અમેરિકા અને રશિયા પછી યુરોપની સંસદનું સર્જિકલ સ્ટ્રાઈકને સમર્થન - Sandesh
  • Home
  • Featured
  • અમેરિકા અને રશિયા પછી યુરોપની સંસદનું સર્જિકલ સ્ટ્રાઈકને સમર્થન

અમેરિકા અને રશિયા પછી યુરોપની સંસદનું સર્જિકલ સ્ટ્રાઈકને સમર્થન

 | 8:31 am IST

અમેરિકા, રશિયા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પછી યુરોપની સંસદે ભારતે પીઓકેમાં હાથ ધરેલી સફળ સર્જિકલ સ્ટ્રાઈકને સમર્થન આપ્યું છે. પશ્ચિમ વિશ્વનું આ મુદ્દે પ્રથમવાર ભારતને સમર્થન પ્રાપ્ત થયું છે.

યુરોપીય સંસદે મંગળવારે પ્રસિદ્ધ કરેલા લેખિત નિવેદનમાં સંસદના અધ્યક્ષ રિઝાઈ જારનેકીએ જણાવ્યું હતું કે ભારતની સહરદે આતંકવાદીઓ સામેની કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય સમુદાયે બિરદાવવી જોઈએ અને સમર્થન આપવું જોઈએ.

ભારતની સફળ સર્જિકલ સ્ટ્રાઈકને પશ્ચિમના વિશ્વે પ્રથમવાર સમર્થન આપ્યું છે. સંયુક્ત અરબ અમિરાત (યુએઈ)એ પણ ઉરી હુમલાનું ષડયંત્ર ઘડનારા સામે ભારતે હાથ ધરેલી સફળ કાર્યવાહીને સમર્થન આપવાના સંકેત આપ્યા છે. ભારત સરકાર અને ભારતીય સૈન્યના પ્રોફેશનલ વર્તણુંકની પ્રશંસા કરતાં યુરોપિયન યુનિયન (ઈયુ)ના વાઈસ પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે સંદેશ એકદમ સ્પષ્ટ છે કે ભારત હવે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને ઉશ્કેરણી અને પ્રોત્સાહન આપવા દેશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં સંભવિત પ્રથમવાર આ કાર્યવાહી કરી છે અને આ વર્ષે ભારતીય સુરક્ષા પ્રતિષ્ઠાનો પર થયેલા હુમલાનો જવાબ છે. જાન્યુઆરીમાં આતંકવાદીઓ પઠાણકોટ એરબેઝ અને સપ્ટેમ્બરમાં ઉરી સેના મથકમાં ત્રાટક્યા હતાં. આ બંને સૈન્ય પ્રતિષ્ઠાન પાકિસ્તાન સાથેની સરહદની નજીક છે. આ હુમલા પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથોએ કર્યા હતા અને આ જૂથના આતંકીઓ સીમા પાર કરીને આવ્યા હતાં.

જારનેકીએ વધુમાં કહ્યું હતું કે ભારતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ હુમલા પાકિસ્તાન પર નહીં, પરંતુ આ વિસ્તારમાં શાંતિ તથા સ્થિરતા માટે જોખમકારક બની ગયેલા આતંકવાદી જૂથો પર કરાયા હતાં. પાકિસ્તાનમાં ઉછરી રહેલા આતંકવાદા સામેની લડતમાં ભારતને વૈશ્વિક સમર્થન મળવું જોઈએ. કારણ કે આતંકવાદનો સફાયો નહીં કરાય તો આતંકીઓ અને આતંકવાદી જૂથો યુરોપ તેમજ પશ્ચિમના દેશોમાં ટૂંક સમયમાં હુમલા કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન