બધાને યુપી-બિહારવાળા સામે જ વાંધો છે - Sandesh
  • Home
  • Columnist
  • બધાને યુપી-બિહારવાળા સામે જ વાંધો છે

બધાને યુપી-બિહારવાળા સામે જ વાંધો છે

 | 1:20 am IST

કરન્ટ અફેર : આર. કે. સિંહા

ગુજરાતમાં ગત ૨૮ સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી ૧૦૦ કિ.મી.નાં અંતરે સાબરકાંઠાનાં હિંમતનગર શહેર નજીક એક દૂધપીતી બાળકી સાથે દુષ્કર્મ થયાની ઘટના પછી ત્યાંનાં ઘણાં શહેરોમાં બિહારી અને ઉત્તર પ્રદેશના મજૂરો સાથે યોજનાબદ્ધ રીતે મારપીટ થતી રહી. મારપીટથી ડરીને ડરી ગયેલાં લોકો હવે પોતાનો જીવ બચાવવા પોતાનાં વતન પાછાં ફરી રહ્યાં છે. આ લેખ ગુજરાતમાંથી જ લખી રહ્યો છું. અત્યાર સુધીમાં ઉત્તર ભારતનાં ૫૦,૦૦૦થી વધુ શ્રમિકો પાછાં ફરી રહ્યાં છે. એક સપ્તાહમાં સેંકડો યોજનબદ્ધ હુમલા થયા કે જેમાં યુપી બિહારનાં હજારો શ્રમિકોને લાતો-મુક્કા અને દંડાથી માર મારવામાં આવ્યો. આ પલાયન ખૂબ જ ચિંતાજનક છે. કહેવાય છે કે કહેવાતો દુષ્કર્મી બિહારીમૂળનો છે, તેને કારણે સ્થાનિક લોકો ઉત્તર પ્રદેશ-બિહાર સહિત ઉત્તર ભારતનાં લોકો પર તૂટી પડયાં, શું તે લોકો પેલા કહેવાતા દુષ્કર્મીનું સમર્થન કરી રહ્યાં હતાં?

જો કોઈ વ્યક્તિએ દુષ્કર્મ જેવું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હોય તો તેને કાયદા પ્રમાણે દંડ મળવો જ જોઈએ, પરંતુ કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. પોતાનાં વતનથી હજારો કિ.મી. દૂર ઉત્તર ભારતનાં આ લોકો પર મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, સાણંદ અને અમદાવાદ જિલ્લામાં હુમલા થયા. ગુજરાતમાં ઉત્તર પ્રદેશ-બિહારનાં લાખો લોકો કામ કરવા ગયેલાં છે, તેમાંથી કોઈ એક વ્યક્તિનાં રાક્ષસી કૃત્યને કારણે બધાને સજા આપવી કેટલી વાજબી કહી શકાય?

બેશક દુષ્કર્મની આ ઘટનાને જે લોકો કોઈ પ્રદેશ વિશેષનાં લોકો સાથે સાંકળીને જોઈ રહ્યાં છે, તેઓ પોતાની સંકીર્ણ માનસિકતાનો પરિચય જ આપે છે. આ દેશ અમે અને તમે ને હિસાબે નહીં ચાલે. કોઈ તેને આ રીતે ચલાવવા માગશે તો દેશ તેને નહીં સ્વીકારે. હકીકતે લાંબા સમયથી ઉત્તર પ્રદેશ અને બિહારનાં મૂળ નિવાસીઓ સામે દેશના અલગ અલગ વિસ્તારોમાં હુમલા થતા રહે છે. આસામના તિનસુખિયા વિસ્તારમાં વર્ષ ૨૦૧૫માં શંકાસ્પદ ઉલ્ફા ત્રાસવાદીઓ દ્વારા એક હિન્દીભાષી વેપારી અને તેની પુત્રીની હત્યા થઈ હતી. કોઈ હિન્દીભાષી પર હુમલો થયો હોય તેવી આસામની આ પહેલી ઘટના હતી. ઉલ્ફાને જ્યારે પોતાની તાકાત બતાવવી હોય છે ત્યારે નિર્દોષ હિન્દીભાષીઓ(ઉત્તર પ્રદેશ-બિહાર)ને નિશાન બનાવવા લાગે છે. વીતેલા દાયકામાં પૂર્વોત્તરનાં બે રાજ્યો આસામ અને મણિપુરમાં હિન્દીભાષીઓને મારવામાં આવે છે. આ હિન્દીભાષી પૂર્વોત્તરમાં સદીઓથી વસેલાં છે, તે પ્રદેશના વિકાસમાં લાગેલાં છે. તેમને માર મારવો તે દેશનાં સંઘીય માળખાને લલકારવા બરોબર છે. આવી સ્થિતિ તમામ સંજોગોમાં અટકવી જોઈએ. રોકવામાં નહીં આવે તો દેશ વિખેરાવા તરફ આગળ વધશે.

આસામ તથા મણિપુરમાં હિન્દીભાષીઓની વસતી ઘણી છે, તેઓ હવે આસામી અને મણિપુરી ભાષા જ બોલે છે. તેઓ પૂરી રીતે ત્યાંનાં જ થઈ ગયાં છે. પોતાનાં પૂર્વજોનાં રાજ્ય સાથે માત્ર ભાવનાત્મક સંબંધ છે, પરંતુ ગુજરાતમાં હાલમાં જે તોફાનો થઈ રહ્યાં છે તેમાં તો આસામ, મણિપુર, ઓરિસ્સા અને બંગાળનાં લોકોને માર પડી રહ્યો છે.

દિલ્હીમાં પણ પોતાના મુખ્ય પ્રધાનકાળ દરમયિાન શીલા દીક્ષિતે એક વાર રાજધાનીની સમસ્યાઓ માટે ઉત્તર પ્રદેશ અને બિહારથી આવીને વસેલાં લોકોને જવાબદાર ઠેરવ્યાં હતાં. વર્ષ ૨૦૦૭ની વાત છે કે જ્યારે શીલા દીક્ષિતે કહ્યું હતું કે દિલ્હી એક સંપન્ન રાજ્ય છે અને અહીં જીવનનિર્વાહ માટે બહારથી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારથી મોટી સંખ્યામાં લોકો આવે છે અને અહીં જ વસી જાય છે, તેને કારણે દિલ્હીમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી મુશ્કેલ બની ગયું હતું, પરંતુ આવું કહેતી વખતે તેઓ ભૂલી ગયાં હતાં કે તેમનો પોતાનો પરિવાર ઉત્તર પ્રદેશથી દિલ્હી આવીને વસ્યો હતો. ચોમેરથી તેમનાં નિવેદનની નિંદા થતાં તેઓ કહેવા લાગ્યાં હતાં કે તેમની વાતને તોડી-મરોડીને મૂકવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અને તેમના સડકછાર કાર્યકરો ઉત્તર પ્રદેશ બિહારનાં લોકોને મારપીટ કરતાં જ રહે છે. તેઓ આ પ્રદેશનાં લોકોને બહારનાં કહે છે. હકીકત એ છે કે માત્ર સમાવેશી સમાજ જ આગળ વધી શકે છે. અમેરિકાનું ઉદાહરણ તમારી સામે છે. સમગ્ર વિશ્વ અમેરિકાને પોતાનો આદર્શ માને છે. તેની આવી સ્થિતી એટલા માટે બની કે ત્યાં તમામ માટે આગળ વધવાની સમાન તક છે. અહીં વિશ્વના ખૂણેખૂણેથી આવીને લોકો વસે છે, ત્યાં પહોંચતાં જ અમેરિકી બની જાય છે.

એક વાત માનવી પડશે કે દેશને કાયદાની રાહે ચલાવવામાં નહીં આવે તો પછી અરાજકતાભરી સ્થિતિ સર્જાશે. આ દેશ બધાનો છે, અહીંનાં સંસાધન તમામ ભારતીયનાં છે, તેથી કોઈની સાથે તેનાં જાતિ, ધર્મ, રંગના આધારે ભેદભાવ કરવો તે અસહનીય છે. હિન્દીભાષીઓ સાથે જે થઈ રહ્યું છે તેવી માનસિકતાને તાકીદે અટકાવવાની જરૂર છે. દિલ્હી સહિતના કેટલાક પ્રદેશમાં પૂર્વોત્તરના નાગરિકો સાથે થતો રહેતો ભેદભાવભર્યો વ્યવહાર જેટલો નિંદનીય છે તેટલી જ નિંદનીય આ ઘટના છે.  ગુજરાતમાં જે કાંઈ થઈ રહ્યું છે તે ઉત્તર ભારત અને બિહારના સુકાનીઓ માટે એક સંદેશ છે. તેમણે હવે પોતાને ત્યાં રોજગારીની પૂરતી તક ઊભી કરવી પડશે. દુર્ભાગ્યવશ આ બંને રાજ્યોમાં રાજકારણના ઉદ્યોગને બાદ કરતાં બીજા કોઈ ઉદ્યોગ ફાલીફૂલી નથી રહ્યા, પરંતુ તેનાથી પેટની આગ નથી જ બુઝાતી. બંને રાજ્યો હજી પણ વિકાસની દોડથી ખૂબ દૂર છે. અહીંના નાગરિકો પણ વિકાસની કામના ધરાવે છે. બાકીનાં ભારતીયોની જેમ તેઓ પણ બહેતર જીવન જીવવાનું સપનું જુએ છે, તેમાં ખોટું શું છે? આ રાજ્યમાં વિકાસ સધાશે અને નાગરિકોને નાના-મોટા કામધંધા મેળવવા હજારો માઇલ દૂર નહીં જવું પડે તે દિવસો ક્યારે આવશે?

આ સપ્તાહનાં તોફાનોને કારણે ગુજરાતને હજારો કરોડનું નુકસાન થયું છે. જીઆઈડીસીના અધ્યક્ષ રાજેન્દ્ર શાહના જણાવ્યા મુજબ ગુજરાતમાં ૭૦ ટકાથી વધુ શ્રમિક ઉત્તર ભારતના છે, તે પૈકી ૪૦ ટકા કામ પર નથી આવી રહ્યાં. તેનો સીધો અર્થ એ થયો કે ઉત્પાદકતામાં ૪૦ ટકાનો ઘટાડો. હજારો કરોડોનું નુકસાન થશે. તે નુકસાન ભરપાઈ કરવામાં તો વર્ષો લાગી જશે પરંતુ ગાડી જ્યારે પાટા પરથી ઊતરી જાય છે તે પછી કામ પહેલાંની જેમ જ શરૂ કરવામાં સમય લાગે છે.

હવે આ તોફાન ભડકાવ્યાં કોણે તે પણ જાણી લેવું જોઈએ. તે વ્યક્તિનું નામ છે અલ્પેશ ઠાકોર, તે અખિલ ભારત કોંગ્રેસ સમિતિનો મહામંત્રી અને રાહુલ ગાંધીનો પ્રિય છે. અલ્પેશ ગુજરાતનો રાજ ઠાકરે બનવા માગે છે. રાહુલ ગાંધી બધું જાણતા હોવા છતાં અલ્પેશને પક્ષમાંથી કાઢી મૂકતા કેમ નથી? રાહુલે શું અલ્પેશને મૂક સહમતી આપી રાખી છે? તેને કારણે રાહુલ ઉત્તર ભારતમાં લાભ જોઈ રહ્યા છે? બિહારના પ્રભારી અલ્પેશ બિહારનો પ્રવાસ ખેડી શકશે? રાહુલે જવાબ આપવો પડશે.

(લેખક રાજ્યસભા સભ્ય છે)

;