TRAIની ભલામણો: ટૂંક સમયમાં થશે 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની સૌથી મોટી નીલામી - Sandesh
  • Home
  • Business
  • TRAIની ભલામણો: ટૂંક સમયમાં થશે 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની સૌથી મોટી નીલામી

TRAIની ભલામણો: ટૂંક સમયમાં થશે 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની સૌથી મોટી નીલામી

 | 8:58 pm IST

સરકાર ઝડપથી આધુનિક ટેક્નોલોજી અપનાવવાની કોશિશ કરી રહી છે અને તેનાં અનુસંધાનમાં તે 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમને સુસંગત કરી રહી છે. આનાથી મોબાઇલ પર ડાઉનલોડ સ્પીડ 1,000 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ થશે એમ ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજને જણાવ્યું હતું.

તેઓ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં ગ્લોબલ ટેલિકોમ ઇવેન્ટમાં હાજરી આપી રહ્યા હતા અને ભારતી એરટેલ, વોડાફોન, નોકિયા, એરિક્સન, ઇન્ટેલ, મીડિયાટેક જેવાં તે ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠકો યોજી હતી.

ટેલિકોમ વિભાગે ઈ અને વી બેન્ડ સાથે 3,500 મેગાહટ્ર્ઝ બેન્ડ અને 26 ગીગાહટ્ર્ઝ બેન્ડમાં સ્પેક્ટ્રમને સુસંગત કરવાનું શરૂ કરી દીધું છે એમ તેમણે વધુ જણાવ્યું હતું. હાલ 2,600 મેગાહટ્ર્ઝથી ઓછા સ્પેક્ટ્રમ બેન્ડમાં 4G સેવાઓ આપવામાં આવે છે. ફ્રીક્વન્સી બેન્ડમાં વધારો થવાથી સિગ્નલ કવરેજ એરિયા ઘટી જાય છે પણ ટેક્નોલોજી અનુસાર, ડેટા ટ્રાન્સમીટ કરવાની ઝડપ વધી રહી છે.

સરકારે 700 મેગાહટ્ર્ઝ બેન્ડને સુસંગત બનાવવાનું શરૂ કરી દીધું છે જે 5G સેવા માટે ઉપયોગમાં લઈ શકાશે. ટેલિકોમ અગ્રણીઓ હાલ ઓટોમેટેડ ગાડીઓમાં, દૂરથી રોબોટિક સર્જરી, શિક્ષણમાં 5Gસેવાના ઉપયોગની ટ્રાયલ કરી રહ્યા છે. ટેલિકોમપ્રધાન મનોજ સિંહાએ ટેક્નોલોજી કંપનીઓને કૃષિક્ષેત્રમાં પણ 5G સેવાના ઉપયોગની શક્યતા ચકાસવા જણાવ્યું છે.

અરુણા સુંદરરાજને જણાવ્યું કે તમામ ટેલિકોમ કંપનીઓ ભારતમાં 5Gનું મોટું બજાર જોઈ રહી છે. ભારત ઇન્ટરનેટના સૌથી વધુ વપરાશકારોના દેશ તરીકે ઓળખાય છે. ભારતી એરટેલના અધ્યક્ષ સુનીલ ભારતી મિત્તલ અનુસાર જ્યારે ગ્લોબલ ટેલિકોમ બોડી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન્સ યુનિયન આવતા વર્ષે ટેક્નોલોજીનાં ધોરણો ફ્રીઝ કરશે ત્યારે ભારતમાં 5G સેવાઓ શરૂ થઈ શકશે.

સુંદરરાજને જણાવ્યું કે અગ્રણી ટેલિકોમ કંપનીઓએ ભારતમાં 5G માટે તેમનું કાર્ય પ્રારંભી દીધું છે. એરિક્સન અહીં ઉત્પાદનસુવિધા વધારવાની યોજના બનાવી રહી છે. હાલમાં જ BSNL પાસેથી 4G કોન્ટ્રાક્ટ મેળવનાર ચીની ટેલિકોમ કંપની ZTE પણ ભારતમાં નવી ટેક્નોલોજી લાવવાની યોજના બનાવી રહી છે.

નોકિયા સ્માર્ટ વિલેજ પાઇલટ શરૂ કરશે, જેમાં ૫-જીનો આરોગ્ય અને શિક્ષણમાં થતો ઉપયોગ પ્રદર્શિત કરાશે. શરૂઆતમાં 400-500 કેન્દ્રો સ્થાપશે અને ત્રીજા ચરણમાં ભારતભરમાં તેનો વિસ્તાર થશે એમ સુંદરરાજને જણાવ્યું હતું. તેમણે 5Gને સ્ટીમ એન્જિન સાથે સરખાવ્યું હતું, જેનાથી તમામ ક્ષેત્રોને લાભ થશે.

તેમણે વધુ જણાવ્યું કે ભારતની અનેક સોફ્ટવેર કંપનીઓ ૫-જીની ટેક્નોલોજીમાં પછાત છે. તેઓ હાલ તેને અનુરૂપ સોફ્ટવેર વિકસાવી રહી છે, જેમ કે C-DoTએ M૨M મંચ વિકસાવ્યું છે.

સ્પેક્ટ્રમનાં લિલામ વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરોટી ઓફ ઈન્ડિયા(TRAI) સરકારને પોતાની ભલામણો સુપરત કરશે પછી જ તે બાબતે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે.