ઈક્વલ રેમ્યુનરેશનો કાયદો અને મહિલા - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ઈક્વલ રેમ્યુનરેશનો કાયદો અને મહિલા

ઈક્વલ રેમ્યુનરેશનો કાયદો અને મહિલા

 | 12:02 am IST

લો ફોર લેડિઝ :- ડો. અમી યાજ્ઞિાક

સ્ત્રીઓ અને પુરુષો માટે સમાન કામનું વેતન હોવું જોઈએ એ બંધારણીય આદર્શ છે અને દરિદ્રો, પછાત વર્ગના નાગરિકો અને અશિક્ષિત નાગરિકોનું શોષણ ન થાય એ જોવાની રાજ્યની ફરજ છે. સમાન વ્યક્તિઓ સાથે સમાન વર્તન કરવું એવો બંધારણીય અધિકાર આ કાયદાના મૂળમાં છે અને તેથી જ કામ કરવા માટે જતી મહિલાનું શોષણ ન થાય તે માટે “ઈક્વલ રેમ્યુનરેશન” નો કાયદો ૧૯૯૬માં ઘડવામાં આવ્યો. ભારતના બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના ક્ન્વેન્શન છે જેના આધારે આ કાયદો બન્યો. આ કાયદો કામદાર સ્ત્રીઓનું અયોગ્ય શોષણ અટકાવવા માટે ઘડવામાં આવ્યો. આ ધારાની કલમ-૪ પ્રમાણે સ્ત્રી અને પુરુષ કામદારને એક જ પ્રકારના એટલે કે સમાન કામ માટે સમાન વેતન આપવું એવી માલિકની જવાબદારીની જોગવાઈ છે. આનો મતલબ એમ કે નોકરીમાં રાખવા અંગે અને વેતન અંગે જો સ્ત્રી-પુરુષ વચ્ચે જે ભેદભાવ દર્શાવવામાં આવે છે તેનો આ કાયદો નિષેધ કરે છે. જે કામ કરવા માટે સ્ત્રી પર પ્રતિબંધ મૂક્યો હોય તે સિવાયનાં કામો માટે સ્ત્રી કામદારની નિમણૂક કરતી વખતે કામે રાખનાર માલિક સ્ત્રી-પુરુષના ભેદ પાડી સ્ત્રીની નોકરીની તકોને અસમાન અને અન્યાયી બનાવી શકશે નહીં.

સમાન કામ એટલે પુરુષ અને સ્ત્રી કામદાર એક જ પ્રકારની પરિસ્થિતિમાં એકસરખી બુદ્ધિ, પ્રયત્ન અને જવાબદારી દાખવતાં હોય તો તેવું કામ. આ કાયદો ગેઝેટમાં યોગ્ય જાહેરનામામાં પ્રસિદ્ધ કરીને હોસ્પિટલ, ર્નિંસગ હોમ, શૈક્ષણિક સંસ્થા, ટેક્ષટાઈલ ઉદ્યોગ, વિમાની સેવાઓ વગેરેને લાગુ પડયો છે. આ કાયદાનો અમલ બરાબર રીતે થાય અને મહિલાને રોજગારીની તકો પ્રાપ્ત થાય તે માટે દરેક રાજ્યમાં સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. આ કાયદાની કલમ ૬ (૧) પ્રમાણે સલાહકારક સમિતિઓ એકથી વધુ હોઈ શકે. કમિટીનું કામ, કેન્દ્ર સરકાર જાહેર કરે તે તે સંસ્થાઓમાં કેટલી સ્ત્રીઓને કામે લગાડવી તે વિશે સલાહ આપવાનું છે. કમિટીમાં દશ વ્યક્તિઓની નિમણૂક કરવાની હોય છે જેમાંથી અડધો અડધ વ્યક્તિ સ્ત્રીઓ હોવી જોઈએ. સલાહ આપતાં પહેલાં કમિટી ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે જેમ કે, (૧) નોકરીએ રાખવામાં આવેલી સ્ત્રીઓ (૨) તેમના કામનો પ્રકાર, (૩) તેમના કામના કલાકો, (૪) નોકરીમાં તેમની અનુકૂળતા, (૫) સ્ત્રીઓને ખંડ સમય માટે નોકરીએ રાખવાની જરૂર, (૬) અન્ય સંગત બાબતો. કંઈપણ બાબત બને તો કમિટીએ જે તે સંસ્થાના માલિકને સાંભળવાની તક આપવી પડે છે. જો કમિટીની સૂચનાનો અનાદર થાય તો તે શિક્ષાપાત્ર છે. આ કાયદા પ્રમાણે જે જગ્યાએ કામદારોને કામ આપવામાં આવતું હોય તેવી જગ્યાએ “ઈન્સ્પેક્શન” કરવાનું હોય છે અને જો કોઈ સંસ્થા આ કાયદાનું ઉલ્લંઘન કરતી હોય અને તે વિશે ફરિયાદ કરે તો તેની નોંધ લઈ કોર્ટો પગલાં લઈ શકે છે.

આ કાયદાની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તેની તપાસણી માટે રાખેલા ઈન્સ્પેક્ટર સમક્ષ જો જરૂરી માહિતી રજૂ ન કરાય તો આ કાયદાની કમલ-૧૦ (૩) પ્રમાણે માલિકને શિક્ષા થઈ શકે છે. માલિક અને કામદાર વચ્ચે નોકરીના કરારમાં, કોઈ કાયદામાં કે કોઈ એવોર્ડ કે સમજૂતીમાં ગમે તે હોય તો પણ આ કાયદાની જોગવાઈઓનો અમલ કરવાનો રહે છે. સુપ્રિમ કોર્ટએ અનેકવાર કહેલ છે કે, ઈકવલ રેમ્યુનરેશન એક્ટની જોગવાઈઓમાં, બંધારણના આર્ટિકલ્સ-૧૪માં રહેલો સમાનતાનો જે સિદ્ધાંત છે તે સ્પષ્ટ રીતે છતો થાય છે.

સ્ત્રી અને પુરુષ સમાન કામ કરે છે કે નહીં એ નક્કી કરવા માટે ત્રણ બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. પહેલું એ કે આ બાબતની વિચારણાં કરતાં મેનેજમેન્ટે વિશાળ દ્રષ્ટિ રાખવાની હોય છે. બીજું, બે કામ વચ્ચે તફાવત હોય તો તેવા તફાવતની કોઈ વ્યવહારુ ઉપયોગીતા છે કે કેમ તે નક્કી કરવા માટેનો તેનો અભિગમ પણ ઉદાર અને વિશાળ દ્રષ્ટિવાળો હોવો જોઈએ એટલે કે તેમણે ખુલ્લા મને આ બાબત પર વિચાર કરવો જોઈએ અને ત્રીજી બાબત એ છે કે સ્ત્રી અને પુરુષ ખરેખર જે કામ કરે છે તેને ધ્યાનમાં લેવાનું છે, નહીં કે જે સૈદ્ધાંતિક રીતે થઈ શકે છે. તે જ્યાં સ્ત્રી અને પુરુષનાં કામ અલગ હોય. દા.ત. એવું કામ જે સ્ત્રીઓ કરી શકતી નથી એટલે કે વાહનોમાં માલ ચઢાવવાનું અને તેમાંથી માલ ઉતારવાનું, તો ત્યાં તેમના પગારમાં અસમાનતા હોય તો તેને ભેદભાવ ગણવામાં નહીં આવે. આમ જ્યાં ભેદભાવની ફરિયાદ થતી હોય ત્યાં તેમના કામનું યોગ્ય અને ન્યાયી મૂલ્યાંકન કરવામાં આવવું જોઈએ.

[email protected]