The window of the house are not opened due to the stench in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના આ વિસ્તારમાં દુર્ગંધના કારણે ઘરના બારી-દરવાજા પણ નથી ખોલાતા

અમદાવાદના આ વિસ્તારમાં દુર્ગંધના કારણે ઘરના બારી-દરવાજા પણ નથી ખોલાતા

 | 8:32 am IST
  • Share

  • રહેણાક વિસ્તારમાં ટૂટીફૂટી, દાળ, લોખંડના 60 જેટલાં કારખાનાઓ

  • સુવિધા પાર્ક, પાર્થ ટેનામેન્ટ સહિતના વિસ્તારોના રહેવાસીઓ ત્રાહિમામ્

 

નવા નરોડામાં દહેગામ રોડ પર રહેણાંક વિસ્તારની વચ્ચે જ 50થી 60 જેટલા નાના કારખાનાઓ ચાલતાં હોવાથી હવા પ્રદુષણ ફેલાઈ રહ્યું છે. ધૂમાડા અને માથુ ફાટી જાય તેવી દુર્ગંધના કારણે ત્યાંના રહેવાસીઓ પોતાના ઘરના દરવાજા અને બારીઓ પણ ખુલ્લી રાખી શકતાં નથી.

વાતાવરણ પણ ધૂમાડાથી ધૂંધળું બની જાય છે

સંદેશના વાચકે જણાવેલી આપવિતિ મુજબ દહેગામ રોડ પર નવા નરોડા વિસ્તારમાં 100થી વધુ સોસાયટીઓ આવેલી છે. જ્યાં કેટલોક જૂનો વિસ્તાર પણ છે. સુવિધા પાર્ક, પાર્થ ટેનામેન્ટ સહિતના વિસ્તારો અને તેની સામે સંપૂર્ણપણે રહેણાંક વિસ્તાર હોવા છતાં છેલ્લા ઘણા સમયથી 50થી 60 જેટલા નાના-મોટા કારખાનાઓ બરોકટોક ધમધમી રહ્યાં છે. જેમાંથી નીકળતો ધૂમાડો આસપાસના ફ્લેટ, મકાનોમાં જાય છે. વાતાવરણ પણ ધૂમાડાથી ધૂંધળું બની જાય છે. જેના કારણે ત્યાં રહેતાં નાગરિકોને ચોખ્ખો શ્વાસ લેવો મુશ્કેલ બની જાય છે. આટલું ઓછું હોય તેમ ધૂમાડાની સાથે તીવ્ર દુર્ગંધ પણ આવે છે. આના લીધે સ્થાનિક રહેવાસીઓને ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે.

દુર્ગંધના કારણે ગુંગળામણ અને બંધ રાખીએ તો ઘરમાં ગુંગળામણ

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ટુટીફુટી બનાવવાના સૌથી વધુ કારખાના છે. આ ઉપરાંત દાળના કારખાના અને લોખંડની ભઠ્ઠીઓ પણ આવેલી છે. સુવિધા પાર્ક સોસાયટીમાં રહેતાં એક રહેવાસીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે તેમની સોસાયટી પાસે જ ટુટીફુટી બનાવવાનું એક કારખાનું ચાલી રહ્યું છે. જેમાંથી સતત તીવ્ર દુર્ગંધ સાથે ધુમાડો નીકળતો હોય છે. અમારા ઘરની પાછળ જ આ કારખાનું હોવાથી આખો દિવસ ઘરના બારી-બારણા બંધ રાખવા પડે છે. જો બારી બારણા ખુલ્લા રાખીએ તો ધૂમાડા અને દુર્ગંધના કારણે ગુંગળામણ અને બંધ રાખીએ તો ઘરમાં ગુંગળામણ થાય છે.

ઘરે-ઘરે કોઈને કોઈ બિમારી જોવા મળી

અન્ય એક રહેવાસીએ જણાવ્યું કે એક કારખાનામાં ચીમની છે. જેમાંથી ધૂમાડો નીકળતો જોઈ શકાય છે. અન્ય કારખાનાઓમાં ચીમની ન હોવાના કારણે ધૂમાડો નીચે ને નીચે પ્રસરે છે. જે સીધો જ આસપાસની સોસાયટીઓમાં આવે છે. આના લીધે ઘરે-ઘરે કોઈને કોઈ બિમારી જોવા મળી રહી છે. કોઈને અસ્થમા છે તો કોઈને સાઈનસ છે. કોઈને એલર્જીની સમસ્યા થઈ છે તો કોઈને ફેફસાનું કેન્સર પણ થયું હોવાનું જાણવા મળ્યું છે.

ચોખ્ખો એક શ્વાસ ન આપી શકે તો આ સરકારનું કરવાનું શું?

પાર્થ ટેનામેન્ટમાં રહેતાં એક રહેવાસીનું કહેવું છે કે કેટલાક કારખાનાઓમાંથી નીકળતો પ્લાસ્ટિક વેસ્ટ, થર્મોકોલ સહિતનો કચરો જાહેરમાં ખુલ્લામાં સળગાવાય છે. જેના લીધે હવાનું પ્રદુષણ વધે છે. લોખંડના કારખાનાઓમાંથી સતત અવાજ આવતો હોવાથી અવાજ પ્રદુષણની સમસ્યા પણ એટલી જ સતાવી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ એકસૂરે એવો મત વ્યક્ત કર્યો હતો કે સરકાર અમદાવાદ જેવા શહેરમાં જો ચોખ્ખો એક શ્વાસ ન આપી શકે તો આ સરકારનું કરવાનું શું?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો