારી રહી છે. અન્ય દેશોમાં ગોગલ્સ, સ્કાર્ફ, જેવી વેરેબલ વસ્તુઓના અખતરા પણ શરૂ થઈ ચૂકયા છે. અત્યાર સુધી સગાઈમાં મહત્ત્વ ધરાવતી વીંટી હવે વેરેબલ પેમેન્ટની પણ ખાસિયત બની ગઈ છે. આગામી દિવસોમાં ગૃહલક્ષ્મીને પેમેન્ટની વીંટી વધારે ગમશે એમ જરૂર કહી શકાય.

;