યુરોપમાં બિસ્ટ ઓફ ઇસ્ટનો આતંક ૧૫ દેશોમાં માઇનસ ૨૦ ડિગ્રી ઠંડી, ૪૮નાં મોત - Sandesh
  • Home
  • Ahmedabad
  • યુરોપમાં બિસ્ટ ઓફ ઇસ્ટનો આતંક ૧૫ દેશોમાં માઇનસ ૨૦ ડિગ્રી ઠંડી, ૪૮નાં મોત

યુરોપમાં બિસ્ટ ઓફ ઇસ્ટનો આતંક ૧૫ દેશોમાં માઇનસ ૨૦ ડિગ્રી ઠંડી, ૪૮નાં મોત

 | 4:41 am IST

લંડન, તા. ૧

સાઇબીરિયાના કાતિલ ઠંડા પવનોએ યુરોપના ઉત્તરથી માંડીને દક્ષિણમાં ભૂમધ્ય સમુદ્ર સુધીના દેશોને થિજાવી દીધા છે. ગુરુવારે પણ હાડ થિજાવી નાખતા ઠંડા પવન સાથે ભારે હિમવર્ષાએ યુરોપના ૧૫ દેશોમાં જનજીવન થિજાવી દીધું હતું. ગયા શુક્રવારથી યુરોપમાં શરૂ થયેલાં કાતિલ ઠંડીનાં મોજાંમાં ઓછામાં ઓછાં ૪૮ લોકોનાં મોત થયાં છે. હવામાન એજન્સીઓ હજુ ઠંડી વધવાની આગાહી કરી રહી છે. કાતિલ શિયાળાને કારણે પોલેન્ડમાં ૧૮, ચેક રિપબ્લિકમાં ૬, લિથુએનિયામાં પાંચ, ફ્રાન્સ અને સ્લોવાકિયામાં ચાર-ચાર, ઇટાલી, ર્સિબયા, રોમાનિયા અને સ્લોવેનિયામાં બે-બે અને સ્પેનમાં એક વ્યક્તિનું મોત થયું હતું. લંડનમાં એક ૬૦ વર્ષીય વૃદ્ધ તળાવમાં પડી જતાં થીજી ગયો હતો.

સાઇબીરિયા પરથી ફૂંકાઈ રહેલા ઉત્તર ધ્રુવીય પવનોએ સમગ્ર યુરોપને કાતિલ સકંજામાં ઘેરી લીધો છે. સમગ્ર યુરોપમાં શાળા-કોલેજો બંધ કરી દેવાઈ છે. સાઇબીરિયામાંથી આવેલાં આ બરફનાં તોફાનને બ્રિટનમાં બિસ્ટ ફ્રોમ ધ ઇસ્ટ, હોલેન્ડમાં સાઇબીરિયન બેર, સ્વિડનમાં સ્નો કેનનનાં નામ અપાયાં છે. બરફનાં આ તોફાનને કારણે યુરોપના મોટાભાગના દેશોમાં રેડ એલર્ટ જારી કરાયું છે જ્યારે બ્રિટનમાં સૈન્ય સાબદું કરવામાં આવ્યું છે.  બ્રિટનના ઇતિહાસમાં આ સૌથી વધારે તીવ્રતા વાળો એલર્ટ અપાયો છે.

ગ્રીનલેન્ડમાં માઇનસ ૪૩ અને સ્વિટ્ઝરલેન્ડમાં માઇનસ ૩૬ ડિગ્રી ઠંડી

યુરોપના મોટાભાગના દેશોમાં તાપમાનનો પારો તળિયે બેઠો છે. મોટાભાગના દેશોમાં માઇનસ ૨૦ ડિગ્રી સુધી પારો ગગડી ગયો છે. બ્રિટનમાં માઇનસ ૨૩ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે જે છેલ્લાં ૫૫ વર્ષનું સૌથી ઓછું તાપમાન છે. ઇટાલીનાં નેપલ્સમાં હિમવર્ષાએ ૫૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે. રાજધાની રોમમાં ૩૨ વર્ષમાં બીજી વાર હિમવર્ષા થઈ છે. રશિયાનાં મોસ્કોમાં માઇનસ ૨૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગ્રીનલેન્ડમાં ઠંડીનો પારો માઇનસ ૪૩ ડિગ્રી પર પહોંચી ગયો હતો. સ્વિટ્ઝરલેન્ડના ગ્લેત્તાપમાં માઇનસ ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ડાય અનધર ડેની યાદ તાજી

  • ગ્લોબલ વોર્મિંગ સક્રિય થઈ ગયું હોવાની વૈજ્ઞાનિકોની માન્યતા.
  • સપ્તાહાંતમાં બ્રિટનમાં ઠંડીમાંથી છુટકારો નહીં મળે.
  • આયરલેન્ડમાં દાયકાઓની સૌથી ભારે હિમવર્ષાની આગાહી.
  • લોકોએ દૂધ અને બ્રેડનો સંગ્રહ કરવા માંડયો.

ગ્લાસગો એરપોર્ટ બંધ કરાયો

સ્કોટલેન્ડમાં આવેલું ગ્લાસગો એરપોર્ટ ગુરુવારે સવારે બંધ રહ્યું હતું. એડિનબર્ગથી ઊપડતી મોટાભાગની ફ્લાઇટ રદ કરી દેવાઈ હતી. ધોરીમાર્ગો પર મોટી સંખ્યામાં વાહનો ફસાયાં છે. ઇમર્જન્સી સેવાના કર્મચારીઓ વાહનચાલકોને બચાવવા ભારે સંઘર્ષ કરી રહ્યા છે. રેલવે પરિવહન પણ ઠપ થઈ ગયું છે. યુરોપનાં વિમાનીમથકો પર સેંકડો ફ્લાઇટ રદ થતાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ફસાયાં છે.

રાતદિવસ શેલ્ટરહોમ ખુલ્લાં રાખવા આદેશ

બરફનું તોફાન ઉગ્ર બને તેવી સંભાવનાને જોતાં સ્કોટલેન્ડ, આયરલેન્ડ અને ફ્રાન્સે રેડ એલર્ટની જાહેરાત કરી હતી. સૌથી વધુ મોત બેઘર લોકોનાં થયાં છે. યુરોપનાં તમામ શહેરોમાં ઇમર્જન્સી શેલ્ટર ખોલવામાં આવ્યાં છે. લોકોને સ્પેસ બ્લેંકેટ અપાયા છે. જર્મનીમાં તમામ શેલ્ટર ૨૪ કલાક ખુલ્લાં રાખવાની અપીલ કરાઈ છે.