કસરત માટે શક્તિ કેવી રીતે મેળવશો ? - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Stree
  • કસરત માટે શક્તિ કેવી રીતે મેળવશો ?

કસરત માટે શક્તિ કેવી રીતે મેળવશો ?

 | 3:48 am IST

ડાયટિશિયનની કલમે । સોહિની શાહ (B.S.R.D. – USA)

એરોબિક્સ માટે કેવા પ્રકારનો ખોરાક યોગ્ય છે ? પ્રોટીન કે કાર્બોહાઈડ્રેટસ ? લાંબા અંતરની દોડ માટે શું સ્પોર્ટ્સ ડ્રિન્ક પીવું જરૂરી છે ? કસરત શરૂ કરતાં પહેલાં શું ખોરાકનું સેવન કરવું યોગ્ય છે ? જો તમે લોકોને વાત કરતા સાંભળશો તો તમને ઘણી વિરોધાભાસી વાતો સાંભળવા મળશે. લોકોને સૌથી વધુ મૂંઝવતા પાંચ પ્રશ્નોના નીચે આપેલા જવાબ તમને ચોક્કસ આ બાબતમાં મદદ કરશે.

(૧)શું પ્રોટીન મારા સ્નાયુ વધારવામાં મદદ કરશે ?

સંતુલિત આહારમાં પ્રોટીનનું મહત્ત્વ છે પરંતુ વધારે પ્રોટીનનું સેવન ચમત્કારિક રીતે આપણેને મજબૂત નથી બનાવતું ! સ્નાયુઓને વધારવાનું કાર્ય કસરત દ્વારા થઈ શકે છે. કસાતા સ્નાયુઓ માટે કાર્બોહાઈડ્રેટ્સ શ્રેષ્ઠ ઈંધણ છે. કાર્બોહાઈડ્રેટ્સ અંશત : ગ્લાઈકોજનમાં પરિવર્તિત થાય છે જે સ્નાયુઓમાં સંગ્રહિત થઈને કસરત કરવાની શક્તિ આપે છે. એકથી ચાર કલાકની નિરંતર મધ્યમથી તીવ્ર કક્ષાની કસરતમાં પચાસથી સાંઈઠ ટકા જેટલી ઊર્જા કાર્બોહાઈડ્રેટ્સમાંથી મળે છે.

(૨)શું સ્પોર્ટસ-ડ્રિન્કસ જેલ્સ અને એનર્જી બાઈટ્સ તેઓના દાવા પ્રમાણે ઉપયોગી છે ?

બજારમાં વેચાતા આ પ્રકારના ખાદ્યો કે પીણામાં ખાસ કાંઈ વિશેષ હોતું નથી. પરંતુ એક કલાકથી વધુ સમયની કસરત દરમિયાન રક્તશર્કરાને જાળવતા કાર્બોહાઈડ્રેટ્સ અને ગુમાવેલા પાણીની પૂર્તિ કરવી જરૂરી છે. ઉપર દર્શાવેલા પીણા અને ખાદ્યો આપણને જરૂરી એવી ઊર્જા અને પાણી આપી શકે છે પરંતુ તેમનું જ સેવન કરવું જરૂરી નથી. ઘેર બનાવેલા ખાદ્યો પણ આપણી આ જરૂરિયાતને સારી રીતે પૂરી કરી શકે છે.

કેટલાંક એથ્લીટ્સના કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે કસરત દરમિયાન ખાદ્યોનું સેવન કરવાથી તેઓનું પાચન ખરાબ થઈ જાય છે. તેઓનું પેટ બગડી જાય છે. તેથી તેઓ માટે સ્પોર્ટસ જેલ રયૂઝ અથવા સ્પોર્ટસ ડ્રિન્કસ સારા રહે છે. કસરત સમયે સેવાતા ખાદ્યો અને પીણાનું ચયન એથ્લીટના શરીરની પ્રકૃતિ અનુસાર તેમજ કસરતનો સમયગાળો અને તીવ્રતાના આધારે કરવું જોઈએ.

(૩)શું કસરત ખાલી પેટે કરવી જોઈએ ?

જ્યારે આપણે દોડવા, કૂદવા, તરવા કે વજન ઊંચકવા જેવી શ્રમભરી કસરત કરતા હોઈએ ત્યારે તે કરવા માટે ઈંધણની જરૂર પડે છે. સવારની કસરત કરતા પહેલાં નાસ્તાનું સેવન જરૂર કરો. ભૂખ્યા પેટે કરેલી કસરત કરતા નાસ્તો કર્યા પછી કરેલી કસરતનું પરિણામ સારું હોય છે. એવું જોવામાં આવ્યું છે. સવારમાં નાસ્તો ખાવાથી લિવરના ગ્લાયકોઝમનું પ્રમાણ જળવાઈ રહે છે અને રક્ત-શર્કરા સ્થિર રહે છે. જો તમને સવારમાં કોઈ નક્કર નાસ્તો માફક ના આવતો હોય તો ફ્રૂટ સ્મૂધી અથવા કોઈ પ્રવાહી ખોરાક લો. કસરત શરૂ કરતા પહેલાં પાણીનું સેવન કરીને શરીરમાં પાણીની પૂર્તિ કરવાનું ભૂલશો નહીં.

(૪)શું નિયમિત કસરત આપણને કાંઈપણ ખાવાની અનુકુળતા કરી આપે છે ?

આ વાત સાચી નથી. કસરત કરવાનો અર્થ એ નથી કે આપણે બધાં જ પ્રકારના ખાદ્યો અનિયંત્રિત રીતે ખાઈ શકીએ છીએ. કસરત કરતી વખતે આપણાં શરીરની કેટલી કેલરી ખર્ચાય છે તેનો કોઈ નિશ્ચિત અંદાજ આપણને હોતો નથી.

જો તમે ટ્રાયેથ્લોન જેવી પ્રવૃત્તિ માટે તૈયારી કરતા હોય કે જેમાં દિવસમાં એકથી વધુ વાર કસરત કરવાની જરૂર પડે છે તો તમારે તમારી કેલરીના સેવનની માત્રામાં ફેરફાર કરવો પડે. એક જ દિવસમાં અનેક ઈવેન્ટસમાં જેઓ ભાગ લેતા હોય છે અથવા જેઓ અત્યંત શ્રમભરી કસરત કરતા હોય છે તેઓએ રિકવરી ન્યુટ્રિશન લેવું જરૂરી છે. એકાદ કલાકની સામાન્ય કસરત કરતી વ્યક્તિ માટે સ્વાસ્થ્યપ્રદ સંતુલિત આહાર પૂરતો છે.

(૫)શું એથ્લીટ માટે ચોકલેટ-મિલ્ક શ્રેષ્ઠ વિકલ્પ છે ?

યોગ્ય માત્રામાં કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીન-તત્ત્વ ધરાવતું ચોકલેટ-મિલ્ક એક સારું રિક્વરી-ફૂડ છે. પરંતુ તે એકમાત્ર વિકલ્પ નથી યોગર્ટ અથવા હોલ-વ્હીટની ચીઝ-સેન્ડવિચ એટલી જ પૌષ્ટિક છે.