રવિયોગ - Sandesh

રવિયોગ

 | 2:54 am IST

 

‘મુહૂર્તના સોદા’ અને ‘સોદો કરવાનું મુહૂર્ત’ આ બે શબ્દો વેપારી ભાઇઓ તથા નાના મોટા સાહસિકોના મનમાં એક પ્રકારના આનંદની લાગણી જન્માવે છે. આશા અમર છે. આવતી કાલ સુધારવી હોય તો આજની તારીખે યોગ્ય પુરુષાર્થ કરવો જરૂરી છે.

 

આજે આપણે મુહૂર્ત શાસ્ત્રમાં વિશેષ ઉપયોગી રવિયોગ બાબતે વિગતવાર જાણકારી મેળવીએ.

જ્યોતિષ શાસ્ત્રની પ્રાથમિક માહિતી ધરાવતા લોકોને પણ ખ્યાલ હોય છે કે સૂર્ય મેષ, વૃષભ, મિથુન એમ બારેય રાશિમાં એક એક મહિનો રહે છે. ખગોળ જ્યોતિષની પરિભાષામાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય તેને ‘સંક્રાંતિ’ કહે છે. આપણે ‘મકર સંક્રાંતિ’ શબ્દથી સારી રીતે માહિતગાર છીએ. દર વર્ષે તા. ૧૪મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં યોગની જેમ સંક્રાંતિ શબ્દ પણ જુદા જુદા બે અર્થમાં પ્રચલિત થયેલ છે.

(૧) સૂર્ય મેષ, વૃષભ, મિથુન એમ બારેય રાશિમાં પ્રવેશ કરે તે ઘટનાને સંક્રાંતિ કહે છે. એક વર્ષમાં સૂર્યની ૧૨ સંક્રાંતિઓ આવે છે.

(૨) મુહૂર્તશાસ્ત્ર તથા હવામાન- કૃષિ વ્યાપાર જ્યોતિષ વગેરેમાં સૂર્ય જે રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોય તેને (એક માસના સમયગાળાને) પણ સંક્રાંતિ કહે છે.

સૂર્ય એક રાશિમાં એક મહિનો રહે છે

રાશિચક્રની બારેય રાશિઓમાં ભ્રમણ કરવા માટે ૧૨ માસ (એક વર્ષ) નો સમય લે છે. આ એક વર્ષના સમયગાળાને ‘સૌર વર્ષ’ પણ કહે છે. આમ આકાશમાં બારેય રાશિમાં નિયમિત રીતે સૂર્યના ભ્રમણ કરવાના માર્ગને ‘ક્રાંતિવૃત્ત’ કે ‘રાશિચક્ર’ કહે છે. કોઇપણ વૃત્ત (વર્તુળ) ૩૬૦ અંશનું હોય છે. એ પ્રમાણે ક્રાંતિવૃત્તના ૧૨ સરખા વિભાગ કરતાં દરેક ભાગને રાશિની ઓળખ આપી. આમ દરેક રાશિ ૩૦ અંશનું માપ ધરાવે છે. આ જ રાશિચક્ર (ક્રાંતિવૃત્ત)ના ૨૭ (સત્તાવીસ) સરખા ભાગ કરતાં દરેક ભાગને ‘નક્ષત્ર’ એમ નામ આપવામાં આવ્યું છે. આમ નક્ષત્ર એ આકાશીય કોણિય અંતર પણ ગણાય. એક નક્ષત્રનું માપ ૧૩ અંશ અને ૨૦ કળા થાય છે. સાદી ભાષામાં કહીએ તો એક રાશિ બરાબર સવા બે નક્ષત્ર થાય છે. સૂર્ય એક રાશિમાં લગભગ ૩૦ દિવસ રહે છે. સૂર્ય એક નક્ષત્રમાં ૧૩થી ૧૪ દિવસ રહે છે.

સૂર્યનક્ષત્ર તથા દૈનિક નક્ષત્રની સમજ

સૂર્ય જે નક્ષત્રમાં ભ્રમણ કરતો હોય તે નક્ષત્રને ‘સૂર્યનક્ષત્ર’ કહે છે. આપણે સૌ ચોમાસાના આર્દ્રા નક્ષત્રથી સારી રીતે પરિચિત છીએ. રોજે રોજ ચંદ્ર જે નક્ષત્રમાં ભ્રમણ કરતો હોય છે તેને ચંદ્ર નક્ષત્ર (દૈનિક નક્ષત્ર) કહે છે. ગામડાનાં અનુભવી ખેડૂતો તેને દનિયુ નક્ષત્ર કહે છે. આપણે સૌ સોનુ- ચાંદી- ઝવેરાત ખરીદવા માટેના તથા સુવર્ણપ્રાશન માટેના પુષ્ય નક્ષત્રથી વાકેફ્ છીએ.

રવિયોગ ક્યારે બને?

જ્યારે સૂર્યનક્ષત્રથી દૈનિક નક્ષત્ર (ચંદ્ર નક્ષત્ર) ચોથું, છઠ્ઠું, નવમું, દસમું, તેરમું અને વીસમું હોય ત્યારે મુહૂર્તશાસ્ત્રમાં શુભ ફ્ળદાયી અને બળવાન એવો ‘રવિયોગ’ બને છે. આ યોગ શુભ કાર્યોમાં શ્રેષ્ઠ છે એટલું જ નહિ, પરંતુ અનેક દૈનિક અશુભ યોગોનો નાશ કરીને લગ્નશુદ્ધિ જેટલું શુભ ફ્ળ આપે છે.

મુહૂર્ત ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે, ચંદ્ર- સૂર્ય કે તિથિવારથી થતા સંખ્યાબંધ પ્રતિકૂળ યોગ – અશુભ યોગ રવિયોગની હાજરીમાં નિર્બળ બની જાય છે. આમ રવિયોગ હોય છે ત્યારે અન્ય પ્રતિકૂળ યોગ- અશુભ યોગ પોતાનું બળ ગુમાવી દે છે. જેમ સૂર્યોદય થતાં જ સૂર્યની હાજરીને કારણે આકાશમાં અને પૃથ્વી ઉપર અજવાળું પથરાય છે તેમ રવિયોગની હાજરીથી મુહૂર્તશાસ્ત્રમાં એક પ્રકારની રોનક કે રોશની આવી જાય છે.

રવિયોગ વધુ બળવાન ક્યારે બને?

(૧) મેષ રાશિના સૂર્ય (૧૪ એપ્રિલથી ૧૪ મે) દરમિયાન રવિયોગનું બળ જરૂર વધી જાય છે.

(૨) સિંહ રાશિના સૂર્ય (૧૬ ઓગસ્ટથી ૧૪ સપ્ટેમ્બર) દરમિયાન પણ રવિયોગ વધુ બળ આપે છે.

(૩) સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન (દિવસે) આ યોગ બનતો હોય તો વધુ બળવાન ગણાય છે.

જ્યોતિષશાસ્ત્રમાં ૧૨ માસના સૂર્યના વિવિધ નામનો ઉલ્લેખ છે. (૧) કાર્તિક – દિવાકર (૨) માર્ગશીર્ષ – મિત્ર (૩) પોષ – વિષ્ણુ (૪) માઘ – અરુણ (૫) ફલ્ગુન – સૂર્ય (૬) ચૈત્ર – વેદાંગ (૭) વૈશાખ – ભાનુ (૮) જ્યેષ્ઠ – ઇન્દ્ર (૯) આષાઢ – રવિ (૧૦) શ્રાવણ – ગભસ્તિ (૧૧) ભાદ્રપદ – યમ (૧૨) આશ્વિન – સુવર્ણરેતા.

રવિયોગ ક્યારે શરૂ થાય અને ક્યારે સમાપ્ત થાય છે તેની વિગતો પંચાંગના દૈનિક શાસ્ત્રાર્થમાં આપી હોય છે. જ્યોતિષનો પ્રાથમિક અભ્યાસ ધરાવનાર વાચકો પોતાના જન્મના માસ દરમિયાન ક્યારે રવિયોગ આવશે તે અગાઉથી સારી રીતે જાણી શકે છે.

સૂર્યનક્ષત્રથી ચોથું, છઠ્ઠું, નવમું, દસમું, તેરમું અને વીસમું ચંદ્રનક્ષત્ર હોય ત્યારે રવિયોગ બને છે. તા. ૧૪થી ૨૮ એપ્રિલ દરમિયાન અશ્વિની નક્ષત્રમાં સૂર્ય હોય છે. આ સમયગાળા દરમિયાન અશ્વિની નક્ષત્રથી ૪-૬-૯-૧૦-૧૩-૨૦મા ક્રમે આવતાં રોહિણી- આર્દ્રા- આશ્લેષા- મઘા- હસ્ત અને પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે રવિયોગ બને છે. આમ દરેક સૂર્યનક્ષત્રથી ઉપરોક્ત ક્રમાંકે આવતા ચંદ્રનક્ષત્ર દરમિયાન રવિયોગ અગાઉથી જાણીને તેનો લાભ મેળવી શકાય છે. આ યોગની ખૂબી એ છે કે વદ ચૌદસ, અમાસે કે સુદ એકમે રવિયોગ આવતો નથી. આમ ક્ષીણ ચંદ્ર રવિયોગમાં આવતો નથી.

રવિયોગમાં વિદ્યાભ્યાસ, મંત્ર સાધના, ઉપાસના, સ્પર્ધાત્મક પ્રવૃત્તિ, આર્થિક આયોજન, બચત, રોકાણ, જળાશયના વિકાસ, મુહૂર્તના સોદા વગેરે કામકાજ કરવાનો વિશેષ મહિમા છે.

રવિયોગમાં બારેય રાશિવાળી વ્યક્તિઓએ શું કરવું જોઇએ? જેથી સત્વરે સફ્ળતા મળે.

(૧) મેષ અને વૃશ્ચિક રાશિવાળાએ મંગળના મંત્રની એક માળા કરવી.

(૨) વૃષભ અને તુલા રાશિવાળાએ શુક્રના મંત્રની એક માળા કરવી.

(૩) મિથુન અને કન્યા રાશિવાળાએ બુધના મંત્રની એક માળા કરવી.

(૪) કર્ક રાશિવાળાએ ચંદ્રના મંત્રની એક માળા કરવી.

(૫) સિંહ રાશિવાળાએ સૂર્યના મંત્રની એક માળા કરવી.

(૬) ધનુ અને મીન રાશિવાળાએ ગુરુના મંત્રની એક માળા કરવી.

(૭) મકર અને કુંભ રાશિવાળાએ શનિના મંત્રની એક માળા કરવી જોઇએ.

[email protected]

-ભૂપેન્દ્ર ધોળકિયા