ઈવીએમમાં ગડબડને મુદ્દે માયાવતી કોર્ટમાં જશે

66

નવી દિલ્હી, તા. ૨૦

ઉત્તર પ્રદેશમાં કારમા પરાજય પછી વ્યથિત માયાવતી ટૂંક સમયમાં જ ઈવીએમમાં ગડબડને મુદ્દે કોર્ટનાં દ્વાર ખખડાવશે. ઉત્તર પ્રદેશમાં ભાજપને ભારે બહુમતી મળી છે. ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે જ માયાવતીએ પત્રકાર પરિષદને સંબોધતાં ભાજપે ઈવીએમમાં ગડબડ કર્યાના આક્ષેપ કર્યા હતા.

હવે માયાવતીએ કહ્યું છે કે આ મુદ્દે બે-ત્રણ દિવસમાં તેઓ કોર્ટમાં જશે. માયાવતીના આક્ષેપને ચૂંટણી પંચે જોકે ફગાવી દીધા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કહી દીધું છે કે ઈવીએમમાં કોઇ ગેરરીતિ થઈ શકે તેમ નથી. ઈવીએમ અને સમગ્ર ચૂંટણી પારદર્શક રહે તે માટે ટેક્નિકલ અને વહીવટી કક્ષાએ પૂરી તકેદારી રાખવામાં આવે છે.

ભાજપને બહુમતી મળ્યા પછી માયાવતીએ ઈવીએમ મશીનમાં ગડબડ થયાના આક્ષેપ કરતાં બેલેટપેપરથી ફરી ચૂંટણી કરાવવા ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી હતી, પરંતુ ચૂંટણી પંચે તેમની અરજી ફગાવી દેતાં કહ્યું કે ઈવીએમમાં ગડબડ થવાની કોઇ સંભાવના નથી.  ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ કેજરીવાલ દ્વારા પણ પંજાબમાં ઈવીએમમાં ગડબડના આરોપ મૂકવામાં આવ્યા હતા.