England make history, two 'world records' in series against Pakistan
  • Home
  • Sports
  • Cricket
  • ઇંગ્લેન્ડે ઇતિહાસ રચ્યો, પાકિસ્તાન સામેની સિરીઝમાં નોંધાયા બે ‘વર્લ્ડ રેકોર્ડ’

ઇંગ્લેન્ડે ઇતિહાસ રચ્યો, પાકિસ્તાન સામેની સિરીઝમાં નોંધાયા બે ‘વર્લ્ડ રેકોર્ડ’

 | 7:55 am IST

ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ ૩૦મી મેએ થઇ રહ્યો છે પરંતુ તે પહેલાં યજમાન ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી પાંચ વન-ડે મેચની શ્રેણીમાં રનનો વરસાદ થયો હતો. શ્રેણીની છેલ્લી અને પાંચમી વન-ડે લીડ્સ ખાતે રમાઇ હતી જેમાં યજમાન ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ૫૪ રનથી હરાવીને ૪-૦થી શ્રેણી જીતી લીધી હતી.

પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનના બેટ્સમેનોએ બોલર્સની જોરદાર ધોલાઇ કરી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવીને તમામને ચકિત કરી દીધા છે.

દ્વિપક્ષીય શ્રેણીમાં ઇંગ્લેન્ડનો દબદબો રહ્યો

પાકિસ્તાન સામેની શ્રેણીમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા ઉપરાંત ઇંગ્લેન્ડે હરીફ ટીમે સામેની છેલ્લી ૧૧ દ્વિપક્ષીય શ્રેણીમાંથી ૧૧ જીતી છે અને એક ડ્રો રહી હતી. આમ વન-ડે રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે રહેલી ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં હોટ ફેવરિટ તરીકે પોતાને સ્થાપિત કરી દીધી છે.

ચાર મેચમાં વિક્રમી ૧,૪૨૪ રન નોંધાવ્યા

ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણીમાં કુલ ૧૪૨૪ રન બનાવ્યા હતા જે કોઇ એક શ્રેણીમાં (વધારેમાં વધારે ચાર મેચ) કોઇ પણ ટીમ દ્વારા નોંધાવવામાં આવેલા સર્વાધિક રન છે. આ સાથે ઇંગ્લેન્ડે ભારતનો ૧૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ભારતે ૨૦૦૯માં શ્રીલંકા સામે કુલ ૧૨૭૫ રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડનો આ રેકોર્ડ કેટલાક વર્ષ સુધી અકબંધ રહે તેવી પૂરી સંભાવના છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડે આયરલેન્ડ તથા બાંગ્લાદેશ સામે ૨૦૧૭માં ૧૧૬૧ રન બનાવ્યા હતા. ૨૦૧૭માં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝ સામે કુલ ૧૧૫૮ રન નોંધાવ્યા હતા તો કેરેબિયન ટીમે વળતો પ્રહાર કરીને ૧૧૫૩ રન બનાવ્યા હતા.

સતત ૪ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડનો ૩૪૦ પ્લસનો સ્કોર નોંધાવ્યો

ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામેની શ્રેણીની ચાર મેચમાં ૩/૩૭૩, ૪/૩૫૯, ૭/૩૪૧ તથા ૯/૩૫૧નો સ્કોર નોંધાવ્યો હતો. આ રીતે તે સતત ૪ ઇનિંગ્સમાં ૩૪૦ પ્લસનો સ્કોર નોંધાવનાર પ્રથમ ટીમ બની ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન