મુક્તિ એટલે બંધનનો અભાવ - Sandesh

મુક્તિ એટલે બંધનનો અભાવ

 | 12:56 am IST

પ્રભુના તેજોમય અંશ જેવા મુક્ત આત્માએ દેહ ધારણ કર્યો ને પ્રકૃતિનાં સઘળાં બંધનોને સ્વેચ્છાએ સ્વીકાર્યાં, તેથી તે અનેક પ્રકારના બંધનોથી બંધાઈ ગયો. અજર, અમર એવો આત્મા જન્મ અને મરણના ચક્રાવામાં અટવાઈ ગયો. પ્રકૃતિના સઘળા ગુણધર્મોને ધારણ કરતાં, તે દુઃખો, પીડાઓ ને દ્વન્દ્વો અનુભવવા લાગ્યો. આમ, સદા મુક્ત એવો આત્મા મુક્ત ન રહ્યો. પણ જ્યારે તે પોતાના સ્વરૂપને પ્રકૃતિથી અલગ કરે ત્યારે તેનો મોક્ષ થાય છે અને સામાન્ય પરિભાષામાં આપણે મુક્તિનો આ અર્થ કરીએ છીએ.

આપણા ધર્મશાસ્ત્રોમાં માનવના ચાર પુરુષાર્થ બતાવવામાં આવેલા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનું પાલન કરવું, અર્થોપાર્જન કરવું, કામની તૃપ્તિ દ્વારા પ્રજાતંતુને આગળ વધારવો અને અંતે પ્રકૃતિથી અલગ થઈ મોક્ષની પ્રાપ્તિ કરી જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ જવું- આ છે શાસ્ત્રે બતાવેલાં મનુષ્યનાં કાર્યો. એમાં જીવનના અંતે મોક્ષ પ્રાપ્ત કરવાની વાત છે. પરંતુ શ્રી અરવિંદનું દર્શન જીવનમાં રહીને જ મુક્તિ મેળવવા અંગેનું છે અને એ મુક્તિ એટલે પ્રકૃતિની ગુલામીમાંથી મુક્તિ. બંધનમાં રહેલો આત્મા પ્રકૃતિને વશ થઈને કાર્ય કરે છે, જ્યારે મુક્ત આત્મા પ્રકૃતિને પોતાને વશ રાખે છે અને પોતાના દિવ્ય ગુણોનો પ્રકૃતિ પર પ્રભાવ પાડે છે ને તે પ્રકૃતિ પાસે કામ કરાવે છે. આ સ્થિતિ જીવનમાં રહીને જ મનુષ્યે પ્રાપ્ત કરવાની છે અને એ સાચી મુક્તિની સ્થિતિ છે.

આપણા સ્વરૂપના બે ભાગ છેઃ એક છે આપણો આત્મા અને બીજો છે આપણી પ્રકૃતિ. અત્યારે મનુષ્ય ચેતનાની જે સ્થિતિમાં છે, તેમાં તેનાં સઘળાં કાર્યો પ્રકૃતિ દ્વારા થાય છે. આત્મા પ્રકૃતિનાં કાર્યોને અનુમતિ આપે છે પણ તેમાં બને છે એવું કે પ્રકૃતિનાં સઘળાં કાર્યોને અનુમતિ આપતો રહેતો આત્મા પ્રકૃતિના નિમ્ન અનુભવોમાં ડૂબી જાય છે અને તેનું દિવ્ય તેજોમય સ્વરૂપ ઢંકાઈ જાય છે ને પ્રકૃતિ જ સર્વેસર્વા બની રહે છે. પ્રકૃતિ ત્રણ ગુણોને વશ રહીને કાર્ય કરે છે. સત્વ, રજસ અને તમસ. આ ત્રણ ગુણોને આધીન રહેલી પ્રકૃતિ માનવને કાર્યમાં પ્રયોજે છે અને આત્મા પોતાનું મૂળ સ્વરૂપ ભૂલીને આ કાર્યોનો અનુભવ લેતો રહે છે. આથી જ તેને સુખ-દુઃખ, રાગ-દ્વેષ, મોહ-માયા વગેરેનો અનુભવ થાય છે. આ સઘળા નિમ્ન અનુભવોમાંથી મુક્ત થવાના બે માર્ગો છે.

એક માર્ગ છે ત્યાગનો અને બીજો માર્ગ છે સ્વીકારનો. ત્યાગના માર્ગમાં પ્રકૃતિને જડ ને અપરિવર્તનશીલ માની લેવામાં આવી છે. તે મુજબ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે. પ્રકૃતિમાં કદી ફેરફાર થઈ શક્તો નથી. આથી આ માર્ગ એમ બતાવે છે કે પ્રકૃતિથી આપણે આપણી જાતને અલગ કરી દેવાની. જે કંઈ થાય છે, તે પ્રકૃતિમાં બન્યા કરે છે, પણ આત્માને કંઈ જ સ્પર્શતું નથી એમ માનીને આત્મસ્વરૂપમાં લીન થઈ જવું એ મુક્તિ છે. જડ પ્રકૃતિને ત્યજીને નિરપેક્ષ બ્રહ્મમાં વિલીન થઈ જવું. અહીં મુક્તિ એટલે નિર્વાણ પામી જવું. આપણા મોટા ભાગના શાસ્ત્રોમાં મુક્તિનો આ જ માર્ગ બતાવવામાં આવેલો છે.

પરંતુ શ્રી અરવિંદ આ માર્ગને મુક્તિ માટેની નકારાત્મક ક્રિયા કહે છે. કારણ કે એમાં પ્રકૃતિનો ત્યાગ કરવામાં આવે છે. તેમાં કોઈપણ જાતનું પરિવર્તન પામ્યા વગર પ્રકૃતિ એવી ને એવી જ રહે છે. આ સાચી ક્રિયા નથી. સાચી ક્રિયા વિધેયાત્મક છે. એ ક્રિયામાં પ્રકૃતિનો ત્યાગ નથી પણ સ્વીકાર છે. પ્રકૃતિ જેવી છે તેવી તેને સ્વીકારીને પછી તેનું દિવ્યતામાં રૂપાંતર કરવાની વાત છે અને આ શ્રી અરવિંદે આપેલો મુક્તિનો વિધેયાત્મક માર્ગ છે. તેમાં માનવે પોતાના ચૈત્યપુરુષની પ્રાપ્તિ કરી, એ ચૈત્યચેતના દ્વારા પ્રભુનો પૂર્ણ પ્રકાશ ઉતારીને તેનાથી અત્યારની નિમ્ન પ્રકૃતિનું દિવ્ય પ્રકૃતિમાં રૂપાંતર કરવાનું છે. એટલે કે પ્રકૃતિને બદલવાની છે. અત્યારે પ્રકૃતિ ત્રિગુણોથી પ્રેરાઈને કાર્ય કરે છે. પછી પ્રકૃતિ આત્માના ગુણોથી પ્રેરાઈને કામ કરશે. આત્મા પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મા સાથે એકરૂપ બનતાં-પરમાત્માના દિવ્ય ગુણો પ્રેમ, જ્ઞાન, શક્તિ, આનંદ દ્વારા પ્રકૃતિ કાર્ય કરવા લાગશે, ત્યારે જ સાચા અર્થમાં પ્રકૃતિની-આત્માની અને જીવનની મુક્તિ સિદ્ધ થશે.

[email protected]