ઘટના અને ઘટન : મણિલાલ એમ. પટેલ - Sandesh
  • Home
  • Columnist
  • ઘટના અને ઘટન : મણિલાલ એમ. પટેલ

ઘટના અને ઘટન : મણિલાલ એમ. પટેલ

 | 1:00 am IST

છ ડિસેમ્બર, ૧૯૯૨ની ઘટનાને ૨૭ વર્ષનાં વહાણાં વાયાં છતાં પણ પ્રશ્ન હજુ ઠેરનો ઠેર જ છે, કેમ કે એ પ્રશ્નને ઉકેલવા કરતાં ગૂંચવવામાં યા લટકાવી રાખવામાં જ વધુ રાજકીય લાભાલાભ છે તેનો રાજકીય પક્ષોને સત્તા મેળવવા ને સાચવવા માટે સુખદ લાભ ને અનુભવ થયો છે, એટલે તો બે દાયકાથી દરેક ચૂંટણી સમયે તેનું પ્રજાને સ્મરણ કરાવીને ચગાવાય છે. હિંદુ-મુસ્લિમ પ્રશ્ન બનાવીને મતનું તરભાણું ભરવાનો જાણે સમગ્ર મુદ્દો બની ગયો છે, એટલે રામાયણમાં તો રામને ૧૪ વર્ષ વનવાસ મળ્યો હતો પણ અયોધ્યામાં તો ૭૨ વર્ષથી ઠેરના ઠેર છે. રાજકીય પક્ષો, સંસદ કે ન્યાયતંત્ર કોઈએ આ પ્રશ્ન ઉકેલ્યો નથી, કારણ કે રાજનેતાઓને સંવાદ કરતાં વિવાદ ને વિખવાદમાં વધુ ફાયદો દેખાય છે. કેસ લડનારા વકીલો પણ પ્રધાનો બની ગયા છે ને આંદોલનકારીઓ પણ સત્તાસ્થાનો પર ગોઠવાઈ ગયા.

અયોધ્યાનો પ્રશ્ન ઉકેલવા દેશના તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈએ ઉ. પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને તે સમયે લખેલો પત્ર આજેય એટલો જ પ્રસ્તુત છે, છતાં ઇચ્છાશક્તિનો અભાવ અને રાજકીય લાભની ખેવનાને કારણે જાણે સંવાદની ભૂમિકા જ ખલાસ થઈ ગઈ છે. જાણે સંવાદ અને સર્વસંમતિની ભાવના જ ભારતીય રાજનીતિમાંથી વિદાય થઈ ગઈ છે. સરદાર વલ્લભભાઈએ પંતને પત્રમાં જણાવ્યું હતું કે, ”આ એક એવો સવાલ છે કે જેને બંને સંપ્રદાયવાળા સાથે બેસીને પરસ્પરની સહિષ્ણુતાથી, સદ્ભાવથી, સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. આ પ્રશ્નનો આપણે શાંતિમય રીતે ઉકેલ તો જ લાવી શકીએ, જો આપણને મુસ્લિમ સમાજની સ્વૈચ્છિક સંમતિ મળે તો. આવી સમસ્યાને બળપૂર્વક ઉકેલવાનો કોઈ પ્રશ્ન જ નથી.”

”આવી સ્થિતિ હોય ત્યારે કાયદો-વ્યવસ્થા કરનારી શક્તિએ કોઈપણ ભોગે શાંતિનો ભંગ ન થાય તે જ જોવું જોઈએ, તેથી ડહાપણપૂર્વક શાંતિમય રીતે ચાલવું હશે તો આક્રમકતા ને બળપ્રયોગની ભાવનાથી પ્રેરિત કોઈ પણ પ્રકારની એકપક્ષીય કાર્યવાહીને અનુમોદન આપવાનું શક્ય નહીં બને. મને પૂરી ખાતરી છે કે, આ પ્રશ્નને જીવંત મુદ્દો ન બનાવવો જોઈએ અને સંગત વિવાદને શાંતિમય રીતે જ ઉકેલવો જોઈએ.”  કોઈ પણ વિવાદી, સંવેદનશીલ ને ધર્મ સાથે જોડાયેલા મુદ્દાને ઉકેલવામાં શાસનની કેવી ને શું ભૂમિકા હોઈ શકે તેના માર્ગદર્શક સિદ્ધાંતોરૂપ ગૃહમંત્રી સરદાર પટેલનો પત્ર લોકશાહીને વરેલા દેશના શાસકોની ભાવી પેઢી માટે દિશાસૂચક છે. દેશનાં કમનસીબે સરદાર આઝાદી પછી લાંબું જીવ્યા નહીં પણ તેમણે ઉકેલના જે સિદ્ધાંતો સૂચવ્યા તે આજેય એટલા જ પ્રસ્તુત ને મહત્ત્વના છે.

૧. પ્રશ્ન બંને સંપ્રદાયો સાથે બેસીને પરસ્પર સહિષ્ણુતા, સદ્ભાવના ને શાંતિમય રીતે ઉકેલી શકે.

૨.  શાંતિમય ઉકેલ માટે મુસ્લિમ સમાજની સ્વૈચ્છિક સંમતિ.

૩. બળપૂર્વક સમસ્યા ઉકેલી શકાય નહીં.

૪. કાયદો ને વ્યવસ્થા કોઈ પણ ભોગે જળવાવાં જોઈએ ને શાંતિનો ભંગ ન થવો જોઈએ.

૫. આક્રમકતા કે બળપ્રયોગથી એકપક્ષીય કાર્યવાહીને અનુમોદન આપી શકાય નહીં.

૬. પ્રશ્નને જીવંત મુદ્દો ન બનાવવો જોઈએ.

દેશનાં દુર્ભાગ્યે આજે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ બચ્યા નથી યા દુકાળ છે. જુદા જુદા પક્ષોના છતાં રાષ્ટ્રીય હિતનાં પરિપ્રેક્ષ્યમાં કામ કરનાર ચાર સદ્ગત નેતાઓએ જુદા જુદા સમયે આ પ્રશ્ન સર્વસંમતિથી ઉકેલવા ભૂતકાળમાં ગંભીર પ્રયાસો કર્યા હતા. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર અને નરસિંહરાવ તથા અટલબિહારી વાજપેયી અને ભૈરવસિંહ શેખાવતનો સમાવેશ થાય છે. ઉકેલ સાવ નજીક હતો છતાં તેમના જ કેટલાક રાજકીય સાથીઓને પ્રશ્ન ઉકેલવા કરતાં ઊભો રાખવામાં વધુ રસ હોવાથી ને રાજકીય લાભ દેખાતો હોવાથી પ્રશ્ન કમસનીબે ન ઉકેલી શકાયો. આજે તો માંડ અડવાણી ને પ્રણવ મુખરજી બે જ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ બચ્યા છે પણ જુદાં જુદાં કારણોસર તેમની સ્વીકૃતિ પેલા ચાર નેતાઓ જેટલી આજે રાજનીતિમાં નથી.  આવા સમયે અદાલતી ન્યાય જ એક માત્ર રામબાણ ઉપાય છે. દુર્ભાગ્યે હવે દેશમાં એક એવો વર્ગ જ્ઞા।તિ ને ધર્મનાં નામે ઊભો થયો છે કે જે બંધારણ ને ન્યાયતંત્રને પણ ગણવા તૈયાર નથી. બહુ વિવિધતાવાળો દેશ બંધારણથી બંધાયેલો છે તે વાત ભૂલી જવાય છે. એક બાજુ બંધારણને ગીતા સમાન ગણાવાય છે તો બીજી બાજુ તેને તોડીને, મચડીને યા બાજુએ રાખીને પ્રશ્ન ઉકેલવાની વાતો થાય છે. ન્યાય ન આપી શકે તો બે-ત્રણ ન્યાયમૂર્તિઓ રાજીનામું આપી દે તેવી વાતો પણ જાહેરમાં કરાય છે. અનામતોનાં નામે જ્ઞાતિઓ અને મંદિર-મસ્જિદનાં નામે ધર્મ દેશનાં બંધારણ અને ન્યાયતંત્રને પણ જાણે સર્વોચ્ચ માનવા તૈયાર નથી ત્યારે દેશ અને લોકશાહી રાજ્યવ્યવસ્થાનું ભાવી અંધકારમય છે. મતની માયા, મમતા ને મોહમાં દેશની બંધારણીય સ્વાયત્ત સંસ્થાઓ અને બંધારણીય પાયાનાં મૂલ્યોનું જતન કપરું બનતું જાય છે તેવી શીખ વરિષ્ઠ રાજનેતા ને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દેશને અવારનવાર ને વારંવાર આપતા રહે છે.

ચૂંટણી સમયે ચોમાસામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા મંદિર-મસ્જિદ, જ્ઞાતિ, ધર્મ, અનામત, ગોત્ર, ગાય, ગંગા જેવા મુદ્દા દેશના વિકાસ ને પાયાના મુદ્દાઓથી પ્રજાને આડા પાટે લઈ જાય છે. દરેક રાજકીય પક્ષો હિંદુ-મુસ્લિમ મતો માટે વત્તા-ઓછા પ્રમાણમાં ધર્મ ને રાજકારણની ભેળસેળ કરતા થયા છે. દેશમાં આજે હિંદુ, મુસ્લિમ, શીખ, જૈન, બૌદ્ધ છે, ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી છે, પટેલ, બ્રાહ્મણ, ક્ષત્રિય, સવર્ણ, ઓબીસી, એસસી, એસટી છે પણ ભારતીય શોધવો મુશ્કેલ બનતો જાય છે. જમીન, જંગલ, પાણી ને માણસને વહેંચી દીધાં, હવે ભગવાનની પણ જ્ઞા।તિ નક્કી કરવાની સ્પર્ધા ચાલી છે. સૌથી શ્રેષ્ઠ સમતા, સહિષ્ણુતાને માનવસેવાનો રાજધર્મ ભુલાઈ રહ્યો છે. ધર્મ ગૌરક્ષાનાં નામે માણસની હત્યા કરવાનું વિચારે છે. ધર્મનું કામ અધર્મ સામે લડવાનું છે તે ખુદ બીજા ધર્મ સામે લડે છે. પ્રેમને બદલે નફરત ફેલાવે ને જોડવાને બદલે તોડે તે સાચો ધર્મ નથી. વિવિધતા ને બંધારણથી બંધાયેલો દેશ છે, નહીં કે માત્ર જ્ઞાતિ કે ધર્મથી. પ્રજાએ પણ તેને ભોળવવા રાજનેતાઓની ચાલથી સાવધ રહેવું પડશે.

દેશ સામે મંદિર-મસ્જિદથી પણ વધુ વિકરાળ ને અગ્રતા આપવા જેવા અનેક મહાકાય પ્રશ્નો છે. અયોધ્યામાં મળતી મેદનીએ જેનો કોઈ ધર્મ કે જ્ઞાતિ નથી તેવા ૨૬ કિ.મી. ચાલીને કડકડતી ઠંડીમાં દિલ્હી પહોંચેલા દેશના લાખો ખેડૂતો કે જે દેશની ૧૨૫ કરોડની જનતાનાં પેટનો ખાડો પૂરે છે તેનાં પેટનો ખાડો પૂરવા પણ વિચારવું જોઈએ. લાખો ખેડૂતોએ છેલ્લા બે દાયકામાં જીવન ટૂંકાવ્યું છે તે મંદિરથી પણ મોટો સંવેદનશીલ મુદ્દો છે. તેમનો કોઈ પક્ષ, ધર્મ કે જ્ઞા।તિ નથી, નોકરીની ૫૦ કે ૧૦૦ જગયા માટે લાખો બેકારોની અરજીઓનો ઠેરઠેર ઢગલો થાય છે, એ શું સંવેદનશીલ મુદ્દો નથી? દેશના ૨૦૦ જિલ્લા દુકાળના ભરડામાં છે. પીવાનાં ને સિંચાઈનાં પાણીની સમસ્યા છે, શાળાઓમાં શિક્ષકો, કોલેજોમાં પ્રોફેસરો, ગામોમાં તલાટીઓ, પોલીસ ને સરકારી દવાખાનાઓમાં દવા ને દાક્તરો નથી. આ બધા મંદિર-મસ્જિદ જેટલા જ જૂના પ્રશ્નો છે. કુપોષણમાં ભારત વિશ્વમાં પ્રથમ નંબરે હોય તે શું સંવેદનશીલ મુદ્દો નથી. સંવેદનશીલ મુદ્દા અંગે આપણે આપણી દૃષ્ટિ ને ચશ્માં બદલવાની જરૂર છે. આ બધું તો જ શક્ય બનશે કે જ્યારે દુનિયાને આપણે જે વસુધૈવ કુટુંબકમ્ અને સહિષ્ણુતાની સભ્યતાનાં મૂલ્યો શીખવ્યાં તેનું આપણે પાલન કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન