એક્સિમ પોલિસી હેઠળ મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ (એમ.આઈ.પી.) - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • એક્સિમ પોલિસી હેઠળ મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ (એમ.આઈ.પી.)

એક્સિમ પોલિસી હેઠળ મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસ (એમ.આઈ.પી.)

 | 7:16 am IST
  • Share

ભારત દેશમાં આયાત થતાં માલ પર કસ્ટમ ડયૂટી લાગે છે. સામાન્ય રીતે કસ્ટમ ડયૂટી માલની કિંમતના અમુક ટકાના દરે વસૂલ કરવામાં આવે છે, દાખલા તરીકે, જો માલની કિંમતના ૧૦%ના દરે ઇમ્પોર્ટ ડયૂટી લેવાની હોય તો આયાત થયેલાં સમગ્ર જથ્થાની કુલ કિંમત ગણી, તેનાં ૧૦%ની રકમની આકારણી કસ્ટમ અધિકારી કરે છે. આયાત થતાં માલની કિંમતની ગણતરી કેવી રીતે કરવી, અને આ કિંમતની આકારણી માટે એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટ પોલિસી હેઠળ જાહેર કરવામાં આવતી એમ.આઈ.પી.નું શું મહત્ત્વ છે એ પ્રશ્નો આયાતકર્તાઓને વારંવાર સતાવે છે.

કસ્ટમ એક્ટની જોગવાઈઓ

કસ્ટમ એક્ટ, ૧૯૬૨ની કલમ ૧૪ હેઠળ આયાત અને નિકાસ થતાં માલની કિંમતની આકારણી કરવાનાં સિદ્ધાંતો આપવામાં આવેલ છે, અને તેથી કલમ ૧૪ને ‘વેલ્યુએશન પ્રોવિઝન’ કહેવામાં આવે છે. આ પ્રોવિઝન પ્રમાણે માલની જે કિંમત ખરેખર ચૂકવવામાં આવે (એટલે કે ‘પ્રાઇસ એક્ચ્યુઅલી પેઇડ’) તે કિંમત ઉપર કસ્ટમ ડયૂટીની વસૂલાત કરવામાં આવશે. ખરેખર ચૂકવવામાં આવતી કિંમત (પ્રાઇસ) આંતરરાષ્ટ્રીય બજારમાં લે-વેચના સોદા માટેની સાચી અને સામાન્ય રીતે વસૂલાતી કિંમત હોવી જોઈએ, અને તે કિંમત કોઈ પણ રીતે પ્રભાવિત (influenced) થઈ ન હોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં માલની લે-વેચ કરનારી વ્યક્તિઓ સ્વતંત્ર હોવી જોઈએ, અને એકબીજાના ધંધા કે વ્યવસાયમાં તેઓને સીધી કે આડકતરી રીતે કોઈપણ પ્રકારનો રસ (interest) ન હોવો જોઈએ. જો આ પ્રકારના સંબંધો હોય અને વેચનારે ખરીદનાર પાસેથી યોગ્ય કિંમત વસૂલી હોય તો આ કિંમત જેને કાયદામાં ‘ટ્રાન્ઝેક્શન વેલ્યૂ’ કહેવામાં આવે છે તેના પર કસ્ટમ ડયૂટી વસૂલવામાં આવશે. કસ્ટમના કાયદામાં આ પરિસ્થિતિ બાબતે સુપ્રીમ કોર્ટે પણ ચુકાદા આપેલા છે.

ફોરેન ટ્રેડ એક્ટ અને એક્સિમ પોલિસીની જોગવાઈઓ

ફોરેન ટ્રેડ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૯૨ની કલમ ૫ હેઠળ કેન્દ્ર સરકારને ‘ફોરેન ટ્રેડ પોલિસી’ જાહેર કરવાની સત્તા છે, અને વાણિજ્ય ખાતા મારફતે આ પોલિસી જેને ‘એક્સ્પોર્ટ-ઇમ્પોર્ટ પોલિસી’ અથવા ‘એક્સિમ પોલિસી’ તરીકે ઓળખવામાં આવે છે, તે વખતોવખત નોટિફિકેશન બહાર પાડીને જાહેર કરાય છે. સામાન્ય રીતે આ પોલિસી પાંચ વર્ષના ગાળા માટે હોય છે, પરંતુ પાંચ વર્ષ દરમિયાન પણ આ પોલિસીમાં સરકાર ફેરફારો કરે છે. ફોરેન ટ્રેડ એક્ટ અને એક્સિમ પોલિસીનો હેતુ દેશમાં થતાં આયાત અને નિકાસ પર નિયંત્રણ રાખવાનો, અને સરકારની પોલિસી મુજબ અમુક પ્રકારના માલના આયાત-નિકાસ ઉપર બંધી ફરમાવવાનો અથવા અમુક આયાત-નિકાસ પર નિયંત્રણો નાખવાનો છે. આ કાયદાનો હેતુ સરકાર માટે નાણાં ઊભા કરવાનો નથી, અને તેથી આ કાયદા હેઠળ આયાત કે નિકાસ પર ડયૂટી કે ટેક્સ લાદવાની કોઈ સત્તા અપાઈ નથી, આવી સત્તા ફક્ત કસ્ટમ એક્ટ હેઠળ સરકારને આપવામાં આવી છે.

એમ.આઈ.પી.ના નોટિફિકેશન

ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડી.જી.એફ.ટી.) દ્વારા વખતોવખત મિનિમમ ઇમ્પોર્ટ પ્રાઇસના નોટિફિકેશનો બહાર પાડવામાં આવે છે, પણ આ પ્રમાણે એમ.આઈ.પી. જાહેર કરવાનો હેતુ શું છે તે ખબર પડતી નથી. જ્યારે કસ્ટમ ડયૂટીની આકારણી ‘ટ્રાન્ઝેક્શન વેલ્યૂ’, એટલે કે માલની ખરીદી માટે ચૂકવવામાં આવતી કિંમત, પર કરવાની હોય ત્યારે ડી.જી.એફ.ટી. દ્વારા આયાત થતાં માલની એમ.આઈ.પી. જાહેર શા માટે થાય છે તે સ્પષ્ટ થતું નથી. જે માલ માટે એમ.આઈ.પી. જાહેર કરવામાં આવે છે તે માલની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તતી કિંમત કરતાં એમ.આઈ.પી. ઘણી જ વધારે હોય છે, અને ઘણીવાર તો સાચી કિંમતથી બમણી એમ.આઈ.પી. જાહેર કરવામાં આવેલ હોય તેવાં પણ દાખલા છે. તા. ૫ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ ડી.જી.એફ.ટી. દ્વારા નોટિફિકેશન નં. ૩૮/૨૦૧૫-૨૦૨૦ જાહેર થયું છે તેમાં લોખંડના અનેક પ્રકારના માલની એમ.આઈ.પી. જાહેર કરાઈ છે. પવનચક્કી બનાવવા માટે વપરાતી ખાસ પ્રકારની હોટ રોલ્ડ સ્ટીલ પ્લેટની એમ.આઈ.પી. ૬૪૩ ડોલર મેટ્રિક ટનની જાહેર કરાઈ છે, જ્યારે  આ પ્રકારનો માલ આંતરરાષ્ટ્રીય બજારમાં ટનના ૩૯૮ ડોલરની આસપાસના ભાવે મળે છે. આ પ્રકારની લોખંડની પ્લેટની આયાત પર કોઈ નિયંત્રણ નથી, અને તેથી આવો માલ કોઈપણ વ્યક્તિ ભારતમાં આયાત કરી શકે છે. માલની કિંમત એક ટનનાં ૬૪૩ ડોલરથી ઓછી હોય તો પણ તેની આયાત પર કોઈ નિયંત્રણ કે બાધ નથી. તો પછી એમ.આઈ.પી. જાહેર કરવાનો અર્થ શું છે.

કોર્ટના ચુકાદાઓ

ડી.જી.એફ.ટી. દ્વારા આ પ્રકારે ગેરવાજબી દરે એમ.આઈ.પી. જાહેર કરવાથી બિનજરૂરી ઝઘડા અને કોર્ટ કેસ થાય છે. જ્યારે એમ.આઈ.પી. સાચી બજાર કિંમતથી વધારે જાહેર કરાય ત્યારે કસ્ટમ અધિકારીઓ આયત કરનાર પર ખોટા કેસ કરે છે, અને ઓછાં ભાવે આયાત કરવામાં આવેલ માલની જપ્તી અને બજાર કિંમતના બદલે એમ.આઈ.પી. પર કસ્ટમ ડયૂટી વસૂલ કરવાના પગલાં લે છે. બિનજરૂરી અને ગેરવાજબી રીતે બજાર કિંમત કરતાં વધુ એમ.આઈ.પી ફોરેન ટ્રેડ હેઠળ જાહેર કરવાથી આ પ્રકારના કેસ ઊભા થાય છે.

મદ્રાસ હાઇકોર્ટનો ચુકાદો

એસ.મીરા કોમોડિટીઝ પ્રા.લિ.ના ૨૦૦૯ (૨૩૫) ઇ.એલ.ટી. ૪૨૩ પરના ચુકાદામાં મદ્રાસ હાઇકોર્ટે ઠરાવ્યું છે કે ફોરેન ટ્રેડ એક્ટ હેઠળ આયાત થતાં માલ બાબતે કિંમત જાહેર કરવાનો કોઈ અધિકાર કે સત્તા નથી. માલની કિંમત જાહેર કરવાની સત્તા કસ્ટમ એક્ટ હેઠળ છે, પણ ડી.જી.એફ.ટી. દ્વારા જાહેર કરાયેલી એમ.આઈ.પી. ઉપર કસ્ટમ ડયૂટીની આકારણી ન થઈ શકે, અને આવી એમ.આઈ.પી. કરતાં ઓછી કિંમતે આયાત કરેલાં માલ પર કોઈ નિયંત્રણ કે જપ્તી જેવા પગલાં પણ લઈ શકાય નહીં.

કલકત્તા હાઇકોર્ટનો ચુકાદો

બિમલકુમાર મોદી વિ. યુનિયન ઓફ ઇન્ડિયાનાં ૨૦૧૪ (૩૦૬) ઇ.એલ.ટી. ૯૭ના ચુકાદામાં કલકત્તા હાઇકોર્ટે પણ ઠરાવ્યું છે કે ડી.જી.એફ.ટી. દ્વારા નોટિફિકેશનથી ફોરેન ટ્રેડ એક્ટ હેઠળ એમ.આઈ.પી. નક્કી ન થઈ શકે, અને એવી શરત કે નિયંત્રણ ન લાદી શકાય કે આ રીતે જાહેર કરેલી એમ.આઈ.પી.થી નીચા ભાવે માલની આયાત ન થઈ શકે. મદ્રાસ હાઇકોર્ટ અને કલકત્તા હાઇકોર્ટ દ્વારા એમ.આઈ.પી.ના નોટિફિકેશન રદ કરવામાં આવ્યા છે, અને આયાતકર્તાઓ સામે કસ્ટમ અને ડી.જી.એફ.ટી.ના અધિકારીઓ દ્વારા લેવાયેલાં પેનલ્ટી અને માલ જપ્તીના પગલાં ગેરકાયદેસરના ઠરાવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ મે. પામ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કાજુની આયાત માટે ડી.જી.એફ.ટી. દ્વારા જાહેર કરાયેલ એમ.આઈ.પી. અને તેના પર કરવામાં આવેલી કસ્ટમ ડયૂટીની માગણી ગેરકાયદે ઠરાવી ફગાવી દેવામાં આવેલો છે. આ પ્રમાણે ફોરેન ટ્રેડ એક્ટ હેઠળ જાહેર કરાતી એમ.આઈ.પી. કોઈપણ આયાતકર્તા કોર્ટમાં પડકારી શકે છે, અને એમ.આઈ.પી.થી ઓછી કિંમતે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદી કરીને આપણા દેશમાં આયાત કરવામાં આવતા માલ પર કસ્ટમ કે ડી.જી.એફ.ટી. નિયંત્રણ મૂકવાની કે ઊંચી એમ.આઈ.પી. પર કસ્ટમ ડયૂટી લેવાની માગણી કરે, તો આ પગલાં કોર્ટમાં પડકારી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન