Euro Cup: Italy beat Spain 4-2 in penalty shootout to reach final
  • Home
  • Sports
  • Football
  • યૂરો કપ : પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 4-2થી હરાવી ઇટાલી ફાઇનલમાં

યૂરો કપ : પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 4-2થી હરાવી ઇટાલી ફાઇનલમાં

 | 6:00 am IST
  • Share

। લંડન ।

યુરોપિયન ફૂટબોલના મહાકુંભ યૂરો કપ ૨૦૨૦ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. બુધવારે રમાયેલી હાઇવોલ્ટેજ સેમિફાઇનલમાં ઇટાલીએ પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને ૪-૨થી પરાજય આપ્યો હતો. ૧૧ જુલાઈએ રમાનારી ફાઇનલ પહેલાં એક દાવેદાર તરીકે ઇટાલી ફાઇનલમાં પહોંચી ગયું છે. હવે ઇંગ્લેન્ડ અને ડેનમાર્ક વચ્ચે જે વિજેતા બનશે તેની સાથે ઇટાલીનો મુકાબલો થશે. રોબર્ટો મનચિની અને લૂઈ એનરિકેની ટીમો દ્વારા ૧૨૦ મિનિટના હાઇવોલ્ટેજ મુકાબલામાં એકબીજાને સતત પછાડવામાં આવ્યા હતા. આ સમયના અંતે બંને ટીમ વચ્ચે ૧-૧થી ટાઈ પડી હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા મેચનું પરિણામ લાવવાનું નક્કી કરાયું હતું. પેનલ્ટી શૂટઆઉટમાં ઇટાલીએ ૪-૨થી સ્પેનને પરાજય આપ્યો હતો. આ સાથે જ ઇટાલીએ યૂરો કપ ૨૦૧૨માં સ્પેને ફાઇનલમાં આપેલા પરાજયનો બદલો ૯ વર્ષે વાળી લીધો હતો. ઇટાલી ચોથી વખત યૂરો કપની ફાઇનલમાં પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઇટાલી ૧૦મી વખત કોઈ મોટી ટૂર્નામેન્ટ (વર્લ્ડ કપ-યૂરો કપ) જેવી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. ઇટાલીની ટીમ ફૂટબોલમાં છેલ્લી ૩૩ મેચથી અજેય રહી છે જે એક અનોખો નેશનલ રેકોર્ડ પણ છે.

૩૦ મિનિટનો એક્સ્ટ્રા ટાઇમ પણ અનિર્ણાયક રહ્યો

મેચની ૯૦ મિનિટ પૂરી થયા બાદ પરિણામ લાવવા માટે વધારાની ૩૦ મિનિટ આપવામાં આવી હતી. આ ૧૨૦ મિનિટ અનિર્ણાયક જ રહી હતી. મેચ ૧-૧થી સરભર જ રહી હતી. મહત્ત્વની વાત એ છે કે, મેચના ર્ફ્સ્ટ હાફમાં સ્પેનની ટીમ ખૂબ જ એગ્રેસિવ જોવા મળી હતી. ઇટાલી ઉપર તેનું પ્રભુત્વ જોઈ શકાતું હતું છતાં ઇટાલીએ સંયમ જાળવીને સામનો કર્યો. ફર્સ્ટ હાફમાં સ્પેને પાંચ વખત ગોલ કરવાનો પ્રયાસ કર્યો જ્યારે ઇટાલી એક જ વખત આવો પ્રયાસ કરી શક્યું હતું. સેકન્ડ હાફમાં બંને ટીમોએ ૧-૧ ગોલ         નોંધાવ્યા હતા.

યૂરો કપમાં સતત બીજી વખત શૂટઆઉટ મેચ

યૂરો કપના ઇતિહાસમાં હજી સુધી કોઈ ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં સતત બે મેચ જીતી નથી. સ્પેનની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં સતત બીજી વખત પેનલ્ટી શૂટઆઉટ દ્વારા મેચનું પરિણામ લાવવા માટે ટકરાઈ હતી. આ પહેલાં ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝર્લેન્ડ સામે શૂટઆઉટ થયું હતું. તેમાં સ્પેનનો વિજય થયો હતો અને સેમિફાઇનલમાં તેનો પરાજય થયો હતો.

સ્પેન – ઇટાલી

હિસ્ટ્રી એટ એ ગ્લાન્સ

  • યૂરો કપ ૨૦૧૬માં પ્રી-ક્વાર્ટરની ટક્કરમાં ઇટાલીએ ૨-૦થી સ્પેનને હરાવ્યું હતું
  • યૂરો કપ ૨૦૧૨ની ફાઇનલમાં સ્પેને ૪-૦થી ઇટાલીને ઘમરોળ્યું હતું
  • યૂરો કપ ૨૦૦૮ની ક્વાર્ટર ફાઇનલમાં સ્પેને પહેલી વખત પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી ઇટાલીને હરાવ્યું હતું
  • ઇટાલી અને સ્પેન અત્યાર સુધીમાં ૩૭ વખત ટકરાયા છે જેમાં બંનેનો ૧૧-૧૧ મેચમાં વિજય થયો છે જ્યારે ૧૫ મેચ ડ્રો થઈ હતી
  • યૂરો કપમાં બંને ટીમ છ વખત ટકરાઈ છે જેમાં ઇટાલી બે વખત અને સ્પેન એક વખત જીત્યું છે જ્યારે ત્રણ મેચ ડ્રો ગઈ છે
  • ઇટાલી અત્યાર સુધીમાં બે વખત યૂરો કપનું રનર્સ અપ રહ્યું છે

ર્ફ્સ્ટ હાફમાં બંને ટીમો ગોલ કરવામાં નિષ્ફળ રહી

ઇટાલી અને સ્પેન દ્વારા મેચની પહેલી સેકન્ડથી એકબીજાને હંફાવવા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા. બંને ટીમો દ્વારા એટેક અને ડિફેન્સનું અદ્ભુત બેલેન્સ રજૂ કરવામાં આવ્યું હતું. તેના પગલે જ કદાચ ફર્સ્ટ હાફમાં બંને ટીમો એકપણ ગોલ કરી શકી નહોતી. સેકન્ડ હાફમાં મેચ પલટાઈ હતી. મેચની ૬૦મી મિનિટે ઇટાલીએ અને ૮૦મી મિનિટે સ્પેને ગોલ કરીને મેચમાં વાપસી કરી હતી. મેચ ૧-૧થી સરભર થઈ હતી..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો