યુરોપનાં સૌથી મોટાં કારબજાર જર્મનીમાં ડીઝલ કાર પર પ્રતિબંધનો માર્ગ મોકળો થયો - Sandesh
  • Home
  • Ahmedabad
  • યુરોપનાં સૌથી મોટાં કારબજાર જર્મનીમાં ડીઝલ કાર પર પ્રતિબંધનો માર્ગ મોકળો થયો

યુરોપનાં સૌથી મોટાં કારબજાર જર્મનીમાં ડીઝલ કાર પર પ્રતિબંધનો માર્ગ મોકળો થયો

 | 4:44 am IST

જર્મનીની સર્વોચ્ચ સંઘીય અદાલતે શહેરોને ડીઝલ કાર પર પ્રતિબંધ લગાવવા માટે અધિકાર આપ્યો છે. આ ચુકાદાની અસર જર્મનીની ૧.૨ કરોડ ડીઝલ કાર પર પડશે. લાઇપજિંગની સંઘીય પ્રશાસનિક અદાલતે બે રાજ્ય સરકારોનાં વલણને નકારી કાઢતાં શહેરોની ડીઝલ કારો પર પ્રતિબંધ લગાવવા માટે મંજૂરી આપી છે.

નીચલી અદાલત પહેલાં જ જર્મન શહેર સ્ટુટગાર્ડ અને ડયૂસેલડોર્ફમાં ડીઝલ કારો પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. બે રાજ્યોએ નીચલી અદાલતના આ ચુકાદાને સંઘીય અદાલતમાં પડકાર્યો હતો. સંઘીય અદાલતના ચુકાદાની અસર જર્મનીનાં ૧.૨ કરોડ ડીઝલ વાહનો ઉપર પડશે, હવે જર્મનીનાં શહેર પ્રદૂષણનાં સ્તરને જોતાં ડીઝલ કારોનાં આવાગમન ઉપર પ્રતિબંધ લગાવી શકશે. જર્મની યુરોપનું સૌથી મોટું કારબજાર છે. ડીઝલ કારમાલિકો અને વાહનનિર્માતા કંપનીઓ હવે પ્રદૂષણ ઓછું કરવા માટે મોંઘી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડશે.

વર્ષ ૨૦૧૫માં જર્મનીની સૌથી મોટી કાર-કંપની ફોક્સવેગનનું ડીઝલગેટ(કાંડ) બહાર આવ્યું હતું. અમેરિકામાં કંપનીએ માન્યું કે તેમની કારોમાં ખાસ સોફ્ટવેર લગાવીને ઉત્સર્જન તપાસ એજન્સીઓને ગુમરાહ કરી હતી. ટેસ્ટ દરમિયાન ફોક્સવેગનની કાર ઓછું પ્રદૂષણ કરતી હતી, પરંતુ રસ્તા પર હંકારાય એ સાથે જ કાર ખૂબ જ નાઇટ્રોજન ઓક્સાઇડ છોડતી હતી. નાઇટ્રોજન ઓક્સાઇડ શ્વાસ સંબંધી કેટલીય બીમારી પેદા કરે છે.

જર્મનીનો ઓટોઉદ્યોગ લાખો લોકોને નોકરી આપે છે. ડીઝલ પર પ્રતિબંધની અસર રોજગારી અને કારઉદ્યોગ ઉપર પણ પડશે. ચાન્સેલર મર્કેલની સરકાર પર કાર-કંપનીઓ સાથે સારા સંબંધ રાખવાનો આરોપ લાગે છે. સરકારને લાગે છે કે ડીઝલ પર પ્રતિબંધ લગાવવાથી લાખો લોકો નારાજ થશે અને ટ્રાફિકવ્યવસ્થા પડી ભાંગશે. આ જ કારણ છે કે દેશમાં હવે પબ્લિક ટ્રાન્સપોર્ટને મુક્ત કરવા માટે પ્રોજેક્ટ શરૂ કરાઈ રહ્યા છે.