Exercise can become more exercise than infertility
  • Home
  • Featured
  • જરૂર કરતાં વધુ કસરત બની શકે છે વંધ્યત્વનું કારણ

જરૂર કરતાં વધુ કસરત બની શકે છે વંધ્યત્વનું કારણ

 | 11:33 am IST

ફિટનેસ

કસરત એક એવો ઉપહાર છે જે તમે તમારા શરીરને આપો છો, પરંતુ આજકાલ આપણે એવી જીવનશૈલીમાં ફ્સાઈ ચૂક્યા છીએ. જ્યાં સામાન્યરીતે આપણી પાસે આપણા શરીરને આપવા માટે સમય નથી. માટે જિમમાં અમુક સમય વીતાવવો આપણા દૈનિક જરૂરી કાર્યોના લિસ્ટમાં સામેલ નથી. આપણા શરીરને રોજ થોડા પ્રમાણમાં શારીરિક સક્રિયતાની જરૂર હોય છે, ભલે તે કોઈપણ રીતે કેમ ન હોય. આનાથી આપણા શારીરિક વિકાસને પ્રોત્સાહન મળે છે અને શરીરની એનર્જીમાં પણ વધારો થાય છે. આ છે કસરતના લાભ, સાથે જ વધુ પડતી કસરતના ગેરલાભ પણ છે.

કસરતની નકારાત્મક અસર : અનેક પ્રયોગોએ પુરવાર કર્યું છે કે વધુ પડતી કસરત કરવાની આપણા શરીર પર નકારાત્મક અસર પણ થઈ શકે છે અને ખાસ કરીને તમારી પ્રજનન શક્તિ ઓછી થાય છે, પછી ભલે સ્ત્રી હોય કે પુરુષ. વધારે પડતી કસરતથી મહિલાઓને એમેનોરિયા એટલે કે રજોરોધની સમસ્યા થઈ જાય છે. એક સામાન્ય સ્ત્રીને નિરંતર ત્રણ મહિનાથી વધુ સમય સુધી યોગ્ય રીતે માસિક સ્ત્રાવ ન થાય તો રજોરોધ કહેવાય.

શરીરને નિયમિત રીતે ઊર્જા આપવા માટે જરૂરી કેલેરીઝ આપનારી ચીજોનું સેવન કર્યા વગર જિમમાં નિયમિત રીતે કોઈ ખાસ રીતની કસરતના ત્રણ ચાર સેશન કરનારી મહિલાઓને આ સમસ્યા ઊભી થાય છે. શરીરમાં કેલરીની ઊણપની સીધી અસર પ્રજનનની સાથે મહિલાઓની યૌન ઇચ્છા પર પણ પડે છે. મેદસ્વીતા આમાં એક મહત્ત્વની ભૂમિકા નિભાવે છે, કેમ કે વધુ પડતી મેદસ્વી સ્ત્રીઓ વજન ઘટાડવા માટે પૂરતા ભોજન વગર અનેકવાર ભારે કસરતો કરે છે.

મેદસ્વીતાના કારણે શરીરમાં એસ્ટ્રોજન નામના હોર્મોનનું પ્રોડક્શન પણ વધી જાય છે, જે ડિંબ ઉત્સર્જન અને માસિક સ્ત્રાવને અસર કરે છે. તેના કારણે વંધ્યત્વનો ખતરો વધી જાય છે. સ્વસ્થ યંગ સ્ત્રીઓ પણ આ રીતે વર્કઆઉટ કરે છે ત્યારે એસ્ટ્રોજનનું સ્તર એક એવા મુકામ સુધી પહોંચી જાય છે, જે તેમના માસિક સ્ત્રાવના ચક્રમાં બાધા નાંખે છે. એસ્ટ્રોજનના સ્તરમાં વધુ ફેરફાર થાય તો પછી ગર્ભધારણ કરવામાં પણ અનેક તકલીફેનો સામનો કરવો પડી શકે છે.

પુરુષોમાં પણ હેવી ટ્રેનિંગ સેશનના કારણે શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જે સીધી રીતે તેમના પ્રજનન સાથે જોડાયેલા હોય છે. આપણામાં અનેક એવા લોકો છે, જે પોતાની બાડીને મેન્ટેઇન કરવા માટે લાંબા સમયથી ભારે ટ્રેનિંગ સેશન્સને ફેલો કરે છે. જો તમે વધુ થાકી જવાય તેવી ભારે ટ્રેનિંગથી પસાર થઈ રહ્યા હોવ તો આ વાતની સંભાવના વધુ છે કે તમારા શરીરમાં હળવી કસરત કરનાર લોકોની સરખામણીએ શુક્રાણુઓની સંખ્યામાં વધુ ઘટાડો થયો હોય.

શુક્રાણુઓમાં ઘટાડાના કારણે રીપ્રોડક્શનની ક્ષમતા પણ ઓછી થતી જાય છે. હેવી રેઝિસ્ટન્સ ટ્રેનિંગ તમને ફયદો પહોંચાડવાને બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે, કેમકે આનાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરૉનનું ઉત્પાદન વધે છે, જે પુરુષોમાં પ્રજનન ક્ષમતાને વધારવાના કામ આવતા અન્ય હોર્મોન્સ પર પ્રતિકૂળ અસર કરે છે અને આના કારણે તમારી ફીમેલ પાર્ટનરને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી શકે છે.

વધુ પડતી કસરત કરવા ઉપરાંત ધૂમ્રપાન અને શરાબની આદત પણ પુરુષોની પ્રજનનક્ષમતાને નુકસાન કરવામાં મહત્ત્વના છે. આ વાંચીને સ્ત્રીઓએ કે પુરુષોએ વ્યાયામને બંધ કરવાના કોઈ કારણ નથી. વ્યાયામ ચાલુ રાખો, પરંતુ સાવધાની સાથે. આપણું શરીર દરેક બાબતમાં અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. આપણે નિયમિત રીતે વ્યાયામ કરવો જોઈએ, પરંતુ વ્યાયામ હળવો રાખવો. આપણી ક્ષમતાથી વધુ કસરત કરવાનો કોઈ અર્થ નથી, સિવાય કે તમે પ્રોફેશનલી એ ક્ષેત્રમાં જવા માગતા હોવ.

આ ઉપરાંત નિયમિત રીતે કસરત કરવાની સાથે સાથે પર્યાપ્ત ડાયેટ પણ જરૂરી છે, કેમ કે તમારા શરીરને નિયમિત રીતે કેલેરીઝ અને પોષકતત્ત્વોની જરૂર પડે છે. ખાસ કરીને ત્યારે, જ્યારે તમે એક્સરસાઇઝ દરમિયાન તમારી ખાસી ઊર્જા ગુમાવો છો. તમારે હંમેશાં તમારા સ્પર્મ કાઉન્ટને ચેક કરતા રહેવું જોઇએ. સાથે જ મહિલાઓને પોતાની ગર્ભધારણ ક્ષમતાની તપાસ કરાવતા રહેવું જોઇએ. આનાથી તમને સમસ્યાથી બચવા અને સામાન્ય રીતે જીવન જીવવામાં મદદ મળશે અને તમને યોગ્ય માર્ગદર્શન પણ મળી શકશે.

ડો. પાર્થ જોશી, ગાયનેકોલોજિસ્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન