પર્યાવરણલક્ષી નવી હરિયાળી ક્રાંતિની જરૂર - Sandesh
  • Home
  • Columnist
  • પર્યાવરણલક્ષી નવી હરિયાળી ક્રાંતિની જરૂર

પર્યાવરણલક્ષી નવી હરિયાળી ક્રાંતિની જરૂર

 | 2:47 am IST

ઓવર વ્યૂ

કેટલાક લોકોનો ઉછેર શાકાહારી કુટુંબમાં થતો હોય છે ત્યારે માતાઓ માંસાહારી પરિવારોને જોઈને એક પ્રશ્નનો સામનો કરતી હોય છે કે તેમના શાકાહારી પરિવારને પૂરતું પ્રોટીન કઇ રીતે પૂરું પાડવું ? કઠોળ એક વિકલ્પ ખરો, પરંતુ વધુ પ્રોટીન કઈ રીતે મેળવવું? પોતાના કુટુંબને પૂરતો પ્રોટીનયુક્ત ખોરાક નથી મળી રહ્યો એવી માન્યતા સાથે જ કેટલીક માતા માંસ આધારિત ખોરાક તરફ વળતી હોય છે. આવું બધું થયા કરે છે, પરંતુ વનસ્પતિજન્ય આહાર પણ પ્રોટીન પૂરું પાડતું શક્તિશાળી માધ્યમ કઈ રીતે બની શકે તે મુદ્દે આપણામાં જાગૃતિ ખરી ?

તમને ખબર છે કે તમારી એક પ્લેટ બટર ચિકન-રાઇસ પાછળ ૩૦૦ લિટર પાણી ખર્ચાય છે? આહારસામગ્રી માટે પોલ્ટ્રી અને પશુપાલન કરવાથી તેમજ વધુ પડતા પાણીની જરૂર પડે તેવા રોકડિયા પાકો લેવાથી પર્યાવરણને નુકસાન થતું હોય છે. આ સમસ્યાનો સામનો કરવા ભારતે પરવડી શકે તેવો પૌષ્ટિક આહાર અને વેપારી રાહે નફાકારક ખેતી થઈ શકે તે મુદ્દે ઐતિહાસિક અભિગમ અપનાવવાની જરૂર છે. એવી ખેતી કે જે પર્યાવરણ રાહે ચોખ્ખી હોય અને કુદરતી સંસાધનો પર લઘુતમ વિપરીત અસરો છોડતી હોય.

કોલિન્સનો શબ્દકોશ વર્ષ ૨૦૧૯ માટે ‘ક્લાઇમેટ ચેન્જ’ શબ્દ તે વર્ડ ઓફ ધ યર હોવાનું જણાવે છે. જળવાયુ પરિવર્તનના વિરોધમાં આટલો બહોળો અને વ્યાપક અવાજ જોવા નહોતો મળ્યો. સરકારો અને નીતિના ઘડવૈયાઓ પર ક્લાઇમેટ ચેન્જને મુદ્દે દબાણ વધતું રહે છે. નીતિવિષયક ચર્ચાઓ વખતે જળવાયુ પરિવર્તન કે પર્યાવરણ પર અસર જેવા મુદ્દે ચર્ચા કરવી જ રહે. સરકારો પ્રદૂષણ નિવારતી નીતિઓ ઘડતી રહે છે તો કંપનીઓ પણ કાર્બન ફૂટપ્રિન્ટના પ્રમાણને ઘટાડવા પગલાં લેતી રહે છે. પરંતુ હકીકત એ છે કે પ્રદૂષણને વધારવામાં માત્ર ઉદ્યોગોનું જ મોટું પ્રદાન નથી. વિમાનો અને કાર દ્વારા થતા ઉત્સર્જન કરતાં ગાય, ઘેટાં અને મરઘાં જેવા પશુપાલનને કારણે વાતાવરણમાં પ્રદૂષણ વધુ ફેલાય છે. યુરોપમાં પશુપાલન સાથે થતી ખેત પ્રવૃત્તિ પ્રદૂષણ વધારવામાં મોટું પ્રદાન કરતી હોય છે તેવી માન્યતા પ્રવર્તી રહી છે.

વિશ્વમાં ૭૦ ટકા વિસ્તારમાં પાણી પથરાયેલું હોવા છતાં તાજું અને ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીનો જથ્થો માત્ર ૨.૫ ટકા જ છે. બાકીનું પાણી ખારું હોય છે અને દરિયાનું હોય છે. તેમ છતાં ૧ ટકા જેટલા પાણી સુધી આસાનીથી પહોંચી શકાય તેવી સ્થિતિ છે. એક ટકા જેટલું તાજું પાણી હિમખંડો અને બરફ આચ્છાદિત પ્રદેશમાં સચવાતું હોય છે. ટૂંકમાં પૃથ્વી ગ્રહ પરની ૬.૮ અબજ વસતીના પાલનપોષણ માટે માત્ર ૦.૦૦૭ ટકા પાણી જ ઉપલબ્ધ છે.

પાણી તે કિંમતી સંસાધન છે. ભૂગર્ભ જળની નીચી સપાટી જેવી સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતો કરતાં આ વાત સારી રીતે કોણ સમજી શકે? આ વર્ષે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ૫૪ લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું ધોવાણ થયું. આટલી સમસ્યા ઓછી હોય એમ હજી પણ જૂની સિંચાઈ પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી ભારતના મોટાભાગના પ્રદેશોમાં ભૂગર્ભ જળના તળિયા ઊંડાં જઈ રહ્યાં છે. આસપાસના વિસ્તારોમાં પરાળી બાળવાને કારણે દિલ્હી પ્રદૂષિત હવાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પરંપરાગત ખેતીની પ્રદૂષણની સ્થિતિ પર પડતી વિપરીત અસરનું આ પણ એક ઉદાહરણ છે.

ખેડૂતો સૂઝબૂઝ અને ડહાપણ સાથે પાક પસંદગી કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ. ભારત દર વર્ષે ૧૨ લાખ ટન ડાંગર પકવે છે. સરકાર ટેકાના ભાવે તેને ખરીદ કરવા પ્રતિબદ્ધતા દાખવતી હોવાથી ખેડૂતોને તે પાક લેવા પ્રોત્સાહન મળતું રહે છે. પરંતુ ડાંગરની ખેતીનું ઉધાર પાસું એ છે કે એક કિલો ડાંગર પકવવા ત્રણથી પાંચ હજાર પાણીનો વપરાશ થતો હોય છે. પાણીનો વધુ વપરાશ કરતાં અન્ય રોકડિયા પાકની વાત કરીએ તો તેમાં કપાસ, સોયાબિન, ઘઉં અને શેરડીનો પણ સમાવેશ થાય છે. આ પાકો પ્રતિ કિલો ઉત્પાદને ૫૦૦ થી ૫૦૦૦ લિટર સુધીના પાણીનો વપરાશ કરતા હોય છે. બીજી તરફ જુવાર, બાજરી કે કઠોળ જેવા પાક તેનાથી અડધા પાણીના વપરાશથી પાકતા હોય છે. બાજરી, જુવાર કે કઠોળ પણ સારા પ્રમાણમાં પ્રોટીન પૂરું પાડતા હોય છે અને પાણીનો વપરાશ પણ ઓછો થતો હોય છે.

તાજેતરમાં જ ગુડ ફડ ઇન્સ્ટિટયૂટ દ્વારા તાજેતરમાં પ્રોટીનના ભાવિ વિષયે એક પરિસંવાદ યોજાઈ ગયો. પરિસંવાદમાં વનસ્પતિ આધારિત પ્રોટીન્સ જેવા વિષયને સર્મિપત બે પેનલ્સે રાગી, અમરાન્થ અને જુવાર જેવા ક્લાઇમેટ અને ખેડૂત એમ બંનેને અનુકૂળ પાકો વિષે વિસ્તારપૂર્વક વાત કરી હતી. આ પેનલ્સના તજ્જ્ઞોએ આ પાકો માટે વેલ્યુ ચેન ઊભી કરીને બજાર સાથે આ પેદાશોને સાંકળવા પર ભાર મૂક્યો હતો. હરિયાણી ક્રાંતિ ઘઉં અને ડાંગર ઉત્પાદન પર ભાર મૂકતી હતી. તેવામાં હવે નવી કૃષિ ક્રાંતિની જરૂર છે. પર્યાવરણ, વિકાસ અને ખેડૂત કલ્યાણ પર ખાસ ધ્યાન આપતી હરિયાળી ક્રાંતિ. પર્યાવરણને અનુકૂળ પાકો પર ધ્યાન આપીને હવે પછીની ક્રાંતિ ખેડૂતોને સ્થિર આવક આપતા અને ઓછા પાણીએ પાકતા પાક પકવવા પ્રેરી શકે.

પર્યાવરણને અનુકૂળ હોય તેવા પાક લેવાથી બેવડા લાભ થતા હોય છે. આહાર પ્રણાલી પણ સુધરતી હોય છે. સ્વસ્થ ભોજન મળતું થાય છે. તમારા શરીર માટે તમે શાકાહારી બનો તે સૌૈથી મોટા ફાયદાકારક હોય છે. વિકાસ, જળવાયુ પરિવર્તન અને ખેડૂત કલ્યાણ એમ તમામ મુદ્દાને એક સાથે સાંકળીને વિચારણાઓ થવી જોઈએ. આ ત્રણેયને અલગ અલગ રાખીને સંપૂર્ણ વિચારણા સંભવ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર પોષણ અભિયાન કે નેશનલ ન્યૂટ્રિશન મિશન જેવા કાર્યક્રમ ચલાવી રહી છે. તે મિશન પણ આ ત્રણેય મુદ્દાને સાંકળવાનો પ્રયાસ જ છે. આ ત્રણેય બાબતો વચ્ચે સંતુલન વધારે તેવા નીતિવિષયક નિર્ણયોની આવશ્યકતા છે.

અર્થાત તમારી પ્લેટમાં તમારા માટે આરોગવા શું હોવું જોઈએ તે મુદ્દે પીછેહઠ કરીને વિચારવાની જરૂર છે. આપણે નવી હરિયાળી ક્રાંતિની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પર્યાવરણને અનુકૂળ ખેતી માટે આપણે પ્રોટીનસભર જુવાર અને બાજરી જેવી ખેતી તરફ પાછા વળીએ તે જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન