ઇંગ્લેન્ડને સિરીઝમાં બરાબરીની તક વેડની સદી, ઓસ્ટ્રેલિયાના ૭/૨૪૪ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડને સિરીઝમાં બરાબરીની તક વેડની સદી, ઓસ્ટ્રેલિયાના ૭/૨૪૪

ઇંગ્લેન્ડને સિરીઝમાં બરાબરીની તક વેડની સદી, ઓસ્ટ્રેલિયાના ૭/૨૪૪

 | 2:46 am IST

। લંડન ।

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી એશિઝ સિરીઝની  પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે રવિવારે મેચના  ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાને ૩૯૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો અને  ટી ટાઇમ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે ૧૬૭ રન બનાવી  લીધા હતા. જોકે ત્યાર બાદ મેથ્યૂ વેડે ૧૪૭ બોલમાં લડાયક સદી ફટકારી હતી. તેણે ૧૫ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. ૧૨ ઓવરની રમત બાકી હતી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ૭ વિકેટે ૨૪૪ રન બનાવ્યા હતા. જોકે ઓસ્ટ્રેલિયાને જીત માટે હજી ૧૫૫ રનની જરૂર છે અને તેની  પાસે ૩ વિકેટે અકબંધ છે. આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ૨-૧થી  આગળ છે અને જો આ મેચ ઇંગ્લેન્ડ જીતી જાય તો ૨-૨થી આ સિરીઝ ડ્રો  થઈ શકે છે. આમ થાય તો ૧૯૭૨ પછી પહેલી વાર એશિઝ સિરીઝ  ડ્રોમાં જશે. જોકે ઓસ્ટ્રેલિયા ૨૦૦૧ બાદ ઇંગ્લેન્ડની ધરતી પર એશિઝ  સિરીઝ જીત્યું નથી.

૩૯૯ રનના લક્ષ્યાંક સાથે ઉતરેલી ઓસ્ટ્રેલિયાની  ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ૮૫ રનમાં ૪ વિકેટો પડી હતી.  હેરિસે ૯, વોર્નરે ૧૧, લાબુશાને ૧૩ અને સ્મિથે ૨૩ રન બનાવ્યા  હતા. એ પછી વેડ અને માર્શ વચ્ચે ભાગીદારી થઈ હતી અને ૨૪ રને  માર્શ આઉટ થયો અને ૧૪૮ના સ્કોરમાં ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ  પેવેલિયન ભેગી થઈ હતી.  ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે ૮ વિકેટ પર ૩૧૩ રન  બનાવ્યા હતા અને ચોથા દિવસે ૩૧૩ના સ્કોરમાં વધુ ૧૬ રનનો  ઉમેરો થયો હતો અને તેનો દાવ ૩૨૯ રને પૂરો થયો હતો. જોસ બટલરે ૬૩ બોલમાં ૬  ચોગ્ગા સાથે ૪૭ રન બનાવ્યા હતા. લાયને ૬૯ રન આપીને ૪ વિકેટ,  માર્શે ૪૦ રનમાં ૨ વિકેટ, સિડલે ૫૨ રનમાં ૨ વિકેટ,  કમિન્સે ૬૭ રનમાં ૨ વિકેટ લીધી હતી.

સ્મિથે ગાવસ્કરના ૪૮ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે ૪ મેચમાં ૭૭૪ રન બનાવીને સુનીલ ગાવસ્કરના ૧૯૭૧ના રેકોર્ડની બરોબરી કરી હતી. ગાવસ્કરે ૧૯૭૧માં વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં ૪ મેચમાં ૭૭૪ રન બનાવ્યા હતા. એશિઝ સિરીઝમાં પણ સ્મિથે ૪ મેચમાં ૭૭૪ રન બનાવ્યા છે. તેણે ૬૮ મેચોમાં ૬૯૭૩ રન બનાવ્યા છે અને ૭,૦૦૦ રનના આંકડાથી એ ૨૭ રન દૂર છે.

સ્ટીવ સ્મિથનો શાનદાર કેચ 

પોતાની અદ્ભુત બેટિંગથી એશિઝ સિરીઝમાં છવાયેલા સ્ટીવ સ્મિથે ઓવલ ટેસ્ટમાં ક્રિસ વોકિસનો અફલાતૂન કેચ પકડીને તેની ચુસ્ત ફિલ્ડિંગનો પરિચય કરાવ્યો હતો. માર્શની બોલિંગમાં સ્ટીવ સ્મિથે ક્રિસ વોકિસનો કેચ એક હાથે સ્લિપમાં ફિલ્ડિંગ ભરતી વખતે કર્યો હતો. આ કેચ કરવા માટે સ્મિથે હવામાં છલાંગ લગાવી હતી.

ડીઆરએસ ન લેવાનો નિર્ણય નિરાશાજનક : ટિમ પેઇન

ઓસ્ટ્રેલિયાના સુકાની ટિમ પેઇને સ્વીકાર્યું છે કે એશિઝ સિરીઝની પાંચમી ટેસ્ટમાં ડીઆરએસનો ઉપયોગ ન કરવાનો નિર્ણય નિરાશાજનક છે. જો બે વાર આ નિર્ણય લેવાયો હોત તો બે વિકેટ મળી શકે એમ હતી. શનિવારે મેચના ત્રીજા દિવસે ડેનલી ૫૪ રન પર રમી રહ્યો હતો ત્યારે તે મિશેલ માર્શની બોલિંગમાં એલબીડબ્લ્યૂ હતો.

અમ્પાયરે નોટ આઉટ આપ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ડીઆરએસ લીધું નહોતું. ત્યાર બાદ ડેનલીએ ૯૪ રન બનાવ્યા હતા. ત્યાર બાદ જોસ બટલર ૧૯ રન પર રમી રહ્યો હતો ત્યારે નાથન લાયનની બોલિંગમાં એલબીડબ્લ્યૂ હતો. એ સમયે પણ અમ્પાયરે નોટઆઉટ આપ્યા બાદ ડીઆરએસ લેવામાં આવ્યો નહોતો. ત્યાર બાદ બટલરે ૪૭ રન બનાવ્યા હતા.

પેઇને કહ્યું હતું કે હું નિર્ણય કરી શક્યો નહોતો કે ડીઆરએસ લઉં કે નહીં. આ નોટઆઉટના નિર્ણયો અમારા માટે દુઃસ્વપ્ન સમાન છે. અમે ખોટો નિર્ણય લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન